બન્ને પગ ભાંગી જતા આર્મીમાં જવાનું સપનું રોળાયું ત્યાં જ થયું પિતાનું મોત અને પછી શરૂ થઈ આ દીકરીની સાહસની કહાની

હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અશ્વિન ભાઈ ઠક્કર કે જેઓ બંન્ને આંખે જોઈ શકતા નથી છતાં આત્મનિર્ભર છે. પોતાનો ફરસાણનો સ્ટોલ કરીને પૈસા કમાઈ છે અને ગુજરાન ચલાવે છે. ત્યારે હવે ફરી એક કિસ્સો અમદાવાદમાંથી જ સામે આવ્યો છે. એક તરફ આપણે સૌ 21મી સદીમાં દીકરીને સ્થાપિત કરવી પડી રહી છે અને “બેટી બચાવો”ના બરાડા પાડીને આંદોલન કરવા પડે છે. તો વળી કોઈક જગ્યાએ તો દીકરીને બોજ ગણતી હોય છે પરંતુ અમદાવાદમાં એક એવી દીકરી છે જે આજે બંને પગેથી સરખી રીતે ચાલી શક્તી ન હોવા છતાં આત્મનિર્ભર બની પોતાનું અને માતાનું ગુજરાન ચલાવે છે. તો આવો વિસ્તારથી જાણીએ આ દીકરી વિશે.

ફ્લાવર બુકે સહિતની વસ્તુઓ જાતે હાથેથી બનાવી અને વેચે છે

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ભાવનાબેન પંચાલ બંને પગે પેરાલિટિક હોવા છતાં NGOની મદદથી હેન્ડબેગ, ફ્લાવર બુકે સહિતની વસ્તુઓ જાતે હાથેથી બનાવી અને વેચે છે. દીકરીને બંને પગે તકલીફ હોવા છતાં તેમની માતા હિંમત ન હાર્યા અને ભાવનાબેનને પ્રેરણા આપી હતી. જેથી આજે તેઓ આત્મનિર્ભર બન્યા છે. રાણીપ વિસ્તારમાં રહેતા ભાવનાબેન પંચાલ 12 વર્ષ પહેલાં ભાડાના મકાનમાં જ્યાં રહેતા હતા તેના પહેલા માળેથી નીચે પડી ગયા હતા. નીચે પડતા તેમને કમરમાં મણકામાં ફેક્ચર અને નસ દબાઈ ગઈ હતી.

એક મુશ્કેલીમાં આવી બીજી મુશ્કેલી

જો કે ભાવનાબેને બે ઓપરેશન કર્યા છતાં કોઈ ફરક પડ્યો ન હતો. ફિઝિયોથેરાપી કરાવતા હતા તેમ થોડો થોડો ફરક લાગવા લાગ્યો હતો પરંતુ તેમના જીવનમાં ફરી એક મોટી ઘટના બની ગઈ હતી. પરિવારનો આધારસ્તંભ એવા તેમના પિતાજીનું 2011માં અવસાન થઈ ગયું. પિતાના અવસાન બાદ પરિવાર આખો માનસિક અને આર્થિક રીતે તૂટી ગયો હતો. એકતરફ ભાવનાબેન પથારીવશ હતા અને પરિવાર પર આ રીતે આભ તૂટી પડ્યું હતું.

છેલ્લા 3 વર્ષથી સ્ટીક પર ચાલી રહ્યા છે

પરંતુ ભગવાન બધાનો છે એવું આપણે ત્યાં અમથું નથી કહેવાતું. આ ઈમોશનલ ઘટના બાદ ANGEL પરિવાર NGO તેમની મદદે આવ્યું હતું. NGOની મદદથી તેઓએ ઘરે હેન્ડ બેગ, ફ્લાવર બુકે, ગિફ્ટ પેક બેગ તેમજ એક્સરે શીટ વસ્તુઓ ઘરે બનાવવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં તો તેઓ ઘોડી પર જ ચાલતા હતા. જો કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ હવે સ્ટીક પર ચાલી રહ્યા છે.

ભાવનાબેને શેર કર્યો પોતાનો અનુભવ

આજની પરિસ્થિતિની વાત કરીએ તો તેઓ જાતે એક્ટિવા ચલાવી અને દરેક જગ્યાએ બેગના ઓર્ડર લેવા અને આપવા જાય છે. જાતે જ પોતાના કામ કરે છે. ભાવનાબેને એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 20 વર્ષની હતી ત્યારથી મને આર્મીમાં જોડાવવાની ઈચ્છા હતી. આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવી હતી પરંતુ અચાનક જ મારી સાથે દુર્ઘટના બની ગઈ હતી. પગેથી પેરાલિટિક થયા બાદ એન્જલ પરિવારના સહયોગથી આત્મનિર્ભર બની છું તેઓએ ખુબ જ સપોર્ટ કર્યો છે.

આગળ વાત કરતાં ભાવનાબેન કહે છે કે, હું અને મારી માતા સાથે રહીએ છીએ અને આજે હાથેથી હું હેન્ડ બેગ બનાવી અને વેચુ છું. એન્જલ પરિવાર NGOએ ખૂબ જ મદદ કરી છે અને હું આગળ આવી છું. મને મારી માતાએ ખૂબ જ મદદ કરી છે. મમ્મીના વિચારો અને આદર્શોએ જ મને આજે અહીંયા પહોંચાડી છે. ત્યારે હાલમાં ગુજરાતની દીકરીઓ ભાવનાબેનમાંથી ઘણું શીખી શકે છે અને હિંમત ન હારવાની પ્રેરણા લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span