દિવાળીના નાસ્તા કે મીઠાઈ બનાવવાની તૈયારી કરો છો? તો યાદ રાખી લો આ ખાસ 15 ટિપ્સ

આજે અમે તમારી માટે દિવાળી સ્પેશિયલ નાસ્તા માટેની ટિપ્સ લઈને આવ્યા છીએ. જેટલા જરૂરી દિવાળીના નાસ્તા અને મિઠાઈ છે, એટલી જ જરૂરી આ ટિપ્સ છે. જો તમે તેને પહેલાથી જાણતા હશો તો, તમારૂં કામ સરળ બનશે. અને તમારા નાસ્તા પણ બગડતા અટકશે. ઘણી વખત એક નાની ભૂલના કારણે આપણી બધી જ મહેનત પાણીમાં જતી રહે છે.

image source

પૌંઆ સહેજ વધારે શેકાયને કડક થઈ જાય તો આખો ચેવડો બગડી જાય છે. પાયો સહેજ કડક થાય તો બધી જ બરફી લાકડા જેવી બની જાય છે. આવી નાની-નાની ભૂલોને કરતા પહેલા જ સાવધાન થાવ, અને સાવધાનીના પગલા રૂપે અહીં આપેલી ટિપ્સને ફોલો કરો. પછી જુઓ તમે કેવા રાજીના રેડ થઈને નાસ્તા પણ બનાવશો અને તમારા નાસ્તાના એટલા જ ભાવથી વખાણ પણ થશે.

જાણો આવી જ કેટલીક ઉપયોગી ટિપ્સ વિશે…

image source

– પાતળા પૌંઆનો ચેવડો બનાવતી વખતે પૌંઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ શેકી લો. તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો. પછી પૌઆ નાંખો અને પૌઆ સારી રીતે વધારમાં મિક્સ કરી દો. પછી ધીમા તાપે તેને ગેસ પર ફરીથી મુકીને હલાવતા રહો.

image source

-ચેવડો બનાવતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવું જોઈએ. ઓછુ લાગે તો ગરમ કરીને ઉપરથી નાખવું. વધુ તેલવાળો ચેવડો સ્વાદમાં સારો લાગતો નથી.

-ચેવડો બનાવતી વખતે મીઠું-મસાલા વઘારમાં નાખવાથી, આખા ચેવડામાં એક જેવો સ્વાદ આવે છે.

image source

– ઘૂઘરાં, શક્કરપાળા વગેરેમાં શક્ય હોય તો ઘીનું મોણ વાપરો, જેથી વાનગી વધુ ક્રિસ્પી બનશે.

– ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો. જો વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકરી ક્રિસ્પી થતી નથી.

– સેવના ઝારા પર ચણાનો લોટ ઘસીને ગરમ તેલમાં સેવ પાડવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

image source

– અનારસા બનાવતી વખતે ખાંડ અથવા ગોળ ચોખાનો લોટ જેટલા પ્રમાણમાં હોય તેટલા લેવા.

– જો અનારસા ઘીમાં નાખ્યા પછી તૂટતા હોય તો, મિશ્રણમાં થોડો ચોખાનો લોટ ભેળવી દેવો.

image source

– અનારસા તળતી વખતે જો જાળી ઓછી પડતી હોય તો, ખસખસમાં થોડી ખાંડ મિક્સ કરીને તેના પર અનારસા થોપી દેવા.

– બંગાળી મીઠાઈ બનાવતી વખતે, પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો. ગાયના દૂધનું પનીર નરમ બને છે.

– બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ આ ચાસણીમાં બનાવવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

image source

– જો ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘીમાં તૂટી રહી છે, તો તેમાં થોડો મેંદો મિક્સ કરવો જોઈએ.

– ફરસીપુરી બનાવતી વખતે તેમાં મોણ થોડુ સારા પ્રમાણમાં નાખવું જોઈએ. તેનાથી ફરસી પુરી મોંમાં જ ઓગળી જાય તેવી બને છે.

– ભાખરવડી બનાવો ત્યારે ચણાનો લોટ બાંધો, તેમાં મોણ બિલકુલ ન નાખતા. નહી તો તળતી વખતે ભાખરવડી તૂટી જશે.

– ઘૂઘરાં બનાવો ત્યારે લૂંઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી લો. તેના પર વેલણથી ખાડા પાડી દો. ત્યાર બાદ તેના પર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવીને તેને રોલ કરી દો. હવે આ રોલના લૂંઆ બનાવી પછી, તેની પૂરી વણીને તેમાંથી ઘૂંઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂંઘરા બનાવવાથી ઘૂઘરાંનુ પડ ક્રિસ્પી બનશે.