પોરબંદરમાં ભારે વરસાદ, નાળમાં ખાબકી ST બસ, આ સાથે જાણો વરસાદને લઇને શું છે પરિસ્થિતિ

રાજ્યભરમાં વરસાદને લઈને આવનારા 48 કલાક ગુજરાત માટે મુશ્કેલ છે, એવી આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. જો કે કચ્છ પર અત્યારે વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. તેમજ સમુદ્રમાં પણ હાલ સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે. આ બંને પ્રક્રિયા એક સાથે સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

image source

બસ રોડની બાજુમાં ભરાયેલા પાણીમાં ઉતરી ગઈ

image source

હવામાન ખાતાની આગાહી મુજબ પોરબંદરમાં પણ ભારે વરસાદ થવાથી ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. આ પાણીમાં બસ ફસાઈ જતા, સવાર લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જો કે બસમાં સવાર મુસાફરોને કોઈ પણ નુકશાન વગર બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના પોરબંદરના રાણાવાવ હાઈ-વે નજીકની છે. અહી રાણાવાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર સ્થિતિમાં આવી ગયા હતા. એવા સમયે બસ રોડની બાજુમાં ભરાયેલા પાણીમાં ઉતરી ગઈ હતી. આ ઘટનાથી બસમાં સવાર લોકો ગભરાઈ ગયા હતા, પણ બાદમાં બધાયને સુરક્ષિત રૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી

image source

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 8 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. આ વરસાદ પવન સાથે પણ હોઈ શકવાની શક્યતાને લઈ તંત્ર પણ અલર્ટ પર રખાયા છે. જો કે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીને લઈને દરિયા ખેડૂઓને પણ સુચના આપી દેવામાં આવી છે કારણ કે દરિયા કિનારા પર અતિભારે વરસાદ થઇ શકે છે.

હર્ષદ-મિયાણીમાં મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો

image source

રાજ્યમાં વરસાદની આગાહીને લઈને પોરબંદરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો થયો છે. હર્ષદ-મિયાણીમાં મેંઢાક્રીક ડેમ ઓવરફ્લો થતા એના નજીકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ રહી છે. તેમજ પોરબંદરના બરડા પંથકમાં ગત રાત્રિએ પડેલા વરસાદના કારણે નદીઓમાં પણ પાણીની ભરપુર આવક થઇ હતી. વર્તુ નદીમાં નવા નીરની આવકથી નદી પણ છલકાઈ હતી. જો કે આ નદીના પાણી આસપાસના 10 ગામમાં સિંચાઈ માટે વપરાય છે, પરિણામે વર્તુ નદીમાં થયેલા પાણીની આવકથી 10 ગામના ખેડૂતો માટે આ ખુશીની ઘટના બની રહી છે.

પોરબંદર-ખંભાળિયા હાઇવે બંધ કરાયો

image source

પોરબંદરના બરડા પંથકમાં પણ ગત રાત્રી સમયથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી શરુ થયેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, પરિણામે પાકમાં નુકશાન થવાનો ડર પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદના કારણે પોરબંદર-ખંભાળિયા વાળા હાઇવેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

વર્તુ અને મીનસર નદીમાં ઘોડાપુર, સોરઠી ડેમ ઓવરફલો

image source

ઉલ્લેખનીય છે કે પોરબંદરના બરડા પંથકમાં પણ પાછળના ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે સોરઠી ડેમમાં પણ પાણીની ભારે આવક થઇ છે. આ પાણીના વધતા પ્રવાહથી સોરઠી ડેમ ઓવરફલો થયો હતો. જો કે આ ડેમના ઓવરફલો થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. આ સાથે જ બરડા પંથકમાં ભારે વરસાદથી વર્તુ નદીમાં પણ નવા નીર ઉમેરાયા છે. જો કે પાણીમાં વધારો થતા પાણી પુલ સુધી આવી જવાથી એ રસ્તો બંધ કરી દેવાયો છે. જ્યારે મીનસર નદીમાં પણ ઘોડાપુર જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.