સવાયા ગુજરાતી 95 વર્ષીય ફાધર વાલેસનું નિધન, ગુજરાતી ભાષામાં કરેલી અજોડ સેવા હંમેશા યાદ રહેશે

2020નું વર્ષ ખરેખર દુખદાયી છે. સારા સારા લોકો અને વિશિષ્ટ લોકો આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. ત્યારે ફરી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કે ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. આ સમાચાર સાથે જ ગુજરાતી ભાષાના પ્રેમીઓ શોકમાં ગરકાવ થયા હતા કારણ કે તેમણે ગુજરાતી ભાષાને અનહદ પ્રેમ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાધર વાલેસ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા અને છતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. 1925ના નવેંબરની ચોથીએ સ્પેનના લોગરોનો શહેરમાં એક એંજિનિયરને ઘેર થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું.

image source

વિગતે વાત કરીએ તો મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા આઅને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી ગયા. પોતાની માતાની કાકીને ત્યાં રહેવા ગયા.

image source

કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ ય ધર્મસેવક બની ગયા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.

image source

ગુજરાતી શીખવા તરફ આકર્ષણ થવાનું કારણ એ હતું કે તેમના મિશનના વડાએ તેમને અમદાવાદમાં નવી શરૂ કરાયેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઇએ એમ તેમને લાગ્યું હતું. દરમિયાન, એમનો ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. 1960માં અમદાવાદ આવ્યા અને તરત બચુભાઇ રાવતના કુમાર સાપ્તાહિકે તેમને પોતાને ત્યાં લખવાનું આમંત્રણ આપ્યું. એ પહેલાં તેમનું એક પુસ્તક સદાચાર નામે પ્રગટ થઇ ચૂક્યું હતું.

image source

ફાધરની વિશેષતા એ હતી કે, ફાધર ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. 1960થી 1982 દરમ્યાન અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે ક્યારેક ચાલતા તો ક્યારેક સાઈકલ લઈને જતા અને સ્ટુડન્ટસમાં દેવદૂત તરીકે ફાધર વાલેસ જાણીતા હતા. તેમના લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી. જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યાં હતા.

image source

વધારે વાત કરીએ તો ફાધરે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આવા ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા. ત્યારે આ સમયે તેમની જુની વાતોને લોકો વાગોળી રહ્યા છે. જ્યારે તેઓ હયાત હતા ત્યારે તેમણે એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ ભલે કોઈ પણ ભાષાનું શિક્ષણ મેળવે, પરંતુ તેણે પોતાની રાષ્ટ્રભાષા અને માતૃભાષાનું હંમેશાં સન્માન કરવું જોઈએ.

image source

આગળ વાત કરતાં ફાધરે કહ્યું હતું કે, આજના યુગમાં કોઈ પણ ભાષાનું ચલણ ગમે એટલું વધે તો પણ આપણી માતૃભાષાને ક્યારેય પણ ન ભૂલવી જોઈએ. ઝેવિયર્સમાં ગણિત ભણાવતો હતો તે મારી ફરજ હતી. જ્યારે સાહિત્યની વાત કરું તો જે અંદર પડ્યું હોય તેને પચાવવાનો આ પ્રયાસ છે. સંસ્કારો પચાવવાનો તેમ કહી શકાય. મારા પિતાનો વારસો છે કે જે કરો તે સારું કરો. દિલની વાત હું અંગ્રેજીમાં ન કરી શકું એટલે ભારત-અમદાવાદ આવ્યો ત્યારે ગુજરાતી શીખ્યો. જે બધું અંદર હતુ તે ગુજરાતી ભાષામાં અભિવ્યક્ત થયું. ગુજરાતી પ્રજાના અદકેરા સેવક અને સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતનમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. ફાધર વાલેસના અવસાનથી ગુજરાતે એક પનોતો પુત્ર અને લોકસેવક ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.