અ’વાદમાં કાપડ ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે CM રૂપાણીનો મોટો નિર્ણય, મૃતકોના પરિવારને આપશે આટલા આટલા લાખ

અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી.

આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 6 પુરૂષ અને 5 મહિલા સહિત 11નાં મોત થઈ ગયાં છે.ત્યારે અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરતા મૃતક પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવા માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારની નિમણૂક કરી છે.

આ દુર્ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાંની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ અને 3થી 4 ગોડાઉનની છતો ધરાશાયી થઈ હતી, જેને કારણે 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી અત્યારસુધીમાં 11 લોકોનાં મોત થઈ ગયાં છે, જ્યારે 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે, જે તેમણે ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.

વર્ષ 2017-2018માં રાજ્યમાં 7330 જેટલા આગના બનાવ બન્યા હતા, જેમાં સૌથી વધુ આગ બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા, જેને કારણે મિલકતોને કરોડો નુકસાન થયું હતું. આમ જોવા જઇએ તો રાજ્યમાં દરરોજ 21 જેટલા આગના બનાવો બને છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં 31 ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા. જ્યારે 2018-19માં મળેલા ફાયર કોલ મુજબ 2123 જેટલા આગના કોલ મળ્યા હતા.

શહેરમાં 2017-18ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને 69.20 કરોડનું નુકસાન થયું હતું અને 35 લોકો જીવતા ભુંજાયા હતા. જોકે ફાયરબ્રિગ્રેડે 96 લોકોને રેસ્કયૂ કરીને 83.77 કરોડની માલ-મિલકત બચાવી હતી. રાજ્યની સૌથી સારી ફાયર ટીમની કામગીરી અમદાવાદ ફાયર વિભાગમાં જોવા મળી છે. અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે લોકોને રેસ્ક્યૂ કરવા, આગ બુજાવવાના અતિઆધુનિક સાધનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.