રાજ્ય સરકારે વીજ દરમાં પ્રતિ યુનિટ કરી દીધો સીધો આટલો ઘટાડો, 1.40 કરોડ ગુજરાતીઓને દિવાળી સમયે બખ્ખાં

દિવાળી નજીક આવી રહી છે. દરેક કંપનીનો પણ નિયમ હોય છે કે તે આ તહેવારમાં કર્મચારીઓને બોનસ આપે છે અને ખુશ કરી દે છે. ત્યારે ગુજરાતીઓ માટે પણ એક સારા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વીજળીના ભાવમાં ઘટાડાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે વીજદરમાં પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રૂપિયા 356 કરોડની રાહત

image soucre

સરકારના આ નિર્ણયના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા 356 કરોડની રાહતોના લાભ મળશે. વધારે વાત કરતાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે.

ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો

image soucre

સૌરભ પટેલે જણાવ્યું કે, પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.00 પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-2020થી ડિસેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે.

હવે પહેલાં કરતાં બિલ ઓછું આવશે

image soucre

ફાયદાની વાત કરીએ તો આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 356 કરોડની રાહત મળશે. આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે, અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

સૌરભ પટેલે એક ટ્વીટ પણ કરી

આ અંગે સૌરભ પટેલે એક ટ્વીટ પણ કરી હતી. તેણે એક ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩૫૬ કરોડની રાહતોના લાભ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.