પાણીના પ્રવાહમાં બસ ઉતારી મુસાફરોના જીવ જોખમમાં મુકનાર ડ્રાઈવર-કન્ડક્ટર થયા સસ્પેન્ડ, ગુજરાતના આ શહેરમાં બની ઘટના
સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 સપ્તાહથી મેઘરાજા મહેરાબાન છે. 2 જ દિવસના વરસાદમાં સૌરાષ્ટ્રના અનેક પ્રાંતમાં ધોધમાર વરસાદ થયો છે અને સાથે જ સૌરાષ્ટ્રના અનેક ડેમને ઓવરફ્લો કરી દીધા છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં પણ આનંદ છવાયો છે કારણ કે લોકોને ગરમીથી રાહત મળી અને સાથે જ પાણીની ચિંતા પણ દૂર થઈ છે.

જો કે આ પાણીએ એક વ્યક્તિની ચિંતા વધારી દીધી છે. આ વ્યક્તિ છે એસ.ટી ડેપોના ડ્રાઈવર અને કંડેકટર, આ ડ્રાઈવર ધમસમતુ પાણી જોઈ જાણે મોજમાં આવી ગયો હોય તેમ બસને પુલ પરના પાણીના વહેણ વચ્ચેથી પસાર કરી દીધી અને પોતાની નોકરી ગુમાવી બેઠા છે.

જામનગર એસ.ટી. ડેપોની એક બસ જે કૃષ્ણનગર-દ્વારકા રૂટ પર દોડે છે તે બસ નિયમિત રીતે દ્વારકાના રુટ પર રવાના થઈ ગતી. પરંતુ સૌરાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના લીધે આ બસના રસ્તામાં પણ પાણી જાણે વેરી બન્યું હતું. બસ જ્યારે બેડ નજીકના પુલ પર પહોંચી તો ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો.

આ પ્રવાહ વચ્ચેથી ડ્રાઈવર અને કન્ડકટર દ્વારા જય દ્વારકાધીશ બોલી મુસાફર ભરેલી બસને પસાર કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો. વીડિયો વાયરલ થતાં જ વિભાગીય નિયામક પણ હરકતમાં આવ્યા અને આ અંગે તપાસ શરુ કરાવી. તપાસના અંતે બસના ડ્રાઈવર અને કંડેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ ઘટનાથી એસટી વર્તુળોમાં પણ ચકચાર મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બસને પાણીમાંથી જોખમી રીતે બહાર કાઢવા બાબતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એક તરફ એસ.ટી સલામત સવારીના સૂત્ર સાથે બસનું સંચાલન કરવાનો દાવો કરે છે. તેવામાં ભારે વરસાદ અને પુલ પર ધસમસતા પાણી વચ્ચે પોતાના અને મુસાફરોના જીવને જોખમમાં મુકી ફિલ્મી સ્ટાઈલથી ડ્રાઈવ અને કંડેકટરે બસને પુલ પરથી પસાર કરી તેવું ન કરવું જોઈએ.

આ રીતે બસ પાણીમાંથી પસાર થઈ ત્યારે મુસાફરોના જીવ પણ અધ્ધર થયા હતા. આ સિવાય બંને કર્મચારીઓએ આ અંગે ઉપરી અધિકારીઓને જાણ ન કરી અને જાતે જ પાણીમાંથી બસ પસાર કરવાનો નિર્ણય કરી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા તે કારણથી બંને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.