ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે…

ડોક્ટરી વિજ્ઞાન જેમ હરણફાળ ભરતું જાય છે, તેમ નવા નવા રોગો સામે આવતાં જાય છે. હમણાં થોડા સમયથી એક નવો રોગ ઉભો થયો છે, ‘ડિપ્રેશન’. અમૂક શબ્દો આપણે અંગ્રેજીમાં બોલીએ કે કહીએ તેનો અર્થ બહુ જલ્દી સમજમાં આવે છે. એકલતાની બિમારી આમ જૂઓ તો કઈં નવી નથી, તે વર્ષોથી ઘણાને લાગુ પડતી આવી છે. જો કે આ બિમારી એવી નથી કે તેનો ઈલાજ ન થઈ શકે. તકલીફ માત્ર એટલી છે કે માણસ પોતાનો સ્વભાવ સૂધારવા જલ્દી તૈયાર નથી થતો.

image source

આદિકાળથી માણસ ટોળા-સમૂહમાં જ રહેતા શીખ્યો છે. એકલદોકલ રહીશું તો ટકી નહીં શકીએ તે સૂપેરે સમજતો આદિમાનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા ટોળામાં રહીને એકબીજા સાથ આપતો થયો. જોકે સમય હંમેશા પરિવર્તન પામે છે એ ન્યાયે માણસોના સ્વભાવ પણ બદલાતાં ગયા. હજી હમણાં સુધી પોળ અને સોસાયટીમાં સદાચાર અને સહકારથી રહેતા માણસોએ જ્યારથી કોંક્રિટના જંગલો વચ્ચે એકલા રહેવાનું શરૂ કર્યુ છે ત્યારથી ડિપ્રેશનની બિમારીએ માથું વધારે ઉંચકવાનું શરૂ કર્યુ છે. વર્ષો પહેલા સંયુક્ત કુટુંબો તુટીને વિભક્ત થયા અને હવે તો આધુનિક જમાનામાં એનાથી’ય આગળ મા-બાપથી પણ જુદા થઈને માણસોએ સ્વછંદ જીવન જીવવાનું શરૂ કર્યુ.

image source

માનવમન હંમેશાથી પોતાની લાગણીઓ બીજા સાથે વ્હેંચવામાં માનતું આવ્યું છે. જીવન એટલે સંવેદનાઓ. એકબીજાની લાગણીઓનો પડઘો પાડ્યા વગર તો જીવન કેવી રીતે જીવી શકાય! ગામડાગામમાં તો પાદરે વડ કે પીપળના ઝાડ નીચે ઘરડા અને યુવાનોની પંગતો જામતી. સહુ આનંદથી હિલોળા લેતાં હોય અને આજે કશુંક મેળવી લેવાની દોડાદોડીમાં માણસ બેઘડી પોતાની સાથે પણ સમય ગાળી શકતો નથી. મોટાભાગના એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં તમને બગીચાઓ ખાલીખમ નજરે ચડે. કદાચ એકલદોક્લ બેચાર જણ બેઠા હોય તો એ પણ એકબીજાને ઓળખતા ન હોય. આજે ફ્લેટના બંધ બારણા વચ્ચે પડોશમાં કોણ રહેતું હોય તે પણ આપણે જાણતાં ન હોઈએ, જ્યારે ગામડામાં તો દસવીસ ખોરડા દૂર ઢીકણાભાઈ કે ફલાણાભાઈના કુટુંબના એકેક માણસનો ચિતાર પણ આપી શકતાં.

image source

લાગણીના ઝરણાં વહેવાનું જો સૂકાઈ જાય તો માણસ અને મશીન વચ્ચે કોઈ ફરક ન રહે. પોતાની લાગણીઓ બીજા સાથે વ્હેંચી ન શકતો માણસ ઈર્ષા, સ્વાર્થ અને અભિમાન જેવી બદીઓનો શિકાર બહુ જલ્દી બની જાય છે. જાણીતા લેખક કૃષ્કાંત ઉનડકટ એટલે જ કહે છે કે, ‘ડિપ્રેશન એ બીજું કંઈ નથી, પણ સંવેદનાનું ડેથ છે. સંવેદનાને જીવતી કરવી અઘરી છે એટલા માટે જ મહત્ત્વનું એ છે કે સંવેદનાને મરવા ન દેવી.’

પહેલાનાં સંયુક્ત કુટુંબો કે પોળોમાં લોકો એકબીજાને મદદ કરવા કાયમ તત્પર રહેતા જેથી કોઈ કટોકટી કે દુઃખની પળ આવે ત્યારે માણસ નાસીપાસ ન થઈ જતો. ઉલટાનું એવી ક્ષણો ક્યારે આવીને જતી રહે તે પણ ખ્યાલ ન રહેતો. આજે મા-બાપ સાથે પણ બે ઘડી સમય ન ફાળવી શકતો માણસ બહારથી ભલે એવું દેખાડતો હોય કે તે કેટલો બિઝી છે પણ અંદરથી તે એકલોઅટૂલો હોય છે, તે કોઈ જાણતું નથી હોતું.

image source

સુખ વ્હેંચવાથી વધે છે જ્યારે દુઃખ વ્હેંચવાથી ઘટે છે. પોતાના જીવનની દરેક વાત બીજા સાથે વ્હેંચી શકાય તેવી એક વ્યક્તિ તો સહુના જીવનમાં હોવી જ ઘટે. જેના જીવનમાં એવી વ્યક્તિ ન હોય અથવા અન્ય કારણોસર જો દુઃખ વ્હેંચી ન શકાય તો એ કરોળિયાના જાળાની જેમ માનવમનનો સકંજો લઈ લે છે. વધારે પડતાં સંવેદનશીલ અને ઓછાબોલા માનવમનમાં એ સમય જતાં જ્વાળામુખીની જેમ ફાટે છે. વિચારો પર કાબૂ ન હોય તો ડિપ્રેશનમાં માણસ ક્યારેક પાગલ જેવી હરકતો પણ કરવા લાગે છે. ડિપ્રેશનનું બીજું નામ જ હતાશા છે. દરેક વ્યક્તિના જીવનમાં હતાશા આવતી હોય છે, પણ જ્યારે એ રોગની હદે વકરી જાય તો તે નુકસાનકારક હોય છે અને તેથી જ તેની સારવાર કરાવવી જરૂરી બની જાય છે.

એવું જરૂરી નથી કે ડિપ્રેશન માત્ર નાના માણસોને જ આવે છે. દીપિકા પદુકોણ, કરણ જોહર, ટાઇગર શ્રોફ જેવા મોટાં કલાકારો પણ એક સમયે ડિપ્રેશનના શિકાર પણ રહી ચૂક્યા છે છતાં આજે તેઓ તેમાંથી બહાર નીકળીને સફળતાની ટોચે પહોંચી શક્યા છે. ડિપ્રેશનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલાય તો પ્રગતિનો રસ્તો બની જતો હોય છે. એના માટે સહુથી મોટો ઈલાજ છે હૂંફ. એકલતા કોરી ખાતા વ્યક્તિ સાથે બે ઘડી પ્રેમથી વાત કરીએ તો પણ ઘણો ફરક પડી જતો હોય છે.

image source

પોઝીટીવનેસ અને ન્યુમોરોલોજીના જાણકાર મેહુલ સોની બહુ સરસ વાત કરે છે, ‘ જેને પ્રગતિ નથી કરવી, જેને કોઈ મહત્વાકાંક્ષા નથી, જે પોતાના જીવનમાં કંઈ જ કરવા નથી માગતા અને હમેંશા સ્વકેન્દ્રી રહે તેમને ક્યારેય ડિપ્રેશન (ઉદાસી) આવતું નથી. ડિપ્રેશન ટુંકા ગાળાનું હોય જે સમય પોતાની ક્રિયેટિવ કસોટીનો હોય છે. તે સમયમાં હારવાનું નહી લડી લેવાનું હોય છે.’

‘એકલતા એટલે મારું કોઈ નથી અને એકાંત એટલે હું મારી સાથે છું.’ કેટલી નાનકડી પણ મજાની વાત છે ને ! આમ જૂઓ તો એકલતા અને એકાંત વચ્ચે ખાસ ફરક ન લાગે પણ સમજો તો બંનેના અર્થ તમને જીવનની દિશા બતાવી શકે છે. એકલતા એટલે ઝૂરવું, તડપવું જ્યારે એકાંત એટલે દિલથી ઝૂમવું, સાચા અર્થમાં જીવવું. એકાંત અંદરથી ઋજૂ બનાવે છે, જ્યારે એકલતાને કારણે માણસ ચિડિયો બની જાય છે. જીવનનું સુખ બહારની દૂનિયામાં શોધતા રહેતા માનવીને પોતાની અંતરાત્મા નિહાળતા કદી આવડ્યું નથી, કદાચ એટલે જ તે એકાંત અને એકલતા વચ્ચેનો ફરક સમજતાં શીખ્યો નથી. જીવનમાં સફળ થવું હોય તો એકાંતના માર્ગે ખુશ થવા સિવાય બીજો કોઈ આરો નથી. જીવનમાં મળતા આનંદનું બીજ એકાંતના ગર્ભમાં સમાયેલું છે.

image source

એકાંત એટલે પોતાની જાત સાથે વાત કરવાનો સમય. એકાંત એટલે ખુદમાં ઓગળીને એક અંત તરફ આગળ વધવું. કોઈનાથી ન ડરતો માણસ અંધારાથી ડરતો હોય છે. જો કે એ જ અંધારું એકાંત આપી શકે છે અને એકલતામાં ગરકાવ પણ કરી શકે છે. સાચો રસ્તો માણસે પસંદ કરવાનો હોય છે. પોતાની અંદર સમાયેલા અંધકારમાંથી જ અજવાળું શોધવાનો પ્રયાસ માણસને મોક્ષ તરફ પણ આગળ લઈ જઈ શકે છે.

ગૌતમ બુદ્ધ જેના દ્વારા મોક્ષ મેળવીને માનજીવનનું કલ્યાણ કરતાં ગયા તે વિપશ્યના પધ્ધતિમાં દસ દિવસ મૌન રહી પોતાની અંદરના અંધકારને ફંફોસવાનો હોય છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાના આધાર પર ટકેલી આ વિપશ્યના પધ્ધતિમાં શ્વાસની ક્રિયા-પ્રતિક્રિયા પર શાંત અને સજાગ ચિત્ત વડે ધ્યાન ધરીને માણસ પોતાની અંદરના એકાંતને જાણતા-માણતા શીખે છે. આપણું મન હંમેશાથી ચંચળ અને અસંતોષી જ રહ્યું છે. આ અસંતોષની જ્વાળા જ ડિપ્રેશન માટે કારણભૂત છે. આત્મા-પરમાત્માના ખ્યાલો વચ્ચે ઘેરાઈને પોતાની દાર્શનિક માન્યતાઓ વચ્ચે જીવતો માણસ બંધાઈ ગયેલી વ્યાખ્યાઓમાંથી કદી બહાર આવતો નથી.

image source

‘હું’ ને પાળવાનો અહં તેને સાચુ સુખ મેળવવા જ નથી દેતું. જ્યારે પોતાની જાતથી અલગ થઈને જોઈએ ત્યારે જ ખ્યાલ આવે કે સાચુ સુખ બહાર નહીં, અંદરની દુનિયામાં રહેલું છે.

આખો દિવસ કામ વગર બોલબોલ કરતાં માનવીને એકાંતમાં લગાતાર રહેવાથી સમજાય છે કે મૌનની શક્તિ કેટલી બધી છે. યોગ, પ્રાણાયામ અને વિપશ્યના જેવી પધ્ધતિઓ વડે આ એકાંતને પામી શકાય છે, જરૂર હોય છે તો માત્ર ધીરજની. આજની ભાગદોડવાળી જીંદગીમાં જો માત્ર મનને વશમાં કરતાં શીખી જઈએ તો બાકી દરેક મહેચ્છા આપોઆપ ક્ષીણ થઈ જાય છે અને પરમની અનુભૂતિ થાય છે. કરેલા કર્મો વિશે સંવેદનાઓ દ્વારા મળતું જ્ઞાન જીવનમાં કર્મનું મહત્વ સમજાવે છે. અંદર રહેલો ‘હું’ કેટલો શક્તિશાળી છે તેનું દર્શન થાય છે.

જીવનનો આ સાર એકાંતમાં જ છે. એકાંતપ્રેમી માણસ જીવનના દરેક રસ્તે હંમેશા ખુશ રહી શકે છે. તેને બીજાના વખાણની જરૂર કદી પડતી નથી. દિવસમાં એકાદ કલાક પણ અંદર રહેલા અંધારને જાણી એકાંતનો આસ્વાદ માણીએ તો જીવન ધન્ય બની શકે છે. ચાલો એકલતાની ખીણ છોડીને એકાંતની ટોચ તરફ આગળ વધીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.