ત્રણ મિત્રોની વાત જેઓ ફસાઈ ગયા હતા 75 માળના પગથીયા ચઢવા માટે…
ત્રણ મિત્રો હરવા-ફરવાનાં હેતુથી વિદેશયાત્રાએ નીકળ્યા. નવા દેશમાં પોતે સાવ અજાણ્યા એટલે રોકાવા માટે એમણે પહેલાથી જ એક હોટલમાં રૂમ બુક કરી રાખ્યો હતો.
તેમણે જે હોટલ પસંદ કરી એ 75 માળ ઊંચી બહુ આલીશાન હોટલ હતી. નસીબજોગે તેમને જે રૂમ મળ્યો તે પણ 75 માં માળે જ આવેલ હતો.

ત્રણે મિત્રો હોટલમાં પહોંચ્યા એટલે હોટલના મેનેજરે તેમને સૂચના આપતા કહ્યું કે ” અહીં હોટલમાં તમારે રાત્રે 12 વાગ્યા સુધીમાં પરત આવી જવાનું રહેશે. શહેરનાં સ્થાનિક કાયદા પ્રમાણે જો તમે રાત્રે 12 વાગ્યા પછી હોટલમાં આવશો તો તમને હોટલમાં પ્રવેશ તો મળશે પરંતુ કોઈપણ સંજોગોમાં લિફ્ટનો ઉપયોગ નહીં કરી શકો. ”
યાત્રાના પ્રથમ દિવસે ત્રણે મિત્રો શહેરમાં ખૂબ ફર્યા અને મોજ માણી. જો કે તેઓને હોટલનાં મેનેજરે આપેલી સૂચના યાદ હતી એટલે તેઓ સમયસર હોટલમાં પરત આવી ગયા. આમ બીજા દિવસે પણ થયું.

પરંતુ ત્રીજા દિવસે તેઓ શહેરથી દૂર લોન્ગ ડ્રાઈવ પર નીકળી ગયા અને પરત આવતા ઘણું જ મોડું થઈ ગયું હોટલ પહોંચ્યા બાદ તેમને મેનેજરની સૂચના યાદ આવી. જો કે 12 તો ક્યારનાંય વાગી ગયા હોવાથી તેમને હોટલમાં પ્રવેશ તો મળ્યો પણ છેક 75માં માળે તેમના રૂમ સુધી પહોંચવા માટેની લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી.
ત્રણે મિત્રોએ જોયું કે હવે રૂમ સુધી પહોંચવા માટે સેંકડો પગથિયાં ચડવા સિવાય કોઈ કોઈ વિકલ્પ નથી. અંતે ત્રણે મિત્રોએ નક્કી કર્યું કે પગથિયાં ચડવા માટેનો લાંબો સમય કંટાળાજનક ન લાગે તે માટે તેઓ 25-25 માળ સુધી વારાફરતી એકબીજાને અરસ-પરસ વાતો સંભળાવશે જેથી પંથ પણ કપાઈ જાય અને કંટાળો પણ ન આવે.
પહેલા મિત્રે કહ્યું કે 1 થી 25માં માળ સુધી હું તમને જોક્સ, ગમ્મત પડે તેવા કિસ્સાઓ અને શેરો-શાયરી સંભળાવીશ. અને તેણે એમ જ કર્યું. તેનાં રમુજી ટુચકાઓથી વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું અને જોતજોતામાં તેઓ 25માં માળ સુધી પહોંચી ગયા.
હવે બીજા મિત્રનો વારો આવ્યો. તેણે કહ્યું અહીંથી 50માં માળ સુધી હું તમને બન્નેને સાચા અને વાસ્તવિક કિસ્સાઓ સંભળાવીશ. અને તેણે એમ જ કર્યું. તેના સચોટ અને વિચારતા કરી મૂકે તેવા વાસ્તવિક કિસ્સાઓએ વાતાવરણ સહેજ ગંભીર બનાવી દીધું. જેમ તેમ કરીને તેઓ 50માં માળ સુધી પહોંચવામાં સફળ થઈ ગયા.

હવે ત્રીજા મિત્રનો વારો હતો. પરંતુ 50 માળ સુધીનાં પગથિયાં ચડી ત્રણેય મિત્રો થાકી ગયા. અંતે ત્રીજા મિત્રે કહ્યું કે હું અહીંથી છેલ્લે સુધી એટલે કે 75માં માળ સુધી ગમગીન અને દુઃખભર્યા કિસ્સાઓ સંભળાવીશ. અને તેણે પણ એમ જ કર્યું.
છેવટે 75માં માળ સુધી પહોંચવા પર ત્રીજા મિત્રએ થાકીને ચકનાચૂર થયેલા અન્ય બે મિત્રોને કહ્યું કે મારી વાતનો અંતિમ અને સૌથી દુઃખભર્યો કિસ્સો એ છે કે આપણે આપણા રૂમની ચાવી નીચે કાઉન્ટર પર જ ભૂલી આવ્યા છીએ.

આ સાંભળી અને જાણી ત્રણે મિત્રો ત્યાં રૂમની બહાર જ ઢળી પડ્યા.
(એક મિનિટ….. આ વાર્તા અહીં પુરી નથી થતી. વાર્તાનો મુખ્ય ભાગ તો હવે શરૂ થાય છે…)
આ વાર્તા કોઈ વાસ્તવિક વાર્તા નથી પણ મારી અને તમારી જિંદગીનું એક પ્રતિબિંબ છે. અને તેમાં આપણા સૌ માટે એક સચોટ બોધ છુપાયેલો છે. એ શું છે આવો જાણીએ..
આપણી જિંદગીના શરૂના 25 વર્ષ આપણે હસવા, રમવા અને એન્જોય કરવામાં વિતાવી દઈએ છીએ. એ સમય એટલો ઝડપથી વીતી જાય છે કે ખબર પણ નથી પડતી.

પછીનાં 25 વર્ષ એટલે કે 25 થી 50 વર્ષ સુધીની જિંદગી થોડી ગંભીર બાબતો એટલે કે લગ્ન, બાળકો, ધંધા રોજગાર જેવી ઈચ્છાઓને પુરી કરવામાં વ્યતીત થઈ જાય છે.
અંતે 50 થી 75 વર્ષ સુધીની જિંદગીમાં આપણી દુઃખ ભરી કહાની શરૂ થાય છે. દવાખાના અને હોસ્પિટલના ધક્કા ખાવામાં દિવસો પસાર થતા જાય છે. ક્યારેક ક્યારેક દીકરાઓ અને પૌત્રાઓ તરફથી પણ દુઃખ અને યાતનાઓ ભોગવવી પડે છે અને પરેશાનીઓ પીછો જ નથી છોડતી ત્યાં સુધી કે જ્યારે મૃત્યુનો સમય નજીક આવવા લાગે ત્યારે અનુભવાય છે કે આપણે ચાવી સાથે લાવવાનું તો ભૂલી જ ગયા છીએ. જેને આપણે જિંદગીની સફળતા અને ધ્યેય માનતા હતા.

એ ચાવી જેનાથી આપણે કમસેકમ પોતાની અંતિમ જિંદગી સંતોષથી વિતાવી શકત. જિંદગી દરમિયાન સારા અને બીજાને લાભ થઇ શકે તેવા કાર્યો કરવામાં ક્યારેય ભાગ જ ન લીધો એટલે હવે માત્ર અફસોસ અને નિસાસાઓ સિવાય કઈં હાથ ન લાગ્યું.
દરેકને યાદ રાખવું જોઈએ કે મૃત્યુ જિંદગીનું એવું રિટાયરમેન્ટ છે જેમાં ઉંમરનો કોઈ બાધ નથી. ક્યારે કોને અને કઈ રીતે આવશે તે કંઈ જ નક્કી નથી. હા, એ નક્કી છે કે તમે તમારી જિંદગીનાં 75માં માળ ચાવી લઈને પહોંચશો કે ચાવી ભૂલીને..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.