ડોઢ મહિનાથી ગોઆમાં ફસાયેલા યુવકોએ પરત ફરવા માટે કરી મદદની આજીજી – પોતાની પીડા દર્શાવવા શેર કરી વિડિયો
ગોઆમાં ફસાયેલા યુવકોએ વતન પરત ફરવા કરી સરકારને મદદ ની અપીલ
યુવકોએ વિડીયો વાયરલ કરી સરકાર સમક્ષ પોતાના વતન પરત ફરવા માટે મદદની માંગણી કરી છે.
દેશમાં લોકડાઉનના કારણે ઘણા બધા લોકો પોતાના ઘર વતનથી દૂર અન્ય જગ્યાએ ફસાઈ ગયા છે.એવામાં લોકડાઉનના કારણે વાપીના રહેવાસી પણ ગોઆમાં ફસાઈ ગયા છે. લગભગ એક મહિના સુધી ગમે તેમ કરીને દિવસો ગુજાર્યા બાદ યુવકોએ વિડીયો વાયરલ કરી સરકાર પાસે પોતાના વતન પરત ફરવા માટે મદદની અરજી કરી છે.

વાપીના રહેવાસી ધવલ રાણા અને એમના ત્રણ મિત્રો 19 માર્ચે ગોઆ ફરવા માટે ગયા હતા. કોરોના ના કારણે અચાનક લોકડાઉન થવાના કારણે આ લોકો વાપી પરત ફરી શક્યાં નહોતા. એક હોટેલમાં એક મહિનો રહ્યા બાદ પણ જ્યારે ત્યાંથી વાપી પરત ફરવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે ગુરુવારે આ યુવકોએ એક વિડીયો વાયરલ કરી સરકાર પાસે મદદ માંગી હતી. યુવકોએ જણાવ્યું કે અત્યારસુધી એમને એક લાખથી વધુ ખર્ચો થઈ ચૂક્યો છે.
હવે એમની પાસે પૈસા પણ પુરા થઈ ગયા છે અને હવે એ ખૂબ જ નિરાશ થઈ ચૂક્યા છે. વધુમાં એમને કહ્યું કે એ લોકોને વાપી પહોંચ્યા બાદ મેડિકલ ચેકઅપ સામે અને ઘરે કોરોન્ટાઇનમાં રહેવા સામે પણ કોઈ વાંધો નથી, પણ ગમે તેમ કરીને એમની વાપી પરત ફરવાની સરકાર કોઈ વ્યવસ્થા કરે.આ યુવકોએ એવું પણ કહ્યું કે સરકાર જ્યારે વિદેશમાં ફસાયેલા લોકો માટે વિમાન મોકલી શકતી હોય તો આપણા દેશમાં જ ફસાયેલા અમને ગોઆ થી ગુજરાત તો પહોંચાડી જ શકે ને.

કેન્દ્રશાસિત પ્રદેશના 44 વિદ્યાર્થીઓ કોટાથી થયા રવાના
લોકડાઉન દરમ્યાન રાજસ્થાનના કોટામાં ફસાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દિવના 44 વિદ્યાર્થીઓને પોતપોતાના શહેરમાં પરત લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર પ્રશાસને વિદ્યાર્થીઓના પરત ફરવાની વ્યવસ્થા રૂપે વોલ્વો બસો મોકલી છે અને એમાં બેસીને જ બધા વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે.

જિલ્લા કલેકટર ડો. રાકેશ મિનહાસએ જણાવ્યું કે દાદરા નગર હવેલીના 32, દમણના 6 અને દિવના 6 એમ કુલ 44 વિદ્યાર્થીઓ કોટાથી અહીં આવવા રવાના થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓને લેવા ગયેલી બસમાં સુરક્ષાબળના જવાનો, ડોકટર અને આરટીઓના કર્મચારીઓ પણ હાજર છે. આ બધા જ શુક્રવારે દમણ પહોંચી જશે. કોટામાં અભ્યાસ કરી રહેલી સોનાલીના પિતાએ જણાવ્યું કે પ્રશાસનનો આભાર માનવો જોઈએ કે એમને એમની દીકરી ને દમણ પરત લાવવાની વ્યવસ્થા કરી અને એમના જેવા બીજા ઘણા વાલીઓને પોતાના સંતાનોની ચિંતામાંથી મુક્ત કર્યા.