PM મોદીએ ડેન્માર્કની કંપનીને આવી વાત કરી અને આ તરફ બનાસ ડેરીએ હવામાંથી પાણી કાઢીને પણ બતાવી દીધું

બનાસકાંઠાની જાણીતી બનાસ ડેરીએ એક એવો કમાલ કરી બતાવ્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. કારણ કે તેણે હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાના પ્રોજેક્ટનું સફળ પરીક્ષણ કર્યું છે. વાત કંઈક એવી છે કે, પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઈઓ સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી વાતચીત કરીને વિન્ડ એનર્જી ઉત્પન્ન કરવાના ટર્બાઈન થકી હવામાં રહેલા ભેજને શોષી એમાંથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય છે એવી વાત મૂકી હતી. ત્યારે હવે બનાસ ડેરીએ હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાના પ્રોજેક્ટનું પરીક્ષણ કર્યું છે. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણીમાં રૂપાંતરિત કર્યું છે.

image source

આ સાથે જ એવો દાવો કરવામાં આવ્યો કે એના થકી દરરોજનું અંદાજે 120 લિટર પાણી મેળવી શકાય છે. બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે એક પ્રોજેક્ટ કરીને હવામાંથી પાણી કાઢ્યું છે. સોલર ઊર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરીને એ જ વીજળીનો ઉપયોગ કરીને એક ખાસ જનરેટરની મદદથી હવામાંથી પાણી કાઢી શકાય છે. જો કે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા બનાસ ડેરીએ કરી નથી કે ન તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી છે. ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાસ જનરેટરની મદદથી પાણી બનાવીને પીવાય છે

image source

આ વિશે વાત કરતાં શંકર ચૌધરીએ કહ્યું કે, કચ્છના રણમાં પાકિસ્તાનને અડીને આવેલા આ વિસ્તારમાં અહીંના અગરિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે. હવામાંથી પાણી બની શકે છે એ આપણા માટે આશીર્વાદરૂપ છે, કેમ કે રણમાં પાણી પહોંચાડવું ઘણું અઘરું છે અને દૂરથી પાણી લાવવું પણ મુશ્કેલ છે. હવામાંથી પાણી બની રહ્યું છે એને મેં પણ પીધું છે. આ બહુ મોટી શોધ માનું છું. તેના ગુણમાં કંઈક યુટિલાઈઝેશન કરાય, જેથી ટેક્નોલોજી વધારે કાર્યક્ષમ થશે. ભવિષ્યમાં પીવાનું અને ખેતીવાડી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

image source

આગળ વાત કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાને એવું કહ્યું કે લોકો આના પર કામ કરે ત્યારે હું માનું છું કે અહીં હવામાંથી પાણી નીકળી રહ્યું છે. સરહદીય વિસ્તારમાં એમાં પણ અગરિયાઓને આ પાણી પૂરું પડાશે. અત્યારે પ્રાયોગિક ધોરણે કરીએ છીએ. આવનારા સમયમાં આવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઇઓ સાથે ઓનલાઈન વાતચીત કરી હતી.

image source

આ વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે વિન્ડ એનર્જી પેદા કરવાના ટર્બાઈન થકી જ્યાં ભેજ વધારે છે તેવા વિસ્તારમાં હવામાંથી પાણી શોષીને એને વપરાશમાં લઈ શકાય છે. આમ, વિન્ડ ટર્બાઈનથી એનર્જી પણ પેદા થશે અને પાણી પણ મળશે, જે નાના ગામડાની પાણીની સમસ્યા દૂર કરી શકે છે. ટર્બાઈન થકી હવામાંથી ઓક્સિજન પણ અલગ કરી શકાય છે. એના માટે સાયન્ટિફિક સમજ ડેવલપ કરવી જરૂરી છે. સામે વિન્ડ કંપનીના સીઈઓએ પણ ડેન્માર્ક આવીને એન્જિનિયર્સ સાથે વાત કરવા માટે પણ પીએમ મોદીને આમંત્રણ આપીને કહ્યું હતું કે હું મોદીની પેશન જોઈને ખુશ છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.