ચંદ્રગુપ્ત મૌર્યને મગધનો સમ્રાટ બનાવનાર આચાર્ય ચાણક્યનું મૃત્યુ કેવીરીતે થયું?
પ્રાચીન ભારતમાં અનેક એવી હસ્તીઓએ જન્મ લીધો છે જેને ભારતવાસી આજે પણ યાદ કરે છે. આવા જ એક પ્રખ્યાત વ્યક્તિ હતા આચાર્ય ચાણક્ય જેને “કૌટીલ્યમ” ના નામથી પણ ઓળખવામાં આવતા હતા. ચાણક્ય તક્ષશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય પણ હતા. અર્થશાસ્ત્ર જેવા નામી ગ્રન્થની રચના પણ તેઓએ જ કરી હતી જેને મૌર્યકાલીન ભારતીય સમાજનું દર્પણ પણ કહેવાય છે.

એ ઉપરાંત પણ તેઓએ અનેક એવા કામો કરેલા હતા જેના કારણે તેને આજના સમયમાં પણ યાદ કરવામાં આવે છે અને આગળ પણ યાદ કરવામાં આવશે. કહેવાય છે કે ચાણક્યનો જન્મ 375 ઈસા પૂર્વે થયો હતો જયારે તેમનું મૃત્યુ 283 ઈસા પૂર્વે થયું હતું પરંતુ તેમનું મૃત્યુ કઈ રીતે થયું હતું તે હજુ સુધી રહસ્ય જ છે.

ચોથી શતાબ્દીમાં રચિત એક સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસ મુજબ ચાણક્યનું અસલી નામ વિષ્ણુગુપ્ત હતું. આ નામ વિષે એવું મનાય છે કે આ નામ તેને પોતે જ રાખ્યું હતું અને તેના પાછળનું કારણ એવું હતું કે મગધના રાજા ધનાનંદ દ્વારા ચાણક્યના પિતા ચણકની રાજદ્રોહના અપરાધ હેઠળ હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદથી ધનાનંદના સૈનિકોથી બચવા ચાણક્યએ પોતાનું ઉપરોક્ત નામ વિષ્ણુગુપ્ત રાખ્યું હતું.

જો કે બાદમાં ચાણક્યએ પોતાના પિતાની હત્યાનો બદલો પણ લીધી અને નંદ વંશના રાજા ધનાનંદને સત્તા પરથી ઉતારી તેની જગ્યાએ ચંદ્રગુપ્ત મૌર્યને મગધનો સમ્રાટ બનાવ્યો હતો. કૌટિલ્ય એટલે કે ચાણક્ય દ્વારા નંદ વંશનો વિનાશ અને મૌર્ય વંશની સ્થાપના વિષે વિષ્ણુ પુરાણમાં કથા પણ છે.

આમ તો ચાણક્યનું નામ, તેની જન્મ તારીખ, જન્મ સ્થાન, અને તેનું મૃત્યુ વિવાદનો વિષય છે. પરંતુ સૌથી વધુ વિવાદ તેમના મૃત્યુને લઈને છે. તેમના મૃત્યુ સંદર્ભે અનેક અલગ અલગ વાતો પ્રચલિત છે અને કઈ વાત સાચી છે તે કોઈ નથી જાણતું. એક માન્યતા મુજબ એક દિવસ ચાણક્ય પોતાના રથ પર સવાર થઈને મગધથી દૂર એક જંગલમાં ચાલ્યા ગયા અને ત્યારબાદ તેઓ ક્યારેય પાછા ફર્યા નથી.

એ સિવાયની બીજી એક પ્રચલિત માન્યતા અનુસાર મગધની રાણી હેલેનાએ ચાણક્યને ઝેર આપીને મરાવી નાખ્યા હતા. વધુ એક માન્યતા અનુસાર રાજા બિંદુસારના મંત્રી સુબંધુએ ચાણક્યને જીવતા સળગાવી દીધા હતા જેથી તેમનું મૃત્યુ થયું હતું. જો કે આ પૈકી કઈ માન્યતા સાચી છે એ વિષે કોઈ સ્પષ્ટ મંતવ્ય નથી અને તેમના મૃત્યુનીયુ કારણ અકબંધ જ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.