શું તમે જાણો છો દિવાળીમાં શા માટે કરાય છે રંગોળી, આવું છે મહત્વ

દિવાળીનો અવસર આવે એટલે દરેક ઘરોમાં રંગોળીની બોલબાલા જોવા મળે. રંગોળીએ એક સાંસ્કૃતિક, ઉત્સાહ અને આનંદ અને આસ્થાનું પ્રતિક છે. કેટલાક લોકો તેને અધ્યાત્મ અને આત્મદર્શન સાથે પણ જોડે છે. તેથી જ તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. હવન અને યજ્ઞો કરતી વખતે ખાસ રંગોળી બનાવવામાં આવે છે. દિવાળીના દિવસોમાં રંગોળી બનાવવાનું વિશેષ મહત્વ હોય છે.

દિવાળીમાં ઘરની શોભા વદારે છે રંગોળીના રંગો

image source

દિવાળીનો અર્થ છે ‘દિપોત્સવ’. આ દિવસે દરેક ઘરોમાં દિવા ઝળહળી ઉઠે છે. આ દિવાના અજવાળાથી લોકોના જીવનનું અંધારુ દૂર થઈ જાય છે. હિંદૂ તહેવારોમાં આપણે ત્યાં ઘર આંગણે રંગોળી કરવાની પ્રથા છે. રંગોળીના આ વિવિધ સુંદર રંગો ઘરની શોભા વધારે છે. સાથો સાથ જોનારા મનને પણ પ્રફુલ્લિત કરે છે.

ખાસ તહેવારે બનાવાય છે રંગોળી

image source

આપણે ત્યાં વર્ષોથી તહેવાર, વ્રત, પૂજા, ઉત્સવ, લગ્ન વગેરે શુભ અવસરો પર સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવવામાં આવે છે, જેમાં મોટા ભાગે દેવી-દેવતાઓની આકૃતિઓ હોય છે. જ્યારે આજે રંગોળી બનાવવાનો હેતુ ઘરની સજાવટ અને સુમંગળ છે. ધાર્મિક ચિહ્નો જેવી વિવિધતા જોવા મળે છે. આપણે ત્યાં ઘરના પ્રવેશદ્વારે મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. મા લક્ષ્મીને સ્વચ્છતા, સુંદરતા અતિ પ્રિય છે. તેથી રંગોળી કરીને માને ઘરમાં આવકાર આપવામાં આવે છે.

રંગોળી સાથે જોડાયેલી છે આ પ્રથા

image source

રંગોળી’ કરવાની પ્રથા વિશે એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ હતું. લોકોએ રામ-સીતા તેમજ સાથી ગણોને આવકારવા માટે, સ્વચ્છ રંગો તથા ફૂલોથી રંગોળી બનાવી હતી, અને ઘરને દિવાથી સજાવ્યા હતા. પરિણામે ત્યારથી જ દિવાળી પર રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.

રંગોળીના આ છે વિવિધ નામ

image source

ઈતિહાસ પ્રમાણે રંગોળીનું એક નામ ‘અલ્પના’ પણ છે. મોહેન્જો દડો અને હડપ્પામાં પણ ‘અલ્પના’ના ચિન્હો જોવા મળે છે. ‘અલ્પના’ વાત્સ્યાયનના કામ-સૂત્રમાં વર્ણિત ચોસઠ કળાઓમાંની એક છે. ‘અલ્પના’ શબ્દ સંસ્કૃતના ‘ઓલંપેન’ શબ્દથી આવ્યો છે, ‘ઓલંપેન’નો અર્થ છે ‘લેપ’ કરવો. પ્રાચીન કાળમાં લોકોનો વિશ્વાસ હતો કે કલાત્મક ચિત્ર શહેર અને ગામને ધન-ધાન્યથી પરિપૂર્ણ રાખવામાં સમર્થ હોય છે અને પોતાના જાદુઈ પ્રભાવથી સંપતિને સુરક્ષિત રાખે છે. આ કારણે લોકો રંગોળીને મહત્વ આપે છે.

શુભ સંદેશનું પ્રતિક છે ‘રંગોળી’

image source

તહેવારમાં ઘર આંગણે નાની-મોટી રંગોળી પૂરવામાં આવે છે. હિંદુઓના મોટાભાગના તહેવારમાં ઘર આંગણે રંગબેરંગી રંગોળી જોવા મળે જ છે. પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં દરેક ઘરના આંગણે વિવિધ રંગોની રંગોળી જોવા મળે છે, જે હર્ષોલ્લાસ અને શુભ સંકેત દર્શાવે છે. જ્યારે જ્યારે ઘરમાં તહેવાર કે ખુશીઓ આવે છે ત્યારે ત્યારે આ ખુશીઓને દર્શાવવા માટે આપણે ત્યાં ઘર આંગણે રંગોળી પૂરી ખુશીઓને વ્યક્ત કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.