ભાજપ નેતાનો પાર્થિવ દેહ સુરેન્દ્રનગર લવાયો, લોકોનું હૈયાફાટ રુદન, દીકરીએ કહ્યું મારે પપ્પા પાસે જવું છે

મંગળવારે થયેલી પેટાચૂંટણીના મતગણતરીમાં ભાજપે તમામ 8 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ ખુશીના સમાચાર વચ્ચે ભાજપ માટે એક દુખના પણ સમાચાર આવ્યા છે. જો કે આ ભવ્ય જીત બાદ પણ સુરેન્દ્રનગર ખાતે ભાજપ ઉજવણી નહી કરે.

image source

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો જેમાં મૃગેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભાજપના ત્રણ નેતાઓ અને ડ્રાઈવર સહિત કાર અલકનંદા ખાડીમાં ગાડી ખાબકી હતી. કરૂણાંતિકાને પગલે ભાજપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કિરીટસિંહ રાણા રડી પડ્યા

image source

લીંબડી પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહની જીત થઈ છે. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા રડી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, અમે જીતની કોઇ ઉજવણી નહીં કરીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના કામો કરવાના છે. ઉજવણી નથી કરવાના કારણ કે, જે ઘટના બની છે તે મારા મિત્ર પણ હતા અને સર્વે જ્ઞાતિના પ્રેમી માણસ પણ હતા. ભારતીય જનતા પાર્ટીમાં કોઇ જ્ઞાતિ કે સમાજનું કોઇ સમિકરણ નથી હોતુ. તે દલિત સમાજનાં હોવ છતાંપણ અમારા જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ હતા અને હજી લીંબડી તાલુકાનાં પ્રમુખ કિરપાલભાઇ હજી લાપતા છે. તો અમે કોઇ સરઘસ પણ નથી કાઢવાના કે રંગ પણ નથી ઉડાડવાના કોઇજાતની ઉજવણી નથી કરવાના.બદ્રીનાથ હાઈવે પર શનિવારે ટૈયા પુલ નજીક મોટી દુર્ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને એક ડ્રાઇવરને અકસ્માત નડ્યો હતો. જોશીમઠથી ૧૫ કિલોમીટર આગળ બદ્રીનાથ તરફ જઇ રહેલી એક ઇનોવા કાર બેકાબૂ થઇને ૨૦૦ મીટર ઊંડી અલકનંદા નદીમાં ખાબકી. આ દુર્ધટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે અન્ય ૨ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.

મૃગેશભાઈ રાઠોડના પાર્થિવ દેહને સોમવારે સુરેન્દ્રનગર લવાયો

image source

આ અકસ્માતમાં મોતને ભેટેલા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ મૃગેશભાઈ રાઠોડના પાર્થિવ દેહ સોમવારે સુરેન્દ્રનગર લવાયો હતો. ત્યારે મૃતકની મોટી દિકરીએ કહ્યુ કે હું પપ્પાને આમ કેમ જોઇ શકુ. જ્યારે નાની દિકરીએ કહ્યુ કે મારે પપ્પા પાસે જવુ છે. બદ્રિ-કેદારનાથના દર્શન કરી પરત પરી રહેલા જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદ્દેદારોને જોશીમઠ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ મૃગેશભાઈ રાઠોડનું મોત થયુ હતુ.તેમના પાર્થિવ દેહને સોમવારે સુરેન્દ્રનગર લવાતા મોટી દિકરી કનિષ્કાએ કહ્યુ કે,પપ્પાને આમ કેમ જોઇ શકુ અને નાની દિકરી નાયરાએ મારે પપ્પા પાસે જવુ છે તેમ કહેતા ઉપસ્થિત લોકોમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો.

કેવી રીતે બની આ દુર્ઘટના

image source

મૃગેશભાઈના મિત્રએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, કેદારનાથના દર્શન કરીને અમે રવાના થયા હતા. બદ્રીનાથ અંદાજે 15 કિમી દૂર હતું. ડ્રાઇવર અમને કહેતો હતો કે આપણે વહેલાં પહોંચી જઈએ અને બદ્રીનાથનાં દર્શન કરી ઋષિકેશ પહોંચી જઈશું. ત્યાં સાંજે ગંગાસ્નાન થઈ જશે. આવી વાતો ચાલતી હતી ત્યાં વળાંકમાં અચાનક કાદવ-કીચડ આવ્યો અને ગાડી ફગવા લાગી. પુલ સાથે અથડાઈને કાર ઊંડી ખાઈમાં ખાબકી. કાર 10થી વધુ ગુંલાટ ખાઈ જતાં અમારા જીવ પડીકે બંધાઈ ગયા હતા. મૃગેશભાઈ પહેલાં ફંગોળાઈને નીચે પડ્યા. અમારી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં પડી, પાણીના ફોર્સથી અમે બહાર ફેંકાઈ ગયા. મારા હાથમાં પથ્થરની શીલા આવી ગઈ હતી. ઠંડાં પાણીમાં શીલાને પકડી હું 2 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યો.

નેપાળી યુવાનો દેવદૂત બનીને આવ્યા

ભગવાને મારો જીવ બચાવવા નેપાળી યુવાનોને દેવદૂત બનાવીને મોકલ્યા. ત્યાં 7થી 8 નેપાળી યુવાનો મારા માટે નવજીવન લઈને આવ્યા. તેમણે તાપણું કરીને મને ગરમાવો આપ્યો. 2 યુવાન મને ખભે ઊંચકીને ડુંગરા અને ઝાડી ખૂંદતાં બહાર લઈ આવ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો. માત્ર 10 મિનિટના સમયમાં જ બધું બની ગયું. મોતને મેં નજર સામે જોયું છે. આવી ઘટનામાં હું જીવિત રહ્યો તેના પરથી એટલો તો વિશ્વાસ બેઠો કે ભગવાન જો બચાવવા માંગે તો દુનિયાની કોઈ તાકાત મારી શકતી નથી. માટે જીવનમાં સદ્કર્મ કરવા જોઈએ. મારો જીવ તો બચી ગયો પરંતુ જીવથી પણ વ્હાલા બે મિત્ર ગુમાવ્યા તે આ જીવનમાં તો કેવી રીતે ભૂલીશ.

મૃગેશભાઈના પાર્થિવ દેહની અંતિમવિધી તેમના ગામમાં કરાઈ

image source

મૃગેશભાઈના પત્ની રેખાબેન બીઓબીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે મૃગેશભાઈ ઘરે હોય ત્યારે વધુ સમય દિકરીઓ પાછળ આપતા હતા. જેના કારણે બંને દિકરીઓ અને પિતા વચ્ચે અતૂટ સ્નેહ હતો. બીજી તરફ જિલ્લામાં એક તેજસ્વી યુવાની ખોટ પડતા કાર્યકરો, હોદ્દેદારો, દરેક સમાજના યુવાનોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. સુરેન્દ્રનગર મૃગેશભાઈના પાર્થિવ દેવને દર્શને રાખ્યા બાદ મોડી સાંજ વતન ચૂડાના ઝોબાળા ગામે અંતિમવિધી કરાઇ હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મૃગેશભાઈના અચાનક ચાલ્યા જવાથી ભાજપે એક યુવા નેતા ગુમાવ્યો છે. લોકોએ તેમના આત્માની શંતિ માટે પ્રાર્થના કરી હતી.