હવે કોરોનાથી બચવા ખાસ રાખજો આ બાબતોનુ ધ્યાન, કેસોમાં થઇ રહ્યો છે ધડાધડ વધારો

દેશમાં કોરોના કેસનો આંકડો 10 લાખને પાર – માત્ર માસ્ક કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ જ પૂરતા નથી – કોરોનાથી બચવા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. એવું નથી કે કોઈ ખાસ શહેરો કે રાજ્યોમાં જ સ્થિતિ બગડી રહી છે પણ હવે ધીમે ધીમે નાના શહેરો તેમજ ગામડાઓમાં પણ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. અને લોકો કોરોનાના પહેલાં કરતાં ક્યાંય વધારે જોખમમાં મુકાયા છે.

image source

અત્યાર સુધી ભારત સરકાર, ભારત સરકારનું આરોગ્ય ખાતુ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાથી બચવા માટે વિવિધ ઉપાયો જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ હાથને વારંવાર સાબુથી ધોવાની સલાહ આપવામા આવી હતી. અને આ બાબતે ભારતના સૌથી સામાન્યમ નાગરીકથી લઈને નામાંકિત લોકો પણ સજાગ બન્યા છે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે ભારતમાંના શહેરી વિસ્તારમાં રહેતા 4માંથી 3 લોકો માસ્ક પહેરે છે એટલે કે લગભગ 76 ટકા લોકો માસ્ક પહેરે છે. પણ તમને જણાવી દઈએ કે હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેને જોતાં ફક્ત માસ્ક પહેરવાથી જ તમને કોરોનાના સંક્રમણથી સુરક્ષા નહીં મળે. તમારે અન્ય બીજા ઉપાયોને પણ ધ્યાનમાં લેવા પડશે.

તો બીજી બાજુ સોશિયલ ડીસ્ટન્સિંગનું પણ તેવું જ છે. લોકડાઉન ચાલી રહ્યું હતું તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું સરળ હતું પણ લોકડાઉન ખુલ્યા બાદ તેમજ ધંધારોજગાર શરૂ થયા બાદ તેમજ લોકોમાં પણ કોરોનાને લઈને થોડી ગંભીરતા ઓછી થવાના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રત્યે ઓછા જાગૃત થયા છે અને ઘણી બધી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ચૂકાઈ જાય છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે.

image source

ભારતના એક જાણિતા સાયકોલોજીસ્ટ જણાવે છે કે ભારમતાં મધ્યમ તેમજ ઉચ્ચ વર્ગના લોકો દ્વારા સોશયિલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, અને ઘણા બધા સંજોગોમાં તે શક્ય પણ નથી. ઘણીવાર ઘરમાં જ બે વ્યક્તિઓ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવું પણ શક્ય નથી હોતું. કારણ કે મકાનો એટલા મોટા નથી રહ્યા કે તેમાં રહેતી વ્યક્તિઓ આટલા બધા અંતરે રહી શકે.

તેમાં કોઈ જ શંકા નથી કે ભારત જેવી ગીચ વસ્તી ધરાવતા દેશમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણા મદદગાર સાબિત થાય છે અને અત્યાર સુધી આ સાવચેતીએ ભારતની ઘણી બધી મદદ કરી છે. પણ તેટલું પુરતું નથી. પણ હવે જો તમારે કોરોનાથી બચવું હોય પોતાની જાતને સુરક્ષિત રાખવી હોય તો તમારે તમારી કેટલીક આદતોને બદલવી જોઈશે. આમ કરવાથી તમે પોતે, તમારા પરિવારજનો, તમારા પાડોશીઓ પણ સુરક્ષિત રહેશે. કોરોના વાયરસ હજુ કેટલો કહેર વર્તાવશે તે કોઈને પણ ખબર નથી માટે તમારે તમારી જાતને ભવિષ્ય માટે તૈયાર કરી લેવી જોઈએ અને કેટલીક આદતો વિકસાવવી જોઈએ.

તો ચાલો જાણીએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત તમારે કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ ?

બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળવું

image source

લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ્સ પણ શરૂ થઈ ગયા છે અને અન્ય ધંધા રોજગારો તેમજ ઓફિસો પણ ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા લોકોની એવી સ્થિતિ હોય છે કે તેઓ ઘરેથી ટીફીન લઈને આવી શકતા ન હોય જો તમને તેવી કોઈ મજબૂરી ન હોય તો તમારે બહારનું જમવાનું ટાળવું જ જોઈએ. અને ના છૂટકે જો તમારે બહાર જમવું પડે તો તમારે સામે વાળી વ્યક્તિ કે જે જમવાનું પીરસી રહી હોય તેમની પાસે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બને ત્યાં સુધી તમે રેસ્ટોરન્ટ પર જમવા જવાની જગ્યાએ તમે ફોન પર પણ ભોજન ઓર્ડર કરી શકો છો. એવી જગ્યાએ જમવા ન જવું જોઈએ જે ખૂબ ભીડભાડ વાળી હોય અથવા જે ખૂબ નાની હોય.

બને ત્યાં સુધી પ્રસંગોનું આયોજન ટાળો – અત્યંત ઓછા લોકોનો સમાવેશ કરો

image source

હાલ સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે જો તમે કોરોના વયારસના સંક્રમણથી બચવા માગતા હોવ તો તમારે બને તેટલા ઓછા લોકોના સંપર્કમાં આવવાનું છે. માટે જ ઘરમાં જો તમે કોઈ પ્રસંગ રાખવાના હોવ કે ક્યાંય પણ કોઈ પ્રસંગ રાખવાના હોવ તો ખૂબજ ઓછા લોકોને આમંત્રણ આપો. અને બને ત્યાં સુધી પ્રસંગનું આયોજન ટાળવાનુ રાખો.

ચોક્કસ આ એક મોટો સમયગાળો છે. તમારા ઘરમાં ઘણા બધાના જન્મ દિવસ આવતા હશે, લગ્ન પણ આવતા હશે, સીમંત હશે, નામકરણની વિધિ પણ કરવાની હશે પણ આ બધાને તમારે ખૂબ જ મર્યાદીત લોકોની હાજરીમાં કરવાનું છે. જો કે ઘણા લોકોને સમાજનું દબાણ પણ આમ કરતા અટકાવી શકે છે. પણ હાલ તમારે તમારા તેમજ તમારા પરિવારના સ્વાસ્થ્યનો વિચાર કરવાનો છે.

જો ના છૂટકે તમારે પ્રસંગનું આયોજન કરવું જ પડે અને કેટલાક લોકોને તમારે આમંત્રણ આપવું જ પડે તેમ હોય તો તમે પ્રસંગની ઉજવણી કોઈ મોટી જગ્યામાં કરી શકો છો જેથી કરીને મહેમાનો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય. અથવા તો મહેમાનોને જુદા જુદા સમયે પણ બોલાવી શકાય જેથી કરીને એકસાથે ટોળા ન થાય. તેવી જ રીતે આવા પ્રસંગોમાં બને ત્યાં સુધી જવાનું પણ તમારે ટાળવું જોઈએ.

ફીટનેસનું રાખો ખાસ ધ્યાન – યોગ્ય આહાર અને વ્યાયામની આદત પાડો

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે હાલ જો કોઈ બાબત કોરોનાને માત આપી શકે તેમ હોય તો તે છે આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ જેને ઇમ્યુનિટિ પણ કહેવાય છે. અને આપણું શરીર જો ફીટ રહેશે તો જ આપણા શરીરની ઇમ્યુનિટિ મજબુત બનશે. તેના માટે તમારે યોગ્ય ખોરાક તેમજ યોગ્ય વ્યાયામની આદત પાડવાની રહેશે.

ઘણા લોકો વર્કાઉટ માટે તેમજ ચાલવા માટે પાર્ક તેમજ જીમમાં જતા હતા જે હાલ બંધ છે. પણ તેનો અર્થ એ નથી થતો કે તમે ઘરે રહીંને તમારા શરીરને ફીટ ન રાખી શકો. જો તમારા શરીરને તમે વ્યાયમ નહીં આપો તો તેનામાં રહેલી એનર્જી ઘટશે, માટે તમારે ઘરે રહીને પણ તમારું વર્કાઉટ ચાલુ જ રાખવાનું છે જેની તમે તમારા જીમ ટ્રેનર કે પછી યોગા ટીચર પાસેથી ફોન પર કે ઓનલાઈન ટીપ્સ પણ લઈ શકો છો.

તમે યોગાસન પણ કરી શકો છો. જો કે યોગ નિષ્ણાતો ઓનલાઈન યોગને માન્યતા નથી આપતા હોતા. માટે જો તમે પહેલેથી જ યોગાસનો જાણતા હોવ તો જ તમારે તે કરવા જોઈએ. કારણ કે તેને ખોટી રીતે કરવાથી તમારા શરીરને નુકસાન પણ થઈ શકે છે.

પોતાનું કામ જાતે જ કરવાની ટેવ વિકસાવો

લોકડાઉન દરમિયાન જે જે ઘરોમા હાઉસ હેલ્પ આવતી હતી તે બધી જ બંધ થઈ ગઈ હતી અને તે વખતે પરિવારના લોકોએ સાથે મળીને આખાએ ઘરના કામનો બોજો ઉઠાવી લીધો હતો. જો કે હવે લોકડાઉન ખુલ્યા બાદ ફરી પાછા ઘરઘાટી કામ કરવા આવી ગયા છે. અને ગૃહિણીઓ પરથી કામનો બોજો થોડો હળવો થયો છે. પણ તેમ છતાં તમારે કેટલાક કામ તમારી જાતે જ કરવાની ટેવ રાખવી જોઈએ.

જો વર્ક ફ્રોમ હોમ થતું હોય તો તેથી ઉત્તમ કશું જ નથી

image source

જો તમારું કામ એવું હોય કે તમે ઓનલાઈન, કમ્પ્યુટર પર બેઠા બેઠા કે ફોન પર મિટિંગો કરીને કરી શકતા હોવ તો તમારે આવા સંજોગોમાં વર્કફ્રોમ હોમ પર જ પસંદગી ઉતારવી જોઈએ. ચોક્કસ તમને એવું લાગતુ હશે કે તમે ઓફિસ જેટલી એફિશિયન્સિથી ઘરમાં કામ નથી કરી શકતાં પણ તમારે ઘરમાં જ એક જગ્યાએ તમારી નાનકડી ઓફિસ ઉભી કરી દેવી જોઈએ અને તમારી જાતને એકાગ્રતાથી કામ કરવાની ટેવ પાડવી પડશે.

તમારા ગેજેટ્સની જાળવણી રાખો

image source

હાલ એવા સંજોગો છે કે તમે મહદઅંશે તમારા ગેજેટ્સ પર જ નિર્ભર છો. જેમ કે તમારું લેપટોપ, તમારો મોબાઈલ, તમારું કમ્પ્યુટર, તમારું આઈપેડ. માટે આ બધી જ વસ્તુની તમારે સાચવણી કવરાની છે. જો તમારું ગેજેટ બગડી ગયું હોય તો બને ત્યાં સુધી તેને રીપેર કરાવવાનું રાખો. અને ના છૂટકે જો તમારે નવી ખરીદી કરવી પડે તો તે બાબતે પહેલાં તમારે કેટલુંક સંશોધન કરી લેવું જોઈએ.

ઓનલાઈન શોપિંગની આદત પાડો – અને ડિજિટલ વર્લ્ડની સમજ વિકસાવો

image source

કોરોના કાળમાં સૌથી વધારે જરૂરી એ છે કે તમે ઘરે જ રહો. અને તમારા પક્ષે એ વાત છે કે તમે હવે આધુનિક ટેક્નોલોજીની મદદથી ઘરમાં રહ્યા રહ્યા જ લગભગ બધી જ ખરીદી કરી શકો છો. ઓન લાઈન નાણા ચૂકવી શકો છો. અને તમને મનગમતી વસ્તુ તમારા ઘરે આવી જાય છે.

કેશ પેમેન્ટની જગ્યાએ ડીજીટલ પેમેન્ટને અપનાવો. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કોરોના વાયરસના કણો કોઈ વસ્તુ પર પણ હોઈ શકે છે અને તે વસ્તુને અડવાથી પણ કોરોના વાયરસનું સંક્રમણ થઈ શકે છે. અને આ વસ્તુઓમાં કેશ એટલે કે રોકડનો પણ સમાવેશ થાય છે. માટે તમારે કેશ પેમેન્ટની જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ જ કરવું જોઈએ.

ઓછા લોકોના સંપર્કમાં આવો

સામાજિક અંતર કોરોનાની મહામારીમાં તમને ચોક્કસ મદદ કરશે. કારણ કે આ માનવથી માનવમાં ફેલાતો રોગચાળો છે. તેમાં પણ જો તમને તમારી જાતને બીમાર અનુભવતા હોવ ત્યારે તો તમારે લોકોના સંપર્કમાં આવવું જ ન જોઈએ. કે તમારે ઘરની બહાર પણ ન જવું જોઈએ. તેમજ સામે વાળી વ્યક્તિને પણ તમારાથી અંતર જાળવાનું કહેવું જોઈએ.

પરિવાર સાથે સમય પસાર કરી મનને પ્રફુલ્લિત રાખો

image source

આપણે બધા જ હવે વિકેન્ડની ઉજવણીથી ટેવાઈ ગયા છીએ. મોટા શહેરમાં લગભગ મોટા ભાગના લોકો શનિ-રવિ બહાર જમવાનું, બહાર ફરવા જવાનું, ફ્રેન્ડ્સને મળવાનું એન્જોય કરવાનું પસંદ કરતા હોઈ છીએ. પણ હાલ કોરોના કાળમાં આ બધી જ મજા દબાઈ ગઈ છે. અને જરૂર વગર તમે બહાર પણ નથી નીકળી શકતાં. તો આવા સંજોગોમાં તમારા માટે પ્રસન્ન રહેવાનો એકમાત્ર સહારો તમારું કુટુંબ છે. અને આ એક અવસર પણ છે તમારા કટુંબ સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવાનો.
એવું પણ બને કે તમારી વચ્ચે ઝઘડા પણ થાય પણ તે માટે તમારે તમારી જાતને તમારે માનસિક રીતે તૈયાર કરવી પડશે. પણ બીજી બાજુ તમને તમારી સાથે રહેતી વ્યક્તિની એક નવી બાજુ જાણવાનો પણ મોકો મળશે. આવા સમયે તમને તમારા માતાપિતા તેમજ તમારા જીવન સાથીની ઓર વધારે નજીક આવવાનો અવસર મળશે જે તમારે જરા પણ ચૂકવો ન જોઈએ. જોકે આ બધા વચ્ચે તમારે તમારા માટે પણ થોડો સમય કાઢી જ લેવો જોઈએ.

તમારા બીન જરૂરી ખર્ચાઓ પર અંકુશ મુકો

image source

આ લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકોને સમજાઈ ગયું છે કે તેમની મૂળભૂત જરૂરિયાતો શું છે અને તેને પાછળ કેટલો ખર્ચો થાય છે. અને તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો પાછળ ખર્ચાતા રૂપિયા કરતાં બીનજરૂરી વસ્તુઓ પાછળ ક્યાંય વધારે ખર્ચો કરે છે.

હાલ એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે માત્ર ભારતમાં જ નહીં પણ આખા જગતના મોટા ભાગના દેશોમાં મંદી આવી ગઈ છે. ઘણા બધા લોકોની નોકરીઓ પણ જતી રહી છે. અને કેટલાક કુટુંબો તો આજે માત્ર પોતાની બચત પર જ નભી રહ્યા છે. તમારે હાલ તમારા ખર્ચાઓને માત્ર તમારા સ્વસ્થ ખોરાક તેમજ તમારી મેડિકલ પોલીસી પાછળ જ ખર્ચવા જોઈએ. બાકીની બચત તમને આગળ જતાં કટોકટીના સમયે મદદરૂપ સાબિત થઈ શકે છે.

ડીજીટલ – ઓનલાઈન એજ્યુકેશનની આદત પાડવી પડશે

image source

શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસિસ એવી જગ્યા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. એવરેજ ટ્યુશન ક્લાસિસમાં એક સમયે ઓછામાં ઓછા 100-150 વિદ્યાર્થીઓ હાજર રહેતા હોય છે. તેવી જ રીતે એક શાળામાં પણ ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓ હાજર રહેતા હોય છે અને માટે જ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું શક્ય નથી અને માટે જ હાલ સરકાર શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસિસ ખોલવા વિષે વિચારી પણ નથી રહી.

પણ બીજી બાજુ બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે જેના વિકલ્પ રૂપે ઓનલાઇન સ્ટડીની શરૂઆત શાળાઓ દ્વારા કરવામાં આવી છે. પણ તે બાબતે ઘણા બધા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ ફરિયાદ રહે છે. જેમ કે બાળકોની આંખોને નુકસાન થવું, તેઓ શાળા જેટલી ગંભીરતાથી ઓનલાઈન અભ્યાસ ન કરતા હોય. પણ હાલ સ્થિતિ એવી છે કે આપણે ડીજીટલ એજ્યુકેશનને અપનાવવું જ પડશે અને ગંભીરતા કેળવવી પણ પડશે જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span