હાથરસ ગેંગરેપ કેસ:નિર્ભયાના આરોપીઓને ફાંસી અપાવનાર સુપ્રીમ કોર્ટનાં વકીલ સીમા કુશવાહા પીડિતનો કેસ લડશે મફતમાં

ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલા ગેંગરેપ અને ત્યારબાદ બનેલી ઘટના મામલે દેશભરમાં રોષ છે. તેવામાં સરકારે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે પીડિતાના મોત મામલે પીડિત પરિવારનો કેસ સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ લડશે. જણાવી દઈએ કે સીમા કુશવાહાએ જ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો અને આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી. તેવામાં હવે સીમા કુશવાહા આ કેસ લડશે તે વાતથી પીડિત પરીવારની ન્યાય મેળવવાની આશા વધી છે. ખાસ વાત એ પણ છે કે તેઓ આ કેસમાં ફી પણ લેશે નહીં.

આ કેસ અંગે સીમા પીડિત પરીવારને મળ્યા પણ હતા. તેમણે આ મુલાકાત બાદ કહ્યું હતું કે પીડિત પરીવાર આ ઘટના બાદ ઘણો ડરેલો છે. તેમનું કહેવું છે કે પહેલા તેમની પુત્રીને મારી નાખવામાં આવી અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર બળજબરીથી કરી નાખ્યા હતા. તેણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે આર્થિક મદદની જાહેરાત કરી અને અન્ય વસ્તુઓ પણ આપવામાં આવનાર છે પરંતુ જ્યારે આ કેસની ચર્ચા મીડિયામાં બંધ થઈ જશે એટલે સરકાર પણ તેને ભુલી જશે. આવું જ થાય છે.

image source

સાથે જ તેણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં અધિકારીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી એ માત્ર દેખાડો છે. વર્મા કમિટીની ભલામણો મુજબ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. તેવામાં હવે પીડિત પરિવારે સીમાને કેસ લડવા માટે પરવાનગી આપી છે. તેમણે વકીલાતનામા પર સહી પણ કરી છે.

કોણ છે સીમા કુશવાહા

દિલ્હીમાં 2012માં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. તેની સાથે જે બર્બરતા થઈ હતી તેના કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં પરિવારને ન્યાય અપાવવામાં વકીલ સીમા કુશવાહાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કેસમાં આરોપીઓને ફાંસીના માચડે પહોંચાડવામાં સીમાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નિર્ભયાના દોષીઓને આ વર્ષે 20 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી.

શું છે હાથરસ કેસ ?

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીની કરોડરજ્જુ થોડી નાખી અને તેની જીભ પણ કાપી નાખી હતી. તેને ગંભીર હાલતમાં દિલ્હીમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે પીડિતાનો મૃતદેહ તેના પરીવારને સોંપ્યો નહીં અને અડધી રાત્રે જ તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. આ ઘટના બાદ હાથરસ સહિત દેશભરમાં રોષ વ્યાપી ગયો છે.

ભારે હોબાળો થતાં આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી. જો કે આ કેસમાં પોલીસ સતત દાવો કરી રહી છે કે યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યું નથી. હવે આ કેસમાં સત્ય શું છે તે કદાચ સીમા કુશવાહા બહાર લાવી શકે તેવી આશા પીડિતાના પરીવારને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span