એક સમયે પેટ ભરવા મંદિરમાં પ્રસાદ ખાતા અને વેઈટરની નોકરી કરી 15 રૂપિયા કમાતા, આજે 65 લોકોને આપે છે રોજગારી

કઈક કરી ગુજરવાની ભાવના લોકોને ક્યાથી ક્યા પહોચાડી દે છે. આવી જ એક કહાની છે રાજસ્થાનના દુર્ગારામની જેમણે મનમાં નક્કી કર્યું કે મારે કઈક કરવું છે અને આજે તે બે કંપનીના માલિક છે. રાજસ્થાનના દુર્ગારામ ચૌધરી માત્ર 12 વર્ષની વયમાં ઘરમાં કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગયા હતા. ક્યાં જવું છે, શું કરવું છે, ક્યાં રહેવું છે, એ કંઈ જાણતા નહોતા. બસ, મનમાં એ જ હતું કે કંઈક કરવું છે. 150 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા. આજે બે કંપનીના માલિક છે, જેનું ટર્નઓવર 40 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે ખુદ જણાવી શૂન્યથી 40 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર સુધી પહોંચવાની કહાની. તો આવો જાણીએ તેમની સફળતાની કહાની.

image source

બાળપણમાં જ વિચારી લીધું હતું કે કંઈક કરવું છે

દુર્ગારામે કહ્યું કે, મારાં મા-બાપ બંને ખેતી કરતાં હતાં. બાળપણમાં જ વિચારી લીધું હતું કે કંઈક કરવું છે. રાજસ્થાનથી ઘણા લોકો બિઝનેસ માટે સાઉથ જતા હતા. એ લોકોને જોઈને એક દિવસ ઘરમાં કોઈને કહ્યા વિના હું પણ અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયો. ખિસ્સામાં 150 રૂપિયા હતા. ટ્રેનમાં જ કેટલાક લોકો મુંબઈ જવાની વાત કરી રહ્યા હતા, તેમની વાતો સાંભળીને હું પણ મુંબઈ ચાલ્યો ગયો. 40 રૂપિયા ભાડામાં જતા રહ્યા, જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે 110 રૂપિયા મારી પાસે હતા.

image source

એક લગ્નમાં કામ કરવાના 15 રૂપિયા મળતા

આગળ તેઓ કહે છે, મુંબઈમાં શરૂઆતના 6-7 મહિના ફૂટપાથ પર જ વીત્યા. સીપી ટેન્કમાં એક મંદિર હતું, ત્યાં જે પ્રસાદ વહેંચાતો હતા એનાથી જ પેટ ભરતો હતો. મંદિરની નજીક આર્યસમાજનો હોલ હતો, જ્યાં લગ્નો થતાં હતાં. ત્યાં વેઈટરનું કામ શરૂ કરી દીધું. એક લગ્નમાં કામ કરવાના 15 રૂપિયા મળતા હતા. અનેક દિવસો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. આર્યસમાજ હોલની પાસે જ એક દુકાનદાર હતા. તેમણે મારી નાની વય જોઈને મને એક ઘરમાં હાઉસબોયનું કામ અપાવી દીધું. અઢી વર્ષ ત્યાં કામ કર્યું. ખાવાનું બનાવવું અને ઘર સાચવવાનું શીખી ગયો. એના પછી ત્યાંથી એક ડોક્ટરના ઘરે એ જ કામ કરવા લાગ્યો.

image source

બે મહિના પછી એ દુકાન પણ બંધ થઈ

જો કે‘મનમાં હંમેશાં ચાલતું હતું કે ગામના સૌને ખબર પડશે કે મુંબઈ આવીને રસોઈ બનાવું છું તો કોઈ ઈજ્જત નહીં કરે તેથી રસોઈ તો બનાવવી નથી. રસોઈ બનાવવાનું છોડીને એક ઈલેક્ટ્રિશિયનની દુકાન પર કામ કરવા લાગ્યો. હેતુ કામ શીખવાનો હતો, પરંતુ બે મહિના પછી એ દુકાન બંધ થઈ ગઈ. જે બિલ્ડિંગમાં એ દુકાન હતી, ત્યાં એ સમયે વિનસ કંપનીના માલિક ગણેશ જૈન રહેતા હતા. તેઓ રાજસ્થાનના જ હતા. મેડમ સાથે થોડી ઓળખાણ થઈ હતી તો તેમણે પોતાના ઘરે કામ પર રાખ્યો. ત્યાં ફરી રસોઈ બનાવવા લાગ્યો. એક દિવસ તેમને મેં કહ્યું કે સર, હું રસોઈ બનાવવાનું કામ કરવા માગતો નથી. હું કંઈક શીખવા માગું છું.

image source

ફૂટપાથ પર કેસેટ વેચતો

મારી ધગસ જોઈને તો તેમણે મને પોતાની કંપનીમાં કેસેટ પેકિંગનું કામ આપી દીધું અને કહ્યું કે ત્યાં મારા માટે ખાવાનું પણ બનાવજે અને કામ પણ શીખજે. દોઢ વર્ષ સુધી ત્યાં જ કામ કરતો રહ્યો. થોડા પૈસા ભેગા કર્યા હતા તો નવું કામ શોધવાનું વિચારીને 1996માં એ કામ છોડી દીધું. દુર્ગારામે કહ્યું, વિનસમાં કામ કરનારી એક મેડમ ટી-સિરીઝમાં કામ કરવા લાગી હતી. તેમના રેફરન્સથી મને પણ ટી-સિરીઝમાં કામ મળી ગયું. મને કેસેટના માર્કેટનો ખ્યાલ આવ્યો. કામ કઈ રીતે થાય છે, એ જોયું. નોકરી કરતાં જ ખ્યાલ આવ્યો કે જોબની સાથે જ હું ખુદ પણ માર્કેટથી કેસેટ ખરીદીને બહાર વેચી શકું છું. મેં નોકરી પછીના સમયમાં કેસેટ વેચવાનું શરૂ કરી દીધું. દરરોજ માર્કેટમાં જતો.10-12 કેસેટ ખરીદતો અને એને ફૂટપાથ પર વેચતો હતો. આ નોકરીની સાથે ચાલતું રહ્યું. એક કેસેટ પર દસથી પંદર રૂપિયા સુધીનું કમિશન મળી જતું હતું.

image source

મને રિલાયન્સમાં કામ મળી ગયું

દુર્ગારામે આગળ કહ્યું, આ રીતે રોજના દોઢસો-બસો રૂપિયા સેલરી ઉપરાંત મળવા લાગ્યા. થોડા મહિના પછી એક નાની દુકાન પણ ભાડા પર લીધી. પછી ત્યાંથી કેસેટ વેચવા લાગ્યો. ઘરેથી નીકળ્યાનાં 9 વર્ષ પછી 2000માં ઘરના લોકો સાથે વાત થઈ અને તેમને જણાવ્યું કે હું મુંબઈમાં છું અને નોકરી કરી રહ્યો છું. 2002માં મેં ટી-સિરીઝ છોડી દીધી, કેમ કે એ સમયે રિલાયન્સ કમ્યુનિકેશન શરૂ થઈ રહી હતી. તેમને એવા લોકો જોઈતા હતા, જેઓ ઈન્ડસ્ટ્રીની સમજ ધરાવતા હોય, પ્રોડ્યુસરની સાથે કો-ઓર્ડિનેટ કરી શકે. ટી-સિરીઝમાં કામ કરતાં કરતાં મારે ઘણા પ્રોડ્યુસર, એક્ટર-એક્ટ્રેસ સાથે રિલેશન બન્યા હતા. બધાની ઓફિસે જવાનું થતું હતું, તેથી મને રિલાયન્સમાં કામ મળી ગયું.

એક ગીત લાખોમાં ડાઉનલોડ થતું હતું

રિલાયન્સની નોકરી સાથે જ 2004 સુધી મારી બે કેસટની દુકાનો બની ગઈ હતી. 2005માં રિંગટોન અને કોલર ટ્યૂનનો ટ્રેન્ડ આવ્યો. એક ગીત લાખોમાં ડાઉનલોડ થતું હતું, પરંતુ બધા ગીતો બોલિવૂડનાં રહેતાં હતાં. હું ગુજરાતી, રાજસ્થાની, ભોજપુરી ગીતોની કેસેટ વર્ષોથી વેચી રહ્યો હતો અને મેં જોયું કે એની કેસેટ બોલિવૂડનાં ગીતોથી પણ વધુ વેચાય છે. મગજમાં આવ્યું કે જ્યારે બોલિવૂડનાં ગીતો આટલાં ડાઉનલોડ થાય છે તો પ્રાદેશિકનાં કેટલાં થશે. જે લોકો પાસેથી કેસેટ લેતો હતો તેમને કહેવાનું શરૂ કર્યું કે મને તમે ગીત આપો, હું તમને ડિજિટલમાં કન્વર્ટ કરાવી આપીશ. આ ગીતો ફોન પર પ્લે થશે. અનેક દિવસો સુધી કોઈએ રિસ્પોન્સ ન આપ્યો.

image source

20 લાખ રૂપિયા રોયલ્ટી મળી

આગળ તેઓ કહે છે કે, 2006માં એક ગુજરાતી ગીત આવ્યું, જે ખૂબ હિટ થયું હતું. હું એને તૈયાર કરનારી કંપનીને શોધતાં શોધતાં મહેસાણા સુધી પહોંચી ગયો. તેમણે સમજાવ્યું કે આ ગીતના રાઈટ્સ તમે મને આપો. અમે એને ડિજિટલમાં લઈ જઈશું. લાભ થાય કે ન થાય પણ નુકસાન કંઈ નહીં થાય. તેઓ તૈયાર થઈ ગયા. હવે મુશ્કેલી એ હતી કે હું નોકરી કરી રહ્યો હતો, તેથી તેમની સાથે એગ્રીમેન્ટ કરી શકતો નહોતો. મેં હંગામા કંપનીમાં વાત કરી. ત્યાં મારા કેટલાક મિત્રો હતા. તેમના દ્વારા ગુજરાતની કંપની સાથે એગ્રીમેન્ટ કર્યો. એ લોકો પણ રીજનલ ગીત અપલોડ કરવા માટે તૈયાર નહોતા. તેઓ ખૂબ વિનંતી પછી માન્યા. દોઢ વર્ષમાં જ એ ગીતને 3 લાખ 75 હજાર વખત ડાઉનલોડ કરવામાં આવ્યું. આ ડીલમાં મેં 20 લાખ રૂપિયા રોયલ્ટીની કમાણી કરી. 20 લાખ રૂપિયા ગુજરાતની કંપનીએ અપાવ્યા અને 30 ટકા કમિશન હંગામા કંપનીને મળ્યું.

image source

મેં નોકરી છોડી દીધી અને પોતાની કંપની શરૂ કરી.ૉ

આગળ દુર્ગારામ કહે છે, બસ, એ પછી હંગામાએ મારી તમામ કન્ટેન્ટ અપલોડ કરવાનું શરૂ કરી દીધું. થોડા દિવસ પછી તેમણે મને નોકરી પણ ઓફર કરી. મેં કહ્યું કે નોકરી એ શરતે જ કરીશ કે રાજસ્થાન, ગુજરાતનું જે મારૂં કામ છે એ મારી પાસે જ રહેશે. તેઓ માની ગયા. જે પણ ગીત હિટ થતું એને હું કંપની સુધી પહોંચાડતો હતો. એની સાથે વાત કરીને ગીતને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવતો હતો. આ બધું કરતાં કરતાં 2012 આવી ગયું. યુટ્યૂબનો જમાનો આવી ગયો હતો. હંગામાવાળા યુટ્યૂબ પર જવા માટે ખૂબ ઉત્સાહિત નહોતા તો મેં નોકરી છોડી દીધી અને પોતાની કંપની શરૂ કરી.

image source

રીજનલ કન્ટેન્ટ અમે યુટ્યૂબ પર લાવ્યા

જો કે નોકરી છોડ્યા પછી મારે ફરી ઝીરોથી શરૂઆત કરવી પડી, કેમ કે રીજનલના મારા જેટલા પાર્ટનર હતા એ તમામને હંગામા સાથે જોડી ચૂક્યો હતો. ફરી એ કંપનીઓના માલિકોને મળ્યો. તેમને સમજાવ્યું કે મેં મારી કંપની શરૂ કરી છે. આપ તમારું કન્ટેન્ટ આપો, અમે યુટ્યૂબ પર લાવીશું. બધાએ મને સપોર્ટ આપ્યો. રીજનલ કન્ટેન્ટ ઝડપથી અમે યુટ્યૂબ પર લાવ્યા. રાજસ્થાનની અનેક નાની કંપનીઓને અમે એક્વાયર કરી. કોલકાતા, આસામ, ઓડિશા પણ પહોંચ્યા. ત્યાંના રીજનલ ગીતોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવ્યાં. 2017માં એનિમેશન ફર્મ પણ આ કામ સાથે શરૂ કરી દીધી. આજે મારી પાસે 65 કર્મચારી છે અને બંને કંપનીઓનું મળીને ટર્નઓવર 40 કરોડથી વધુ છે. આજે દુર્ગારામ ચૌધરીની આ કહાની ઘણા લોકો માટે પ્રેરણ શ્રોત છે. જે લોકો એમ માનતા હોય કે મારી પાસે કોઈ સાધન સંપત્તિ નથી તેમને નવી રાહ બતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.