આરતીએ સુશાંતને કહ્યો ઓલ રાઉન્ડર, શું તમને ખબર છે કોણ છે આ આરતી?
સુશાંતના સ્કુલના મિત્રે આજે પણ આ નિશાની સાચવી રાખી છે, એણે સુશાંતને ઓલ રાઉન્ડર કહ્યો
બોલીવુડની હાલમાં સૌથી વધુ ચર્ચાતી કોઈ વાત હોય તો એ છે બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા. જો કે આ વાતને હવે અઠવાડિયું થઇ રહ્યું છે. આ ન્યુઝ સાંભળીને એમના ચાહકો, પરિવાર અમે મિત્રોના માથે તો આભ ફાટી પડ્યું હતું. હવે જ્યારે સુશાંત પોતાની યાદોને મુકીને વિદા થઇ ગયા છે, ત્યારે સુશાંતની આસપાસના લોકોને એમની સાથે વિતાવેલા કિસ્સા યાદ આવી રહ્યા છે. આ કિસ્સાઓ સુશાંતના ફેન્સને પણ ભાવુક કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુશાંત સાથે સ્કૂલમાં ભણેલી અને તેની નજીકની મિત્ર રહેલી આરતી બત્રાએ દિવંગત અભિનેતા વિશે અજાણી વાતો શેર કરી છે. આ દરમિયાન એમણે સુશાંત સાથે સ્કૂલમાં વિતાવેલી ક્ષણોને વાગોળી હતી.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂનો શરૂઆતી અભ્યાસ પટનાની સેન્ટ કરન હાઈસ્કૂલમાં થયો હતો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ 2001માં દિલ્હી આવ્યા હતા. આ સમય દરમિયાન દિલ્હીની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેતા પહેલા સુશાંતે કુલાચી હંસરાજ મોડલ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હતો. આ સમયે સુશાંત સ્કૂલમાં જ ભણતી આરતીના મિત્ર બન્યા હતા.
સુશાંત એક સંપૂર્ણ પેકેજ હતો : આરતી બત્રા

આરતીએ સુશાંતની સાથેની યાદો અંગે જણાવતા કહ્યું હતું કે, “હું સુશાંતને પહેલીવાર 11મા ધોરણમાં મળી હતી. તે ક્લાસમાં નવો હતો અને તેના માટે બધું જ નવું હતું. ધીરે-ધીરે અમે મિત્રો બન્યા. જો કે તે ખૂબ જ રસપ્રદ વ્યક્તિ હતો. હું ભણવા બાબતે ઘણી સીરિયસ હતી, પરંતુ તે બધું જ હળવાશમાં લેતો હતો. એવું નહોતું કે તે શિક્ષણને અવગણતો હતો, પણ તે માત્ર સ્ટ્રેસ નહોતો લેતો. સુશાંત એક સંપૂર્ણ પેકેજ હતો. ભણવામાં હોંશિયાર, સ્કૂલમાં મસ્તી પણ કરતો હતો. શિક્ષકો પણ સુશાંતને ખૂબ જ પસંદ કરતા હતા. ઈનશોર્ટ તે ઓલ-રાઉન્ડર હતો.”
એમણે લખ્યું હતું : ‘લોટ્સ ઓફ લવ, સુશાંત’

સ્કૂલના છેલ્લા દિવસોને યાદ કરતા આરતી સુશાંત સાથે જોડાયેલ એક કિસ્સો જણાવ્યો હતો. આરતીએ આગળ ઉમેર્યું હતું કે, “એ દિવસ અમારો ફેરવેલ દિવસ હતો, મને એ સમયે દુઃખ થતું હતું. મને તો આજે પણ યાદ છે કે, અમારી સ્કૂલમાં એન્જિનિયરિંગ કોચિંગ સેન્ટરના લોકો પણ આવ્યા હતા. તેઓ બ્રાઉન રંગના પરબીડિયામાં સેંપલ પેપર આપતા હતા. સુશાંત મારી બાજુમાં જ બેઠો હતો. તેણે મારી સામે જોયું અને પછી મારા હાથમાંથી કાગળ લઈને લખ્યું, ‘લોટ્સ ઓફ લવ, સુશાંત’.

જો કે આમ કરવાના કારણે મેં એના પર ગુસ્સો કર્યો, કારણ કે એણે મારું પરબીડિયું લખીને બગાડયું હતું. મેં એને મારું પરબીડિયું લઈને પોતાનું કોરું પરબીડિયું આપવાનું કહ્યું ત્યારે એણે જવાબમાં કહ્યું હતું કે, ‘રાખી લે, પછી કદાચ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ન મળી શકે એવુય બની શકે.’ જો કે એણે હવે આ વાતને સાબિત કરી દીધી. પોતાના સપના પૂરા કરવા માટે એણે પોતાનો જીવ રેડી દીધો હતો, અને આ બાબતે મને એના પર ગર્વ છે. મારી પાસે આજે પણ સુશાંતે આપેલ બ્રાઉન પરબીડિયું છે.”
સુશાંત મિત્રોની ખૂબ જ કાળજી લેતો હતો

આરતી વધુમાં કહ્યું હતું કે, “સુશાંત એમના મિત્રોની ખૂબ જ કાળજી લેતો હતો. મને યાદ છે કે જ્યારે સુશાંત દિલ્હીથી ઉજ્જૈન માત્ર એટલા માટે ગયો હતો, જેથી કરીને એ ફ્રેન્ડ નવ્યા જિંદલને એટલું જણાવી શકે કે તેણે એન્જિનિયરિંગ છોડીને એન્ટરટેઈનમેન્ટ ફિલ્ડમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે મને અને નવ્યાને આ સાંભળીને ઝટકો એટલે લાગ્યો હતો, કારણ કે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું એ ત્યારે સુશાંતનું સપનું હતું.”
સુશાંત હમેશા પોઝીટીવ રહેનારો માણસ હતો

આરતી જણાવ્યું હતું કે, ‘સુશાંત અભિનેતા બન્યો એ પહેલા તે શ્યામક દાવરના ડાન્સ ગ્રુપમાં જોડાયો હતો. એકવાર જ્યારે એણે ઐશ્વર્યા રાય સાથે પર્ફોર્મ કર્યું હતું, ત્યારબાદ એની ખુશીનું ઠેકાણું જ નહોતું રહ્યું.’ જો કે સુશાંતની મિત્ર આરતીને હજી પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો અને સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યું છે. આરતીના જણાવ્યા પ્રમાણે સુશાંત હમેશા ઘણો પોઝીટીવ રહેનારો માણસ હતો.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જુનના દિવસે એમના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. જો કે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને શંકા છે કે, બોલિવુડમાં વ્યાપેલા નેપોટિઝમ અને જાણીતા પ્રોડક્શન હાઉસે આડકતરી રીતે સુશાંતને આ પગલું ભરવા મજબૂર કર્યો હતો. આ મામલે પોલીસે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, મુકેશ છાબડા અને તેના મેનેજર સહિતના અનેક લોકોના નિવેદન નોંધ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.