બાળકોને સુતી વખતે વાર્તા સંભળાવવાના લાભ જાણીને તમે પણ આજથી જ શરૂ કરી દેશો આ પ્રયોગ
બાળકોને વાર્તા સંભળાવવાની સદીઓ જુની પ્રથા છે. આપણે પણ આપણા બાળપણમાં વાર્તાઓ સાંભળતા હતા અને ક્યારેક તો વાર્તા સાંભળ્યા વગર ઉંઘ પણ નહોતી આવતી. વાર્તાની દુનિયા બાળકોને તેમની પોતાની લાગે છે. બીરબલ, રામાયણ, મહાભારત, મુલ્લા નશરુદ્દીન, વિક્રમવેતાળની વાતોથી બાળકોને વિવિધ શીખ પણ મળે છે.

માત્ર બાળકો જ નહીં પણ મોટાઓને પણ આ વાર્તાઓમાંથી નવું શીખવા મળે છે, જો કે હવે સમય બદલાઈ ગયો છે અને હવે બાળકોને વાર્તાઓ સાંભળવા કરતાં સ્માર્ટફોન તેમજ ટેબલેટ પર ચોંટ્યા રહેવાનું વધારે પસંદ છે. તમને જણાવી દઈ કે બાળકોની ગેઝેટ કરતાં વાર્તા સાંભળવાની આદત ક્યાંય વધારે લાભપ્રદ છે. તો આજે અમે તમને બાળકોને વાર્તાઓ સાંભળવાથી થતાં લાભો વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ.
ભાષા પર પકડ

આજે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે બીજી ભાષા તો છોડો પણ બાળકો પોતાની માતૃભાષા પણ સારી રીતે નથી બોલી શકતા. બાળકો પાસે સાવજ મર્યાદિત વોકેબુલરી રહી છે એટલે કે તેઓ ખૂબ જ ઓછા શબ્દોનું જ્ઞાન ધરાવે છે. પણ વાર્તાઓ વાંચવાથી તેમજ વાર્તાઓ સાંભળવાથી તેઓની ભાષા પરની પકડ વધે છે તેમજ તેમનું શબ્દભંડોળ પણ વધે છે. જો તમારું બાળક હજુ નાનું હોય તો તમારે તેને વાર્તા બોલીને કે વાંચીને સંભળાવવી જોઈએ. તમારા બાળકો માટે શિક્ષાની આ પહેલી સીડી સાબિત થશે. વાર્તાઓથી બાળકોની ભાષા પ્રત્યે કુશળતા વધે છે. તેમની વસ્તુઓને સમજવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.
ભાવનાત્મક પાસુ

વાર્તા સાંભળતી વખતે બાળક પોતાને કહાનીના પાત્ર સ્વરૂપે જોવા લાગે છે. તેનાથી તેમને અલગ અલગ લાગણીઓ અનુભવવામાં મદદ મળે છે અને બીજાની લાગણીઓ સમજવામાં પણ મદદ મળે છે. વાર્તા સાંભળનારા બાળક વધારે સારા મનુષ્ય બની શકે છે અને તેઓ લાગણીશીલ સ્થિતિઓ વધારે સારી રીતે સંભાળી શકે છે. એવું કહેવાય છે કે વાર્તા સાંભળવાથી બાળકોની લાગણી મજબૂત બને છે.
કલ્પના શક્તિ વધે છે

તમારું બાળક જ્યારે ટીવીમાં કાર્ટુન કે મૂવિ વીગેરે જોતું હોય ત્યારે તેણે માત્ર તેને જોવાનું જ હોય છે કલ્પના તો ટીવીવાળાએ જ તૈયાર કરી લીધી હોય છે. પણ જ્યારે તમારું બાળક તમારા મોઢે વાર્તા સાંભળે અથવા પોતાની જાતે વાંચે ત્યારે તે પોતાની કલ્પનામાં આખી વાર્તાને જીવંત બનાવે છે. અને આ રીતે તેઓ ઓર વધારે રચનાત્મક બને છે. તેમની વિચારવાની ક્ષમતા સામાન્ય બાળકો કરતાં પણ વધારે સારી હોય છે.
બીજાની વાતો સાંભળવાનો ગુણ

આજે ઘણા લોકો એવા છે જેઓ પોતાની વાત તો રજૂ કરવામાં ઉસ્તાદ છે પણ તે લોકો બીજાની વાતો સાંભળવા જેટલી ધીરજ નથી ધરાવતા. માટે જ આજે આ ગુણ જે વ્યક્તિમાં હોય તેને સદગુણી કેહવાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાર્તા સાંભળવાથી બાળકોની સાંભળવાની ક્ષમતા અને ઇચ્છામાં સુધારો આવે છે. વાર્તા સાંભળનારા બાળકો સારા શ્રોતા બને છે.
સંસ્કૃતિ વિષે જાણવાનો અવસર

બોધ પાઠ આપતી આપણી વાર્તાઓ અને ઇતિહાસ સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળવાથી બાળકોને પોતાની સંસ્કૃતિ વિષે જાણવાનો અવસર મળે છે. દાદા-દાદી દ્વારા પોતાના સમયે સંભળાવવામાં આવતી વાર્તાઓ બાળકોને ખબર પડે છે અને તે સમયે બધું કેવું હતું, તેઓ કેવી રીતે રહેતા હતા, કામ કરતા હતા તે વિષે જાણવાનો તેમને મોકો મળે છે. ઇતિહાસ વાંચવો સામાન્ય રીતે બોરિંગ લાગે પણ જ્યારે તેમને વાર્તામાં પરોવીને કેહવામાં આવે ત્યારે બાળકો માટે તે રસપ્રદ બની જાય છે અને આ રીતે તેઓ આપણો ઇતિહાસ પણ જાણે છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારા બાળકો હોંશિયાર બને, સમજુ બને તો રોજ માત્ર અરધો પોણો કલાક કાઢીને તમારા બાળકોને સુતી વખતે સુંદર વાર્તા સંભળાવો. આમ કરવાથી તમારા અને તમારા બાળક વચ્ચેનુ એટેચમેન્ટ પણ વધશે. આમ કરવાથી માત્ર બાળકોને જ નહીં પણ તમને પણ લાભ થાય છે. તમને તમારા બાળકો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે અને તેનાથી તમારા બન્ને વચ્ચેનો સંબંધ પણ મજબૂત બનશે. તમે તેને વધારે સારી રીતે જાણી શકશો તે તમને વધારે સારી રીતે જાણી શકશે. તો પછી આજથી જ રાત્રે સુતી વખતે મોબાઈલ નહીં પણ એક વાર્તાનું પુસ્તક પકડો અને બાળકોને વાંચી સંભળાવો, આમ કરવાથી તમને અને તમારા બાળક બન્નેને ઉંઘ પણ સારી આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.