એરકંડીશનરના ખોટા ઉપયોગથી થતી તકલીફો અને તેનાથી બચવાના ઉપાયો…

એરકંડીશનરના ખોટા ઉપયોગથી થતી તકલીફો અને તેનાથી બચવાના ઉપાયો

હજી થોડા વર્ષો પહેલા ગરમી દૂર કરવા માટે આપણે પંખા કે કૂલર પર આધાર રાખવો પડતો હતો પણ એરકંડીશનરના આવ્યા બાદ ગમે તેવી ગરમીમાં પણ શિયાળાનો અહેસાસ કરી શકીએ છીએ. ભારત જેવા દેશમાં જ્યાં શેકી નાખે તેવી ગરમી પડે છે ત્યાં એરકંડીશનર ખરેખર આશીર્વાદ સમાન છે. આમ જૂઓ તો એરકંડીશનરના ઘણા બધા ફાયદા છે પણ તેનાથી લાંબેગાળે અમૂક નુકશાન થવાની શક્યતાઓ પણ છે. જો એરકંડીશનરનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો શરીરને લાંબે ગાળે થતી તકલીફો અને વીજળીના મોટા બિલથી બચી શકાય છે. માણસનો સ્વભાવ રહ્યો છે કે તે જરૂરિયાતવાળી વસ્તુના અભાવે જીવી પણ શકે છે અને તેનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરીને પોતાનું નુકસાન પણ કરી શકે છે એટલે જ ગયા બે લેખમાં એરકંડીશનરના ઈતિહાસ, કાર્યપધ્ધતિ, પ્રકારો, તે ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, વીજળીના વપરાશને લગતી બાબતો સમજ્યા પછી હવે તેના વધારે પડતા ઉપયોગથી થતા નુકસાન અને તેનાથી કઈ રીતે બચી શકાય તે વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું. ચાલો એ અંગે વધુ જાણીએ.

આજકાલ કોઈપણ ઘરમાં એરકંડીશનર ખરીદવું એ સાવ સામાન્ય વાત બની ગઈ છે. બહારથી તડકામાં શેકાઈને આવ્યા બાદ કે રાતે પથારીમાં સૂતી વખતે એરકંડીશનરની ઠંડકભરી હવા સ્વર્ગ સમાન લાગે છે પણ જો વ્યવસ્થિત રીતે ઉપયોગ ન કરવામાં આવે તો એરકંડીશનરથી અનેક તકલીફો થઈ શકે છે. સામાન્યરીતે એરકંડીશનરના અતિઉપયોગથી લાંબેગાળે નીચે પ્રમાણેની તકલીફો થઈ શકે છે.

image source

૧. તાવ આવવો અને થાક લાગવો – એરકંડીશનરમાં લાંબો સમય બેસી રહેવાથી ઘણીવાર તાવ આવવાની અને થાક લાગવાની સમસ્યાઓ સર્જાઈ શકે છે. એરકંડીશનરના ઠંડા પવનને સીધો શરીર પર લેવાથી એ ભાગનું તાપમાન અન્ય ભાગ કરતાં ઠંડુ થઈ જાય છે. એવા સંજોગોમાં વધુ પડતી ઠંડકના કારણે તાવમાં પટકાવાની શક્યતાઓ વધી જાય છે. લાંબો સમય એરકંડીશનરમાં બેઠા પછી ગરમ તાપમાનવાળી જગ્યાએ વારંવાર જવાનું થતું હોય તો રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે તાવ આવી શકે છે.

image source

૨. બેચેની રહેવી – એરકંડીશનરનું તાપમાન વધારે ઓછું કરવાને કારણે ક્યારેક માથાનો દુઃખાવો થવાની કે ચિડિયાપણું આવવાની સંભાવનાઓ વધી જાય છે. ઠંડી વાળી જગ્યા પર રહેવાની આદત થઈ જતાં ધીરેધીરે શરીર ગરમ તાપમાનમાં રહેવાની ક્ષમતા ખોઈ બેસે છે જેથી વારંવાર બેચેની રહેવાના લક્ષણો વધી જાય છે.

image source

૩. બ્લડપ્રેશન અને અસ્થમાની તકલીફ – જો બ્લડપ્રેશરની કે અસ્થમાની તકલીફ હોય તો એરકંડીશનરનો ઉપયોગ ટાળવો જ જોઈએ. તેના વિના ન જ ચાલે તેમ હોય તો બને ત્યાં સુધી તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. એરકંડીશનરના લગાતાર ઉપયોગથી શ્વાસ સંબંધી તકલીફો થવાની શક્યતાઓ વધારે રહે છે.

image source

૪. સાંધામાં દુઃખાવો – એરકંડીશનરના કારણે આ સમસ્યા આજે ચારેકોર વકરી ચૂકી છે. એરકંડીશનરનો લગાતાર ઉપયોગ કરવાથી અને તેના ઠંડા તાપમાનમાં બેસી રહેવાથી ઘુંટણના સાંધા અને શરીરના અન્ય સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યાઓ ઉભી થાય છે. શરીરના સાંધા જકડાઈ જવાથી તેમાં દુઃખાવો થવાની સમસ્યાઓ વધી જાય છે. સાંધાની કાર્યક્ષમતા નબળી પડી જવાને કારણે સમય જતાં હાડકા સંબંધી નવા રોગ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

image source

૫. મોટાપાની સમસ્યા – એરકંડીશનરના કારણે શરીરમાં બીજી અનેક સમસ્યાઓ ફેલાઈ શકે છે જેમાંથી એક આ પણ છે. જાણીને નવાઈ લાગશે પણ મોટાપાની સમસ્યા થવા પાછળ પણ એરકંડીશનર જવાબદાર હોઈ શકે છે. ઓફીસમાં કે ઘરમાં એરકંડીશનરના ઠંડા તાપમાનમાં બેઠા હોઈએ ત્યારે શરીર વધારે પ્રમાણમાં સક્રિય રહેતું નથી. ઠંડા તાપમાનમાં શરીરની દૈનિક ક્રિયાઓ શિથિલ થઈ જવાની સંભાવનાઓને કારણે શરીરની ઉર્જાનો જરૂરી હોય તેટલા પ્રમાણમાં ઉપયોગ થતો નથી. શરીરની ચરબીનો પ્રમાણસર ઉપયોગ ન થવાથી સમયાંતરે મોટાપાની સમસ્યા સર્જાઈ શકે છે.

image source

૬. લોહીનું અવ્યવ્સ્થિત પરિભ્રમણ અને માથાનો દુઃખાવો – દેખીતી રીતે આ જલ્દી ધ્યાનમાં ન આવે તેવી તકલીફ છે પણ એરકંડીશનરના વ્યાપક ઉપયોગને કારણે શરીરમાં લોહીના પરિભ્રમણને અસર થાય છે. એરકંડીશનરના ઠંડા વાતાવરણમાં બેસવાથી શરીરનું તાપમાન કૃત્રિમ રીતે ઓછું થઈ જાય છે અને શરીરની કોશિકાઓમાં સકુંચન થવા લાગે છે. આ કારણે લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી જે લાંબેગાળે શરીરની ક્ષમતા પર બહુ મોટી અસર કરી શકે છે. મગજમાં રહેલી નસો અને કોશિકાઓમાં સંકુચન થવાથી ક્યારેક માથામાં દુઃખાવો થવાની શક્યતાઓ રહેતી હોય છે

image source

૭. વિટામીન ડી – શરીરમાં જરૂરી એવું સહુથી અગત્યનું આ વિટામીન આપણને માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ મળી શકે તેમ છે પણ આજના ટેક્નોલોજીના જમાનામાં જે વસ્તુના ઉપયોગથી આપણને ફાયદો થાય છે એ જ વસ્તુ આપણને નુકસાન પણ કરાવી શકે છે. એરકંડીશનરની સવલતને કારણે ઘર, ઓફીસ કે દુકાનમાંથી તડકામાં જવાનું ભાગ્યે જ બનતું હોય છે જેના કારણે શરીરમાં વિટામીન ડીની ઉણપ થવાની શક્યતાઓ વધી જતે હોય છે. આ વિટામીનની ઉણપને કારણે સમયાંતરે હાડકા નબળા પડી જાય છે અને અંદરથી ખોખલા બની જાય છે. શરીરની કાર્યક્ષમતા વહેલી નબળી પડી જાય છે.

૮. તડકો અને ગરમી સહન કરવાની અશક્તિ – લાંબો સમય એરકંડીશનરમાં બેસવાની આદત થઈ જાય તો એક સમય એવો આવે છે જ્યારે સામાન્ય તડકો કે ગરમી પણ સહન ન થઈ શકે અને સાવ નજીવા તડકામાં પણ ચામડી દાઝતી હોવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. એરકંડીશનરનો લગાતાર ઉપયોગ કરવાથી જતે દહાડે ગરમી સહન કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે એવા સંજોગોમાં ક્યારેક હીટવેવને કારણે મૃત્યુ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.

૯. ચામડી સૂકી થઈ જવી. – એરકંડીશનરના ઉપયોગને કારણે ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ચામડી નીચેના કોષો અંશત ઠંડા પડી જવાને કારણે ચામડી પર શુષ્કતા છવાઈ જાય છે. મોઈશ્ચર દૂર થવાથી ચહેરાની ચમક ઝાંખી પડી જવાની અને ચામડી સૂકી પડી જવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે.

image source

૧૦. બ્લડપ્રેશરમાં વધારો – એરકંડીશનરની ઠંડી હવાવાળા વાતાવરણમાં લગાતાર રહેવાથી શરીરના બ્લડપ્રેશરમાં અને તેને સંબંધિત તકલીફો ઉભી થવાની શક્યતાઓ વધી શકે છે. ઠંડા વાતાવરણને કારણે શરીરની ધમનીઓ શરીરની વધારાની ગરમીનું બહાર ઉત્સર્જન કરી શકતી નથી જે સરવાળે બ્લડસર્ક્યુલેશન (લોહીના પરિભ્રમણ)માં તકલીફ ઉભી કરે છે. તેના કારણે શરીરનું બ્લડપ્રેશર પણ વધી જાય છે અને તે સંબંધિત રોગો વધવાની શક્યતાઓ ઉભી થઈ શકે છે.

તો આ પ્રમાણે એરકંડીશનરના આડેધડ ઉપયોગ થકી દેખીતી રીતે ધ્યાનમાં ન આવે તેવી ઘણી તકલીફો ઉભી થઈ શકે છે. જો કે આ પ્રકારની સમસ્યાઓ ઉભી ન થાય તે માટે એરકંડીશનરનો ઉપયોગ કરતી વેળા અમૂક બાબતો પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર માત્ર છે. ઘરમાં કે ઓફીસમાં એરકંડીશનર હોય તો તેનો ઉપયોગ સાવ બંધ કરી દઈએ તેવું તો ન બની શકે પણ જો લાંબેગાળે એના નુકસાનથી બચવું હોય તો એટલું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ કે તેની આદત ન પડી જાય. ભલે થોડી ગરમી લાગે પણ બની શકે તો એરકંડીશનર વગર રહેવાની આદત પાડવી જોઈએ અને માત્ર ઉનાળા દરમ્યાન કે ગરમી વધારે હોય તેવા દિવસો દરમ્યાન જ એરકંડીશનરનો ઉપયોગ કરવો જોઈએ. થોડા સાવચેતીભર્યા નિર્ણયો લેવાથી ન માત્ર એરકંડીશનરની કાર્યક્ષમતા વધે છે પણ સાથોસાથ શરીરને પણ નુકસાન થતું અટકાવી શકાય છે. એરકંડીશનરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાથી ઉપર જણાવેલી તકલીફોથી બચી શકાય છે.

 

image source

પાણી અને સાબુનો ઓછો ઉપયોગ – જો એવું લાગે કે શરીરનો અમૂક ભાગ એરકંડીશનરની ઠંડી હવાના સંસર્ગમાં આવવાથી બહુ જલ્દી ડ્રાય (સૂકો) પડી જાય છે તો તેવા હિસ્સામાં પાણી અને સાબુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો આખો દિવસ એરકંડીશનરમાં બેસી રહેવાનું બનતું હોય તો નાહ્યા પછી શરીર પર મોશ્ચ્યુરાઈઝર લોશન લગાડવું જોઈએ. શરીર પર લોશન લગાડ્યા બાદ જો ક્રીમ લગાડવામાં આવે તો તે એરકંડીશનરની હવાથી ચામડી અને તેની નીચે આવેલા કોષોને નુકસાન થતું અટકાવે છે.

૧૩

image source

સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. – ઓફીસમાં કે ઘરમાં એરકંડીશનરમાં લગાતાર બેસવાનું થાય તે દરમ્યાન ઠંડી હવાને કારણે શરીરની ચામડી નીચેના કોષો સૂકાઈ જવાની તકલીફ ઉભી થતી હોય છે તેથી સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. એરકંડીશનરના ઠંડા વાતાવરણમાં ઘણીવાર બહુ લાંબા સમય સુધી પાણી પીવાનું ભૂલાઈ જતું હોય છે એવા સંજોગોમાં યાદ કરીને પણ દર અડધો કલાકે શરીરમાં પાણીનો સ્ત્રોત ચાલુ રાખવો જોઈએ.

ગરમીમાંથી આવ્યા બાદ તરત ઉપયોગ – જો બહાર તડકામાં ફરવાનું થયું હોય તો ઘરે આવ્યા બાદ તુરંત એરકંડીશનરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ગરમીના કારણે પરસેવો થવાથી ચામડીના છિદ્રો ખુલી જતાં હોય છે તેવા સંજોગોમાં એરકંડીશનરની ઠંડી હવાના સીધા સંસર્ગમાં આવવાથી શરીરને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. બની શકે તો શરૂઆતની દસેક મિનીટ પંખાનો ઉપયોગ કરવો જોઈએ.

૧૫

image source

શુધ્ધ હવાની અવરજવર માટે વેન્ટીલેશન – એરકંડીશનર ચાલુ હોય તે દરમ્યાન તેના મહત્તમ ઉપયોગ માટે બારીબારણા બંધ રાખવા જોઈએ પરંતું રૂમમાં શુધ્ધ હવાની અવરજવર થતી રહે તે ખાસ જોવું જોઈએ. એરકંડીશનરની ડ્રાય હવાથી નુકસાન થઈ શકે છે તેથી જો થોડા પ્રમાણમાં બહારની શુધ્ધ હવા રૂમની ઠંડી હવામાં ભળતી રહે તો નુકસાન થવાની સંભાવનાઓ ઘણી ઘટી જાય છે.

સંયમિત ઉપયોગ – કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે આપણે મનથી નક્કી કરતાં હોઈએ છીએ કે તેનો સંયમથી ઉપયોગ કરીશું પણ તેવું મનોબળ બહુ લાંબો સમય ટકતું નથી. શરૂઆતમાં મર્યાદિત ઉપયોગ કર્યા બાદ જે-તે વસ્તુનો અમર્યાદિત ઉપયોગ શરૂ થઈ જાય છે, જે સરવાળે વસ્તુની કાર્યક્ષમતા તો ઘટાડે જ છે પણ સાથોસાથ શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરવાનું શરૂ કરે છે. ઘરમાં એરકંડીશનર હોય તો તેનો લગાતાર ચૌદ-પંદર કલાક ઉપયોગ કદી કરવો ન જોઈએ. દિવસરાત સળંગ ઉપયોગ કરવાને બદલે દર દોઢેક કલાકના અંતરે બે કલાક માટે ઉપયોગ કરવાથી એરકંડીશનરથી નુકસાન થતું બચાવી શકાય છે અને સાથે તેનો વ્યવસ્થિત રીતે ફાયદો પણ ઉઠાવી શકાય છે. એરકંડીશનરનું નોર્મલ તાપમાન ૨૧-૨૨ ડિગ્રી આસપાસ રાખવું જોઈએ અને એકવાર રૂમ ઠંડો થઈ જાય તો એરકંડીશનર કલાક-દોઢ કલાક માટે બંધ કરી દેવું જોઈએ. જેનાથી વીજળીનો વપરાશ પણ અટકે છે અને શરીરને વધારે પડતી ઠંડી હવાથી થતા નુકસાનથી બચાવી શકાય છે.

૧૬

image source

ફિલ્ટરની રેગ્યૂલર સાફસફાઈ – એરકંડીશનરના ફિલ્ટરની જો સમયાંતરે સફાઈ ન કરવામાં આવે તો તેમાં જામી જતા મેલમાં કીટાણુઓ પેદા થવાની સંભાવના રહે છે જે ઠંડી હવાના માધ્યમે ઘરમાં ફેલાઈ જવાની શક્યતાઓ રહે છે. આ કીટાણુઓના લીધે એલર્જી, અસ્થમા અને આંખ, નાક, ગળાને લગતી બિમારીઓ થવાની સંભાવનાઓ વધી જાય છે. એરકંડીશનરના ફિલ્ટરને દર બે દિવસે ચોખ્ખા કપડાંથી સાફ કરતા રહેવું જોઈએ. આ સિવાય અઠવાડિયે એકાદવાર ભીના કપડાંથી હળવે હાથે તેની સફાઈ કરવી જોઈએ.

એ વાત સો ટકા સાચી છે કે એરકંડીશનર જેવી ઉપયોગી ટેક્નોલોજી માનવજીવનને સુખભર્યુ બનાવવા માટે જ નિર્મિત કરવામાં આવી છે પણ દરેક સિક્કાની બે બાજુની જેમ કોઈપણ ટેક્નોલોજીના લાભ ઉપરાંત નુકસાન પણ હોય છે. જો વ્યવસ્થિત અને સંયમિત ઉપયોગ ન કરવામાં આવે તો આ જ ટેક્નોલોજી શરીરને લાંબાગાળાનું નુકસાન પણ કરી શકે છે. તેથી જ નુકસાન થયા પછીની સારવાર કરતાં સાવચેતી વધારે મહત્વની તે બાબતને અનુલક્ષીને લખવામાં આવેલો આ આર્ટીકલ ઘણો ઉપયોગી થઈ પડશે. તમારા સૂચનો અને પ્રતિભાવો અમને નીચે કમેન્ટબોક્ષમાં ચોક્કસથી જણાવશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.