કાંદાવડા – ઈડલીવાળા અન્ના જેવા વડા બનાવે છે એવા જ સેમ હવે બનશે તમારા ઘરે…

કાંદાવડા

જય શ્રીકૃષ્ણ મિત્રો, કેમ છો? આશા છે તમે તમારા પરિવાર સાથે સેફ હશો. ચાલો આજે એક બીજી મારા ઘરની એક કોમન વાનગી તમને શીખવાડું, રવિવાર હોય એટલે લગભગ દરેક ગુજરાતીના ઘરે દાળઢોકળી બનતી જ હોય છે અમારા ઘરમાં પણ આમ તો દાળઢોકળી જ બને છે પણ દર રવિવારે ઢોકળી એ સાક્ષીને પસંદ નથી એટલે અમે એક રવિવારે ઢોકળી અને એક રવિવારે ઈડલી બનાવીએ છીએ પણ હવે જ્યાં સાક્ષી ઈડલીથી ખુશ થઇ જાય છે ત્યાં ઘરમાં સાક્ષીના દાદા એટલે કે મારા એ જે છે એમને એકલી ઈડલી પસંદ નથી.

પહેલા તો તેઓ જયારે પણ અમે ઘરમાં ઈડલી બનાવીએ ત્યારે બહારથી અન્નાના સ્ટોલ પરથી કાંદાવડા લઇ આવતા હતા, એકવાર મેં એ વડા ચાખ્યા અને પછી નક્કી કર્યું કે આ બહુ અઘરી રેસિપી નથી આરામથી બનાવી શકાય છે. તો બસ પછી તો એકદિવસ બનાવી જ લીધા અને બન્યા પણ બહુ સરસ, તો ચાલો આજે તમને પણ પરફેક્ટ બનાવતા શીખવું.

સામગ્રી :

 • બેસન : 200 ગ્રામ
 • ડુંગળી (કાંદા) : 200 ગ્રામ
 • આદુ : એક નાનો ટુકડો
 • લીલા મરચા : જીણા સમારેલા (તીખું પસંદ હોય તો વધુ ઉમેરી શકો)
 • લીલા ધાણા : એક નાની વાટકી
 • લાલ મરચું : અડધી ચમચી
 • હળદર : પા ચમચી
 • ધાણાજીરું : અડધી ચમચી
 • ગરમ મસાલો : અડધી ચમચી
 • મીઠું : સ્વાદ મુજબ
 • મરીયા પાવડર : અડધી ચમચી
 • આખા સૂકા ધાણા : અડધી ચમચી (અધકચરા વાટીને લેવા)
 • સોડા : પા ચમચી
 • તેલ : તળવા માટે અને મોણ માટે

કાંદાવડા બનાવવાની સરળ રેસિપી:

1. એક બાઉલમાં બેસન લેવું અને તેમાં બે ચમચી ગરમ તેલ ઉમેરવું (વડા ટાળવા માટે જે તેલ મૂક્યું હોય તેમાંથી બે ચમચી લેવું અલગથી ગરમ કરવાની જરૂરત નથી.)

2. હવે તેમાં જીણી ચોપ કરેલ ડુંગળી ઉમેરવી.

3. હવે આ બાઉલમાં લીલા મરચા અને લીલા ધાણા સમારીને ઉમેરવા.

4. હવે તેમાં બધા મસાલા, મરચું, હળદર, ધાણાજીરું, સૂકા ધાણા અધકચરા વાટીને, મરીયા પાવડર, મીઠું, ગરમ મસાલો વગેરે મસાલા ઉમેરવા

5. હવે આ બધું બરોબર મિક્સ કરવું અને જરૂર પૂરતા પાણી સાથે વડા ઉતારવા માટેનું ખીરું તૈયાર કરવું

6. હવે વડા તળવા માટે તેલ ગરમ કરવું

7. હવે તૈયાર થયેલ ખીરુંમાંથી નાના નાના બહુ મોટા નહિ એવા ભજીયા તેલમાં મુકો, તમે ચમચી કે હાથની મદદથી પણ કરી શકો છો.

8. ધીમે ધીમે વડાને તેલમાં હલાવવા

9. ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તેને તેલમાં બરોબર તળો અને પછી તેને એક થાળીમાં કાઢી લો

10. હવે તેલમાંથી કાઢેલ વડા થોડા ઠંડા થાય એટલે તેને ફોટોમાં બતાવ્યા પ્રમાણે વાટકીની મદદથી પ્રેસ (દબાવી) કરી લેવા

11. વાટકીનું તળિયું સપાટ હોય એવું લેવું નહિ તો વડા દબાવતા સમયે વડા તૂટી જશે.

12. હવે તમે જોઈ શકો છો કે કેવા પરફેક્ટ વડા રેડી થઇ ગયા છે. પણ આટલેથી આ પૂરું નથી થતું

13. હવે દબાવેલ વડાને ગરમ તેલમાં ઉમેરો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

14. બસ હવે આ વડા તૈયાર છે હવે તેને ઈડલી સાંભરમાં મિક્સ કરીને પરિવાર સાથે આનંદ માણો અને હા, ભૂલથી પણ બહારનું ખાવાનું વિચારશો નહિ.

હવે આ વાનગી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, તો આવજો ફરી હાજર થઈશ આવી જ કોઈ સરળ અને ટેસ્ટી વાનગી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

દરરોજ અવનવી વાનગી માટે લાઈક કરો અમારું પેજ.