ફક્ત 1 રૂપિયામાં થાળી, અહીં રોજ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી મળે છે ટેસ્ટદાર ભોજન

ખાવાની ચીજ વસ્તુ ખાઈ પેટનો ખાડો પુરવો એ બધા માણસોની પ્રાથમિક જરૂરિયાત પૈકી એક છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ આપણા દેશમાં હજારો કે લાખો લોકોને ખાવાનું નથી મળતું. મજબૂરી અને ગરીબી જેવા કારણોસર આવા લોકોને ભૂખ્યા પેટે જીવન વિતાવવાનો વારો આવે છે. પરંતુ આપણા સમાજમાં અમુક ભલા માણસો પણ રહે છે જેને ભુખ્યાના પેટની ચિંતા રહે છે અને તેમને જમાડવા માટે તેઓ કાર્ય પણ કરે છે.

ani
image source

ભારતની રાજધાની દિલ્હીમાં પણ આવા જ ભલા માણસો નેક કામ કરી રહ્યા છે. અને ફક્ત એક રૂપિયામાં લોકોને ભોજન કરાવે છે. દિલ્હીની ભુટ્ટો ગલીમાં નાંગલોઈની શ્યામ રસોઈમાં સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી માત્ર એક રૂપિયામાં ભોજનની થાળી મળે છે. વળી, આ શ્યામ રસોઈમાં માત્ર ગરીબ જ નહીં પણ સમાજના દરેક વર્ગના લોકોને જમવાનું અપાય છે.

image source

ભોજનની આ થાળીમાં ચોખા, રોટી સોયા પુલાવ, પનીર, સોયાબીન અને હલવો શામેલ છે. જો કે આ મેન્યુ દરરોજ બદલાય છે. બપોરના ભોજન સિવાય અહીં સવારની ચા પણ અપાય છે અને તેની કિંમત પણ એક રૂપિયો રાખવામાં આવી છે.

ANI ની રિપોર્ટ અનુસાર શ્યામ રસોઈનું સંચાલન 51 વર્ષીય પ્રવીણકુમાર ગોયલ કરે છે અને તેઓ છેલ્લા બે મહિનાથી આ શ્યામ રસોઈ ચલાવી રહ્યા છે. પ્રવીણકુમાર કહે છે કે ” અમે અહીં 1000 થી 1100 માણસોને જમાડવાનું કામ કરીએ છીએ અને ત્રણ ઇલેક્ટ્રિક રીક્ષા દ્વારા ઇંદ્રલોક, સાંઈ મંદિર જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ પાર્સલ સુવિધા આપીએ છીએ. આ રીતે શ્યામ રસોઈમાં દરરોજ લગભગ 2000 જેટલા માણસોને ભોજન કરાવે છે. ”

image source

ANI સાથેની વાતચીતમાં પ્રવીણકુમાર ગોયલે જણાવ્યું કે ” અમને દાતાઓ તરફથી દાન પણ મળે છે, હજુ ગઈકાલે જ એક વૃદ્ધ મહિલા આવ્યા હતા અને અમને અનાજ આપવાની તૈયારી દર્શાવી હતી, બીજા દિવસે અમને કોઈએ ઘઉં આપ્યા.. આ રીતે અમારું આ કાર્ય છેલ્લા બે મહિનાથી આગળ વધી રહ્યું છે. લોકો ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ અમને સહયોગ આપી રહ્યા છે. હાલ અમારી પાસે હજુ એક સપ્તાહ સુધી આ કાર્ય ચાલુ રહે તેટલી ક્ષમતા છે. સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ અમને અનાજ આપી આ કાર્યમાં અમને સહયોગ આપે. ”

image source

હાલ પ્રવીણકુમાર ગોયલ સાથે 6 હેલ્પર કામ કરી રહ્યા છે જેને તેઓ વેંચાણના આધારે 300 થી 400 રૂપિયાનું ચુકવણું કરે છે. જ્યારે અમુક સ્થાનિક લોકો અને કોલેજના સ્ટુડન્ટ પણ તેમને મદદ કરવા માટે આવે છે.