તમને કોઈપણ સારા કે માઠા સમાચાર મળે કે તરત શું કરવું?
“હેલ્લો, તમને ખબર પડ્યા?”
આવું આપણે ઝટ દઈને કોઈને પણ ક્યારેય પણ ફોન કરી દેતાં કે વ્હોટસેપમાં મેસેજ મૂકી દેતાં ખચકાતાં નથી. જરા સરખી કોઈ ખબર મળી કે પ્રસંગ / અણબનાવ બન્યો નથી અને એને તરત જ વહેતો કરી દેવાની તાલાવેલી આપણાં સૌમાં ત્વરાએ જાગી ઊઠે છે.

સમાચાર / ખબર, સારા હોય કે માઠા; યોગ્ય રીતે, ટૂંકમાં કે સવિસ્તાર આપવા / મેળવવા કે સાંભળવા એ પણ એક કળા છે. માહિતી સ્ત્રોત અને સંવાદદાતા એકરૂપ થઈને પ્રસ્થાપિત સ્વરૂપે જણાવે એજ જરૂરી છે. સાથોસાથ જેઓ ગ્રહણ કરે છે એ પણ એજ રીતે એને લે છે કે કેમ એ પણ માહિતગારે તાકિદ રહેવું જોઈએ.

સંચાર પ્રવૃત્તિ એવી વ્યવસ્થા છે જેમાં ગાફેલ રહેવું ખૂબ જ જોખમકારક છે. જો એક બાબત ખોટી રીતે અન્યથા સ્પસ્ટ રીતે રજૂ ન કરાયેલ હોત તો તે ખૂબ નુક્સાનકારક નિવડે છે. ભલે ટૂંકમાં કહી દેવાય પણ અપૂરતી કે અસ્પષ્ટ હશે તો એ પણ એટલું જ જોખમી છે. ક્યારેક એવું બને આપેલ એ સમાચાર અન્ય વ્યક્તિ માટે જીવન / મૃત્યુનો નિર્ણય કરવા હેતુ મદદરૂપ નિવડવાનો હોય. એવે સમયે માહિતી મેળવનારની વિવેક બુદ્ધિ, તર્ક અને નિર્ણય શક્તિને સતર્ક, સચેત અને સજ્જ કરવી પડે. માહિતી સ્ત્રોતની વિશ્વનીયતા અને સામેની વ્યક્તિ પરનો પણ એટલો જ મહત્વનો છે. સામેની વ્યક્તિ એને મેળવવા માટે કેટલો સક્ષમ છે. મેળવેલ માહિતી કે સમાચારને પચાવવાની લાયકાત કે આવડત એનામાં છે કે કેમ એ પણ માહિતગારે ચકાશી જ લેવું જોઈએ.

આજનો જમાનો બ્રેકિંગ ન્યૂઝનો થઈ ગયો છે જાણે. સૌને ફટ દઈને પોતાની જાતને કે પછી એમણે મેળવેલ માહિતીને આકર્ષણનું કેન્દ્ર બનાવી મૂકવાની લત લાગી ગઈ છે. સોશિયલ મિડીયા તમને પૂછે કે વ્હોટસ ઈન યોર માઈન્ડ ત્યારે જો અનેક ખળભળાવી મૂકે તેવા સમાચારો તમને ખબર હોય અને એ તમે ક્યાંય શેર ન કરો તો વા ભલા ! પણ જો એને વહેતા કરી દેવાની તમને ઇચ્છા થાય તો ચેતજો. ફકત તમારા માટે જ નહીં પણ એવી કોઈ પણ વ્યક્તિને માટે એ એટલું જ હાનિકારક રહેશે જે એને સાચી સમજીને ઉપયોગમાં લેશે કે આગળ ધપાવશે. ‘૪જી’ ફાસ્ટ અને ઈસ્ટન્ટ જમાનામાં અડાબીડ જંગલમાં વધતી આગની જેમ આ અયોગ્ય કે અપૂરતા સમાચારો ક્યાંક કોઈના જીવનમાં કાયમની આગ ન ચાંપી બેસે એનું ધ્યાન રાખવું રહ્યું.

થતું એવું હોય છે કે કોઈ મિત્ર ભાવે કે સ્નેહ દાવે કોઈના પારિવારીક કે અંગત રહસ્યો એકબીજાંને કહી દેતાં હોય છે. કહેવાય છે કે મન હળવું થાય છે. અને એવું લાગે કે આ વ્યક્તિ ક્યાં કોઈને કહેવાનો ? અને કહી દેવાય છે એવી વાત કે માહિતી જે આપણાં પોતીકાં મનમાં ધરબાયેલી હતી. જેની પર હવે ઈજારો રહ્યો નથી. એક વાત સ્પસ્ટ છે કે જે માહિતી, અંગત રીતે પોતાપૂરતી નથી રાખી શકાતી એ માહિતી સામેની વ્યક્તિ કેટલી હદે સંગ્રહી શકશે ? એ વિચારવા જેવો પ્રશ્ન છે. અજાણ્યાં ઓનલાઈનના મિત્રો / સખીઓ સાથે વાત કરી દેવી કે પછી કોઈને રુબરુ મળીએ ત્યારે કહેવાઈ જતી વાતો આમ તો સાવ જ સામાન્ય છે. રખે ને એ મિત્ર / સખી સાથે જરા સરખો સંબંધ વણસે એટલે એજ ડર પહેલાં લાગશે કે એને તો બધી ખબર છે ! જરા એની ચસકી તો આખી ગેઈમ ખલાસ !

આ તો રહી લાગણી સભર મિત્રતાની વાત પરંતુ જ્યાં લગ્નસંબંધોની વાત કે જીવન મરણના નિર્ણયોની વાત આવે ત્યારે ખૂબ જ સાવચેત રહેવું પડે છે. કોઈના લગ્ન પ્રસ્તાવની કે જોડાંમેળની વાત આવી હોય, સામેનું કુટુંબ અને ઉમેદવાર વિશેની માહિતી જોઈતી હોય તો કોણ લાગતું વળગતું છે અને કોની પાસેથી તટસ્થ સમાચાર મળશે એ નક્કી કરવું કુનેહ ભર્યું છે. નહીં તો અડનું થડ થતાં વાર નથી લાગતી. અથવા તો કોઈના બીમારીના સમાચાર મળ્યા હોય તો હજુ એ દર્દીનો પરિવાર સ્વસ્થ થયો કે ન થયો સીધાં હોસ્પીટલ કે ઘરે ખબર કાઢવા પહોંચી જવું એ પણ સલાહભર્યું નથી જ. હા, તમે મદદરૂપ થઈ શકો એમ હોવ કે પછી સાવ નજીકના સ્વજન હોવ તો જવું ચોક્કસ જોઈએ પણ ફકત વ્યવહાર કુશળતાને આધીન છો આપ એવો દેખાડો કરવા જવાનો આગ્રહ આ અતિ ઝડપથી બદલાતા જમાનામાં મૂકી દેવો જોઈએ. તમે જેમને મળવા જાવ છો એમને અણગમો નહીં થાય ને? એવું ચોક્કસ વિચારી જો સજો, ભલેને એક કિલો સફરજનની થેલી લઈને જતાં હોવ તોય !
વળી, સમાચાર કોણ આપે છે એય એટલું જ મહત્વનું છે. કોઈ હરખના સમાચાર ઘરનું નાનું બાળક કે લાડકી વ્યક્તિ પાસેથી વધામણી રૂપે પ્રસરાવવી અને માઠા સમાચાર વડીલ કે વયસ્થ પાસેથી કહેડાવવી એ પણ એક સમજણ માંગી લે છે.
“જો જો હો, હમણાં કોઈને કે’તાં નૈ !”

આવું બોલનારાં પર તો ખાસ ખતરાનું નિશાન તાકવું. કેમ કે જેમણે પોતે જ એ માહિતીને સાચવી નથી એ તમારા પર ભવિષ્યમાં આળ નાખી શકે છે કે મેં તે ફલાણાંને જ ખાલી કહ્યું હતું એણે જ સમાચાર ફેલાવ્યા છે. એવે સમયે એવાં બીજાં અન્ય પણ હોઈ જ શકે જેમને કોઈને કે’તાં નહીં એમ કહીને વાત કરી જ હોય એમાં શંકાને સ્થાન નથી. વાયુ વેગે ફેલાતા આવા સમાચારોમાં ઈન્ટરનેટમાં ફરતા અપહરણનાં કે બાળક ખોવાયાના કે ચોરીના ઘણાં કિસ્સા બહાર પડ્યા છે જેમાં જનતા એ ફોટોમાં દેખાતા વ્યક્તિ જેવાને રસ્તા પર જોતાં ઢોર માર માર્યાના કે સાવ મારી નાખવાના દાખલાઓ નોંધાયા છે ત્યારે આ અફવાના ગરમાગરમ ધીકતા બજારને કઈ રીતે દામવું એ જટિલ પ્રશ્ન થઈ રહે છે. ખોટી રીતે આપેલ સમાચાર જેમાં સાંભાવનાઓ નહીંવત હોય ત્યારે નોકરી લેવા કે મૂકવાના / લગ્ન કરવા કે ફોગ કરવા જેવા નિર્ણયો લેવા ખૂબ જ ધ્યાન રાખવું રહે. ઉશ્કેરાટ સભર બાબતો રમખાણ ફેલાવી શકે છે એમાં બે મત નથી. કાનભંભેરણી કે ચાપલૂસી પ્રકારના સમાચાર પણ આ જ પ્રકારની માહિતીઓમાં સામેલ કરી જ શકાય ખરી. સાવધાન !

સમાચારોમાં રાજકારણ કે સામાજિક કોઈ સમસ્યા હોય તો એનું આપણે સૌ પિષ્ટપિંજણ કરવા લાગીએ છીએ અને વિના કારણે ચર્ચાઓમાં કે વિચારોમાં ચડી જઈએ છીએ. જવાબદાર નાગરીક તરીકે નિભાવાતી ફરજોમાં એક એવું પણ વલણ હોવું જોઈએ કે બીનજરૂરી સમાચારોને હવા ન આપવી અને એને અરાજકતા ફેલાવીને ઠેરઠેર ચગાવવા નહીં. જો આપણાં સુધી પહોંચે તો ત્યાં જ અટકાવી દેવા જ યોગ્ય છે. ફકત સાચી કે સારી ઉપયોગી માહિતી / ખબર / સમાચારને જ આગળ ધપાવવા.
જૂના જમાનામાં પડોશમાં કે પરિવારમાં એકાદ જણને ઘરે જ ફોન હતા અને ક્યારેક જ કોઈને ત્યાં તાર – ટપાલ આવતી. એવામાં કોઈ ખરાબ પ્રસંગ બની ગયો હોય તો ફોન પર એવું પૂછી લેવાતું કે તમે જમ્યાં? આ જમી લીધું એટલે અત્યારનું ભોજન ટાંણું ટળી ગયું છે સમાચારને ઝીરવવા એ વ્યક્તિ સક્ષમ છે. એવું વિવેક સભર વલણ રખાતું હાલ તો અડધી રાતે ફિલ્મ હિરોઈનના અકાળે અવસાનના સમાચાર ફેલાય અને આખા જગતનો જીવ તાળવે ચોંટાડાય છે.

સૌમાં ઉચાટ વધે છે, ચિંતાતુર સ્વભાવ થતો જાય છે. ક્યારે શું બનશે અને કોણ કંઈ કહેશે એનો સતત ભય રહ્યા કરે છે. અટકળો અને નિશ્ચિતતાઓ એટલી બધી વધી જાય છે કે દરેક પર તરત વિશ્વાસ કરી લેવાનું મન ન થાય. અમુક માહિતી અમુકને જ અને કેટલીક માહિતી કેટલીક વ્યક્તિઓને જ જણાવવી અમુકથી છૂપી રાખવી વગેરે નીતિઓ અકારણ મૂંઝવણમાં મૂકી દેતી હોય છે. જેને નિવારવા આજ સમય છે જ્યારે થોડો વિચાર કરી જ લેવો સારો કે કોઈને પૂછીએ ત્યારે કે સાંભળ્યું?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.