સ્ત્રીઓ નવા વર્ષે આવું જીવન જીવવાની કરો નવી શરૂઆત, જિંદગીમાં અફસોસ અને ફરિયાદ કરવાના દિવસોન નહી આવે

મોટાભાગની સ્ત્રીઓ પાસે પોતાની જીવાયેલી જિંદગી કે જીવાતી જિંદગી માટે સંતોષ અને ખુશીને બદલે અફ્સોસ અને ફરિયાદ જ વધારે છે પણ દરેક વ્યક્તિ પોતાની જિંદગીની સૂત્રધાર છે. જેને જે અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો મળ્યાં હોય એમાંથી જ દરેકે રસ્તો કાઢવો પડે છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો રસ્તો કાઢે છે. અગર આપણે આપણી જિંદગીને નિશ્ચિત મંઝિલ સુધી લઈ જવી હોય તો નવા વર્ષથી પાયાની વાતોને જીવનમાં ઉતારીએ. કારણ કે કહેવાય છે કે નવું વર્ષ એટલે જૂની ભૂલોને સ્વીકારીને, એમાંથી કંઇક શીખીને નવો રસ્તો કંડારવાનો અવસ. નવા સંકલ્પો સાથે જીવનને વધાવવાની તક. આ નૂતન વર્ષે આપણે પણ જીવનને નવો સ્પર્શ આપવાનો સંકલ્પ કરીએ.

ડાયરી લખો

image source

તમારા દિલની સઘળી વાતો શબ્દો ચોર્યા વિના અન્ય સમક્ષ કરી શકો એવા સાચા મિત્ર અને સાથીની ઊણપ એ આજનાં સમયની સૌથી મોટી સમસ્યા છે. મનમાં ઉદ્ભવતાં દાવાનળને ઠાલવવાની સલામત જગ્યાનાં અભાવને કારણે અનેક માનસિક સમસ્યાઓ સર્જાઈ રહી છે. હૃદયનાં આવેગો- લાગણીઓ અને પીડાઓને ડર્યા વિના, અચકાટ વિના ઠાલવવાનું ઉત્તમ સાધન એટલે ડાયરી લેખન, વોટ્સએપ અને એફ.બી. પર વીતાવાતા સમય કરતાં પાંચ-દસ ટકા સમય જો ડાયરી લેખન માટે ફળવાય તો મનની પીડાઓ-ગુસ્સો અને ફ્રિયાદો શાંત થઇ શકે. ડાયરી એટલે આખા દિવસની દિનચર્યાની સિલસિલાબંધ વિગતો નહીં, પરંતુ રોજેરોજ મનમાં આવતાં અને વિખેરાઈ જતાં વિચારોની સંબંધોની સારી નરસી-ક્ષણોની તથા ઉદાસી અને ખુશીઓનાં કારણો- નિમિત્તોને આલેખવાની છે.

સાસુ દેરાણીને સારું રાખે છે અને તમને ખરાબ રાખે છે?

image source

અગર વ્યક્તિ સમસ્યાને સમસ્યા તરીકે કે પોતાની મર્યાદાને મર્યાદા તરીકે સ્વીકારે જ નહીં તો એનાં પર વિજય કઇ રીતે મેળવી શકે? અડચણો દૂર કરવાનો રસ્તો કઇ રીતે શોધે? માત્ર મર્યાદા જ નહીં તમારી સ્ટ્રેન્થ અને વિશિષ્ટતાનો પણ સ્વીકાર કરવાનો છે. આ બંને વસ્તુ માટે સ્વનું વિશ્લેષણ કરો. તમારા ક્યા ગુણો અન્યથી અલગ છે? બળવતર છે? એ જાણો? તમારી કઇ મર્યાદાઓ તમને બીજાથી પાછળ પાડે છે? દુઃખી કરે છે? સંબંધોમાં તિરાડ ઊભી કરે છે ? આ પ્રશ્નોના ઉત્તર જાતે જ શોધો. જો સાસુ દેરાણીને સારું રાખે છે અને તમને ખરાબ રાખે છે ? બોસ તમને અગત્યનું કામ સોંપતા નથી? તમારી ફ્રેન્ડ જ્યાં જાય ત્યાં છવાય જાય છે અને તમારી કોઈ નોંધ નથી લેતું ? શા માટે ? જવાબ મેળવો- સ્વીકારો અને ખુદમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ કરો.

આભાર વ્યક્ત કરો

image source

જે લોકોને હંમેશાં તેરી સાડી મેરી સાડી સે સફેદ ક્યું? નું ટેન્શન રહેતું હોય છે એમને જે મળ્યું છે એ માટે ભગવાન-પેરન્ટ્સ- મિત્રો કે સ્વજનોની લાગણીની કદર નથી હોતી. તેઓ બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરી કૃતજ્ઞા બની શકતા નથી. તમે જ્યારે કોઈનો આભાર માનો છો, ત્યારે નમ્ર બનો છો. જીવનમાં – આજુબાજુનાં લોકોનો સ્વીકાર કરો છો. ભૂતકાળને ભૂલીને ભવિષ્યની ચિંતાથી વિચલિત થયા વિના જેઓ વર્તમાનને માણી શકે છે, તેઓ જ બીજાનો આભાર માની શકે. બુદ્ધે કહ્યું છે કે ઊઠો અને આભાર વ્યક્ત કરો. કારણ કે આજે આપણે વધારે નથી શીખ્યા તોય થોડું તો શીખ્યા જ છીએ. અગર થોડું પણ નથી શીખ્યા તો બીમાર તો નથી જ અને અગર બીમાર પણ છીએ. તો મૃત્યુ તો નથી પામ્યા. આથી આપણે સહુ માટે આભાર વ્યક્ત કરવો જોઇએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઇશ્વર, મારો આ દિવસ મને તમારા તરફ્થી મળેલી ભેટ છે. આ દિવસને હું જે રીતે જીવીશ એ મારી તમને ભેટ છે.

સર્જનશીલ બનો

image source

નવી વસ્તુ સર્જન કરવાનો આનંદ અનન્ય અને આત્મસંતુષ્ટિથી સભર છે. એ સેલ્ફ્ એસ્ટીમ વધારી ખુદ માટેની ફ્રિયાદ ઓછી કરે છે. પછી ભલે એ સર્જન નવી વાનગીનું હોય કે કોઈ કવિતાનું હોય… લગભગ દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કળાની આવડત હોય જ છે, પણ એને સમયનાં ડબ્બામાં બંધ કરી હોવાથી એ દબાઇ જાય છે. ઘણાં લોકો એવું માને છે કે સ્પોર્ટ્સ કે કળામાં નામ-દામ મળે તો જ એનું સાર્થક્ય… વાસ્તવમાં સર્જનનો પહેલો પડાવ સંતોષ અને આનંદ છે. નામ-દામ એ બાયપ્રોડક્ટ છે. લખવું, ગૂંથવું, સીવવું, રંગોળી કરવી, ગાવું, ઘર સજાવવું, ડ્રોઈંગ-પેઇન્ટિંગ કરવા, ફેટોગ્રાફી કરવી ક્રાફ્ટ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવી, જ્વેલરી ડિઝાઇનિંગ કરવી કે ક્વીબિંગ કે કેલીગ્રાફી કરવી અને આ વસ્તુ કોઈપણ ઉંમરે કરી શકાય છે. તમારું ગમતું કામ, ગમતું સર્જન, તમારો શોખ દુનિયાની દરેક સમસ્યાઓથી દૂર કરી આનંદમાં ડુબાડી શકે છે. તમે તમારા સંતાનો માટે ડ્રેસ ડિઝાઇન કરો કે એક નાનકડી વાર્તા કે બ્લોગ લખો. એ તમારી આંતરિક તાકાત છે. જેને કોઈ છીનવી ન શકે એને ડેવલપ કરો. પ્રોફેશનલી કરો તો પણ ખોટું નથી. પણ જો એ ચાન્સ ન મળે તો તમારા આનંદ માટે કરો. અંદરથી મળતા આનંદની સરખામણી દુનિયાના કોઈ આનંદ સાથે ન કરી શકાય.

સંબંધનાં ખાતામાં બેલેન્સ બનાવો

image source

સ્ત્રીઓને દરેક સંબંધે ફ્રિયાદ રહે છે, પરંતુ સંબંધ એ બચત ખાતા જેવો છે. એમાં જમા કરાવેલી રકમ સુરક્ષિત રહે છે. એને જ્યારે ઇચ્છો ત્યારે ઉપાડી શકો છો. પણ જેટલી રકમ જમા હોય એનાથી વધારે ઉપાડી શકતા નથી. એ જ રીતે કોઈપણ સંબંધમાં તમે એટલું જ મેળવી શકો છો જેટલું તમે રોપ્યું હોય. જ્યાં તમે પૂરતી માત્રામાં લાગણી-પ્રેમ અને વિશ્વાસ જમા કર્યા હશે ત્યાંથી તમને એ તો મળશે જ, પરંતુ વ્યાજરૂપે તમારી ભૂલો માફ થઈ શકશે. તમારા સુખ-દુઃખને એ તમારા ગણશે અને તમારી પડખે રહેશે. હંમેશાં ગણતરી કરીને સંબંધનાં ખાતામાં બેલેન્સ જમા થશે તો સામાની ગણતરીમાં જે મહત્ત્વનું હશે તે જ મળશે. તમારી લાગણીઓ અને અપેક્ષાઓનો છેદ ઊડશે. જીવનમાં એક-બે સંબંધનાં ખાતા એવાં ચોક્કસ રાખો કે બેલેન્સથી છલોછલ હોય. એમાંથી જ્યારે જે બાબતની જરૂરિયાત હોય તે વિના સંકોચે ઉપાડી શકાય

અચ્છાઈને અવાજ આપો

આપણી ખામી એ છે કે આપણે ખરાબ વાતોને હવા આપીએ છીએ, અને સારી વાતો અંગે મૌન સેવીએ છીએ. પરંતુ આ વર્ષે હકારાત્મક વાતો, ઘટનાઓ, વિચારો અને કામોની ચર્ચા કરવાનો સંકલ્પ કરીએ. એને ફેલાવીએ, એની પ્રશંસા કરીએ. જો આમ બનશે તો સાચે જ અંતરમાં બારેમાસ દિવાળી રહે

image source

સરખામણીથી બચો

ઇર્ષ્યા-સરખામણી અને બીજાથી આગળ નીકળી જવાની ઘેલછા આપણાં સુખને પણ દુઃખમાં ફેરવવાની તાકાત ધરાવે છે. સ્ત્રીઓને શિક્ષણ-બાળકો-પતિ-કપડાં- ઘર- કાર કે ખરીદી દરેક બાબતે ફ્રેન્ડઝ, પાડોશી કે સંબંધી મહિલાઓ સાથે સરખામણી કરવાની ટેવ છે, પરંતુ દરેક વ્યક્તિ, એનું આજુબાજુનું વાતાવરણ, એનો ઉછેર, શારીરિક-માનસિક શક્તિ-સ્વભાવ અને મળેલી તકો અલગ છે. તો સરખામણી કરીને દુઃખી થવાનો મતલબ શું? બહેનોએ એક વાત યાદ રાખવાની જરૂર છે કે જે કામ પાણી કરી શકે છે તે પેટ્રોલ નથી કરી શકતું, જે કામ તાંબુ કરી શકે એ સોનું નથી કરી શકતું, કીડીનું હલકાપણું એને ગતિમાન રાખે છે, વૃક્ષનું વજન એને જડોથી જોડી રાખે છે. દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ કોઇ પ્રયોજનને પૂરું કરવું માટે વિશેષરૂપે આવ્યા છે. ભલે મારામાં કોઈ કમી કેમ ન હોય? હું મારા વ્યક્તિત્વથી વિરુદ્ધ બીજું કઈ રીતે કરી શકું? ભલે કોઇની મજબૂતાઈ મને લોભાવતી કેમ ન હોય? હું કંઇ અન્ય બનવા શા માટે ઝૂઝતી રહું ? હું અહીં મારા સ્વરૂપમાં જ રહેવા માટે જન્મી છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.