ના હોય, અલીગઢના આ ડોકટરે સફેદ ઉંદરની કરી સફળ સર્જરી, અને ઓપરેશન કરીને કાઢી 25 ગ્રામની રસોળી

અલીગઢના ડોકટર વિરામે એક ઉંદરનું જીવન બચાવવા માટે નવાઈ પમાડી દે તેવું કાર્ય કરી બતાવ્યું છે. અસલમાં ડોકટર વિરામે એક ઉંદરની આંખની સર્જરી કરી લગભગ 25 ગ્રામ વજનનું ટ્યુમર કાઢ્યું હતું અને ત્યારબાદ ઉંદર રાહત અનુભવી રહ્યો છે. શું છે આ કેસની વિસ્તૃત વિગત આવો જાણીએ.

image source

અલીગઢમાં રહેતા અમિતના ઘરે પાળેલા એવા એક સફેદ ઉંદરની આંખ પાસે પહેલા એક મસા જેવું દેખાયું. પરંતુ જે તે સમયે અમિતે તેના પર ધ્યાન ન આપ્યું. પરંતુ થોડા દિવસ બાદ એ મસો એક રસોળી બની ગઈ. અને તેના કારણે ઉંદરની આંખ પણ ઢંકાઈ ગઈ અને ઉંદરને ચાલવા અને ખાવા પીવામાં પણ મુશ્કેલી થવા લાગી.

image source

જ્યારે અમિતે આ સમસ્યાને ગંભીર થતા જોઈ તો તેણે અલીગઢના ખ્યાતનામ પશુ ચિકિત્સક ડોકટર વિરામ વાષ્રણેયને સંપર્ક કરી ઉંદરને બતાવ્યો. ડોકટર વિરામે જણાવ્યું કે ઉંદરને ટ્યુમર છે અને શક્ય તેટલી વહેલી સર્જરી કરવી જરૂરી છે અને તો જ ઉંદરની આંખ બચી શકશે. જો મોડું થશે તો ઉંદરનો જીવ પણ જઈ શકે.

image source

ડોકટર વિરામ દ્વારા ઓપરેશન કરતા પહેલા જ્યારે ઉંદરનું વજન કર્યું તો તે 100 ગ્રામનો હતો અને તેનું કદ પણ નાનું હતું એટલા માટે તેને બેહોશ કરવા માટેની દવા (એનેસ્થિસીયા) આપવામાં પણ જોખમ હતું. આ માટે ડોકટરે ઉંદરના નીચેના પેટ પાસેની જગ્યાએ ઇન્ટ્રાસપેરીટોનિયલ (intraperitoneal) નું ઇન્જેક્શન લગાવ્યું. જેનાથી થોડી જ વારમાં ઉંદર બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ ડોકટરે બારીકાઈથી તેની આંખ પાસેની રસોળી હટાવી જેના કારણે ઉંદરની આંખ અને જીવ બન્ને પર જોખમ હતું.

image source

જે રસોળીને સર્જરી દ્વારા કાઢવામાં આવી તેનું વજન લગભગ 20 થી 25 ગ્રામ હતું. આના પરથી અંદાજ લગાવી શકાય કે જે જીવનું કુલ વજન માંડ 100 ગ્રામ હોય અને તેની આંખમાં 25 ગ્રામની ગાંઠ હોય તો તેને કેટલું વેઠવું પડ્યું હશે. સર્જરી થયા બાદ ઉંદરને ભાનમાં આવતા 3 કલાકનો સમય લાગ્યો હતો અને આગલા દિવસથી જ સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયો અને રાબેતા મુજબ ખાવા પીવા પણ લાગ્યો.

image source

થોડા દિવસો સુધી આ ઉંદરની દવા પણ ચાલી અને લગભગ 15 દિવસ બાદ તે પહેલા જેટલો જ સ્વસ્થ થઈ ગયો અને તેને જે જગ્યાએ રસોળી હતી ત્યાં નવા વાળ પણ આવવા લાગ્યા.