આલુ ગાર્લીક રીંગ્સ – બાળકો અને યંગ્સ માટે આ હોટ ફેવરિટ સ્નેક બની રહેશે તો એકવાર જરૂર બનાવજો..

આલુ ગાર્લીક રીંગ્સ :

નાસ્તા માટેની આલુ ગાર્લીક રીંગ્સ માર્કેટ્માં બધે મળતી હોય છે. ખાસ કરીને બાળકો અને યંગ્સની ફેવરીટ છે. કીડ્સની પાર્ટીમાં સર્વ કરવામાં આવતી હોય છે. ખુબજ ઓછી અને ઘરમાંથી મળી જતી સામગ્રીમાંથી બની જતી આ આલુ ગાર્લીક રીંગ્સ ખૂબજ ટેસ્ટી બને છે. તો આજે હું અહીં આલુ ગાર્લીક રીંગ્સની રેસિપિ આપી રહી છું, તેને ફોલો કરીને તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો.

આલુ ગાર્લીક રીંગ્સ બનાવવા માટેની સામગ્રી :

  • 150 ગ્રામ્સ બટેટા
  • ¼ કપ મોટી સૂજી
  • ¼ કપ પાણી + 1 ટેબલ સ્પુન પાણી
  • 3 કળી લસણ
  • 1 ટેબલ સ્પુન બટર અથવા ઓઇલ
  • ચીલી ફ્લેક્ષ – સ્વાદ મુજબ
  • સોલ્ટ – સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન બારીક કાપેલી કોથમરી
  • 1 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર

આલુ ગાર્લીક રીંગ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ 150 ગ્રામ બટેટા લઈ પાણીથી ધોઇને તેને પ્રેશર કૂક કરી લ્યો. 4 વ્હીસલ કરીને પ્રેશર કૂક કરો. બટેટા સારી રીતે બફાયેલા હશે તો રવા સાથે સરસ મિક્ષ થશે.

બટેટા બફાઇ જાય એટલે ઠરે પછી તેની છાલ કાઢી લ્યો. હવે બટેટાને જીણી ખમણીથી ખમણી લ્યો.

3 કળી લસણની ફોલીને તેને પણ જીણી ખમણીથી ખમણી લ્યો. અથવા ખાંડીને બારીક કરી લ્યો. મોટું ખાંડેલુ કે ખમણેલું હશે તો રિંગ્સમાંથી બહાર નીકળશે.

હવે જો મોટી સોજી લીધી હોય તો તેને અધકચરી ગ્રાઇંડ કરી લ્યો. જેથી બેટરનું બાઇંડીંગ સારુ આવશે.

ત્યારબાદ સુજીને કૂક કરવા માટે એક પેન ગરમ મૂકી તેમાં 1 ટેબલ સ્પુન બટર ગરમ થવા મૂકો. બટરમાં સુજી કુક કરવાથી ટેસ્ટ ખૂબજ સારો આવશે.

બટર માત્ર જરા ગરમ થાય એટલે તેમાં બારીક ખમણેલું લસણ ઉમેરી સ્લો ફ્લૈમ પર, કલર ચેંજ ના થાય ત્યાં સુધી જ સાંતળો. થોડું કૂક થશે એટલે તેમાંથી સરસ અરોમા આવવા લાગશે. ( વધારે સાંતળવાથી સ્મેલ ચેંજ થઈ જશે, ભાવશે નહી).

હવે તેમાં ¼ + 1 ટેબલ સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરો. જરા ઉકળે એટલે સ્લો ફ્લૈમ પર જ રાખીને તેમાં તમારા સ્વાદ મુજબ સોલ્ટ અને ચીલી ફ્લેક્ષ ઉમેરી દ્યો. ચીલી ફ્લેક્ષ ના હોય તો તેમાં જરુર મુજબ લાલ મરચું પાવડર અથવા કાળા મરીનો પાવડર ઉમેરો. જરા ઉકળે એટલે તેમાં ગ્રાઇંડ કરેલી સોજી ઉમેરી.

પાણી સાથે બરાબર મિક્ષ કરીને તેને કૂક કરી લ્યો. સ્લો મિડિયમ ફ્લૈમ પર સતત હલાવતા જઈને કૂક કરો. તેમાં જરા પણ ગુઠ્લી ના રહે તેનું ધ્યાન રાખો.

સતત હલાવતા રહીને સ્લો મિડિયમ ફ્લૈમ પર કૂક કરી લ્યો. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે થશે).

ત્યારબાદ સોજી બરાબર કૂક થઈ જાય એટલે ફ્લૈમ સ્લો પર જ રાખીને તેમાં બારીક ખમણેલા બાફેલા બટેટા તેમાં ઉમેરી સોજીના મિશ્રણ સાથે એક્દમ સરસ મિક્ષ કરી લ્યો.

બટેટામાં રહેલું મોઇશ્ચર બરાબર નીકળી જાય ત્યાંસુધી સતત હલાવતા રહી કૂક કરો. જેથી મિશ્રણ પણ ઢીલું ના રહે, તેમાંથી રિંગ માટેનું સર્કલ બરાબર વણી શકાય અને રીંગનો શેઈપ પણ સરસ બને.

બટેટા અને સોજીનું મિશ્રણ પેન છોડવા લાગે અને તવેથામાં સ્ટીક થવા લાગે એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.

સોજી અને બટેટાના બનેલા મિશ્રણની, રોટલીના ડો જેવી કંસીસટંસી થાય ત્યાં સુધી કૂક કરો.

હવે બેટર એક પ્લેટમાં ટ્રાંસફર કરો. જરા ઠરે, હલકું ગરમ હોય ત્યારે તેને હાથથી સરસ મસળી લ્યો એટલે બટેટા કે સોજીની ગુઠલી તેમાં હશે તો તેમાં ભાંગીને એકરસ થઈ ભળી જશે અને બાઈંડીંગ સારુ આવી જશે. હવે તેમાં બારીક કાપેલી કોથમરી ઉમેરી લ્યો. તેનાથી ખૂબજ સારો ટેસ્ટ આવશે.

ત્યાર બાદ તેમાં 1 ટેબલસ્પુન કોર્નફ્લોર ઉમેરી મિક્ષ કરો. જો જરુર મુજબની કંસીસટંસી ના થઈ હોય તો તેમાં જરુર મુજબ વધારે કોર્નફ્લોર ઉમેરી કંસીસટંસી સેટ કરો. ફરીથી મસળી લ્યો, જેથી બાઈંડીંગ બરાબર આવી જાશે.

હવે બનેલા ડોમાંથી બે મોટા બોલ બનાવી તેના લુવા બનાવી લ્યો.

વેલણ અને મોટુ બોર્ડ (કે પ્લેટફોર્મ પર)લઈ તેને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લ્યો. જેથી ડો તેમાં સર્કલ વણતી વખતે સ્ટીક ના થાય અને પર્ફેક્ટલી વણી શકાય.

ગ્રીસ કરેલ બોર્ડ પર લુવુ મૂકી, હાથ વડે જરા પ્રેસ કરીને પુરી જેવડું ચપટું સર્કલ બનાવી લ્યો.

હવે ગ્રીસ કરેલા વેલણ વડે જાડી ભાખરી જેવું સર્કલ વણી લ્યો. ( પીકચરમાં બતાવ્યા પ્રમાણે ). સર્કલ બહુ પાતળુ વણવું નહી.

હવે તમારી મન પસંદ સાઈઝનું રીંગ કટર, ઢાંકણ કે બાઉલ લ્યો. હવે તેની રીંગ બનાવવા માટે અંદરનું સર્કલ કાપવા માટે નાનું કટર લ્યો. ( પીકચરમાં બતાવ્યા પ્રમાણે ).

કટરની કિનાર પર કોર્નફ્લોર લગાવવાથી રીંગ કટ કરતી વખતે રીંગ તેમાં સ્ટીક ના થતા સરળતાથી કટ કરી અલગ કરી શકાશે. અને રીંગનો પર્ફેક્ટ શેઇપ આવશે.

હવે વણેલા સર્કલ પર પ્રથમ મોટા રીંગ કટરથી કટ પાડી લ્યો. ત્યારબાદ તે બધાની અંદર નાના કટરથી કટ પાડી લ્યો.

હવે અંદરનું નાનું સર્કલ અલગ કાઢી લ્યો. અને બનેલી બધી રીંગ્સને એક પ્લેટમાં રાખી દ્યો.

ત્યારબાદ બધી રીંગ્સ આ પ્રમાણે બનાવી લ્યો. કટીંગ્સમાં નીકળેલા ડોમાંથી ફરીથી મોટું સર્કલ વણી તેમાંથી બાકીની રીંગ્સ બનાવી લ્યો.

રીંગ્સ વચ્ચેથી નીકળેલા સર્કલને પણ ફ્રાય કરી લેવા. તે પણ ખૂબજ ટેસ્ટી લાગશે.

હવે મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકી, ઓઇલ ગરમ થાય એટલે તેમાં સમાય તેટલી જ રીંગ્સ ઉમેરી ડીપ ફ્રાય કરો. નીચેની બાજુ ફ્રાય થઈ ક્રીસ્પી અને લાઈટ ગોલ્ડન કલરના થાય એટલે ફ્લિપ કરી બીજી બાજુ પણ એ પ્રમાણે ડીપ ફ્રાય કરી લ્યો.

બન્ને બાજું ક્રીસ્પી અને લાઈટ ગોલ્ડન થઈ જાય એટ્લે ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો.

આ રીતે બધી રીંગ્સ અને વચ્ચેથી નીકળેલા નાના નાના સર્કલ ડીપ ફ્રાય કરી ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે સર્વિંગ પ્લેટમાં આલુ ગાર્લિક રિંગ્સ મૂકી, તેનાં પર ચાટ મસાલો અને લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરી તેને ટોમેટો કેચપ કે મેયોનિઝ સાથે નાસ્તામાં સર્વ કરો.

બાળકો અને યંગ્સ માટે આ હોટ ફેવરિટ સ્નેક બની રહેશે. સ્વાદ ખૂબજ ટેસ્ટી અને ક્રંચી તેમજ જોવાથી પણ ખાવાનું મન થઈ આવે તેવી આલુ ગાર્લીક રીંગ્સ તમે પણ તમારા રસોડે બનાવવાની ટ્રાય કરજો…

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.