અમદાવાદમાં બપોર બાદ વરસાદ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ માહિતી

રાજ્યમાં ગત સપ્તાહમાં સક્રીય થયેલી વરસાદી સિસ્ટમે ભારે વરસાદનો એક રાઉન્ડ વરસાવી દીધો છે. 2 દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ સાથે જ આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 5 દિવસ સુધીમાં ફરી એકવાર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ આગાહી સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે.

image source

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 12 અને 13 જુલાઈએ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળશે. સાથે જ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

જો કે અમદાવાદ શહેરમાં શુક્રવારે સવારે મેઘવિરામ બાદ ફરી બપોર પછી મેઘાડંબર જોવા મળ્યું હતું. સાંજ સુધીમાં ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારે શહેરના મણિનગર, ઘોડાસર, વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે શહેરનો ઘાટલોડિયા, નારણપુરા અને નવરંગપુરા વિસ્તારમાં વરસાદ ન હતો.

image source

તો બીજી તરફ સૌરાષ્ટ્ર પર સતત 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે રાજકોટ, અમરેલી, કોડીનાર અને સુત્રાપાડામાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનું વાતાવરણ છે.

image source

ગત સપ્તાહમાં વરસાદે કરેલી જોરદાર ઈનિંગ્સના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી છે. સૌરાષ્ટ્રમાં સુત્રાપાડાના વડોદરા, લોઢવા અને પ્રશ્નાવડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

image source

જ્યારે રાજકોટમાં પણ શુક્રવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં બપોર બાદ વરસાદ થતાં માધાપર ચોકડી, ગોંડલ રોડ, કાલાવડ રોડ, કોઠારીયા ચોકડી, ગ્રીનલેંડ ચોકડી અને મોરબી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

image source

સૌરાષ્ટ્રમાં સતત 6 દિવસથી થતાં વરસાદના કારણે સૌથી સારી બાબત એ છે કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક નાના-મોટા ડેમ ઓવરફ્લો થયા છે. આ સાથે જ લોકોની પાણીની સમસ્યાનો અંત પણ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.