આ શ્રમિક બે વર્ષની દીકરી અને અંધ પત્નીને લઈને નિકળ્યો લાંબી સફર પર…
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે ત્યારે મોટા ભાગના દેશો લોકડાઉનની સ્થિતીમાં છે. દર્દીઓને સારવાર માટે તેમજ બેરોજગારોને ભોજન પુરું પાડવા માટે સરકારને નાગરીકોની આર્થિક મદદની તાતી જરૂર પડી છે. સરકારનુ પોતાનું ભંડોળ પણ વપરાઈ રહ્યુ છે. તેમજ ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ ગયા છે. કોરોનાવાયરસનો ચેપ અટકાવવાના પગલે અમલમાં આવેલા લોકડાઉનને કારણે વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોની જોવાઇ રહેલી રાહ સમાપ્ત થઈ ગઈ છે અને મજૂરોના ઘરે પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

પરંતુ લોકડાઉને ગરીબ શ્રમજીવીઓને એટલી લાચાર પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે જેની સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા આ કાળઝાળ ગરમીમાં પણ નીકળી પડ્યા છે, ત્યારે આંધળી પત્ની અને બે વર્ષની દીકરી સાથે ગોવાથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ ચાલતા નીકળી પડેલા એક શ્રમિક પરિવારની વાત ખરેખર તમને ધ્રુજાવી દે તેવી છે.
વસ્તારામ મસ્કે નામનો આ શ્રમિક ગોવાથી ૬૦૦ કિમી દૂર આવેલા પોતાના વતન તરફ જઈ રહ્યો છે. તેની સાથે અંધ પત્ની અને બે વર્ષની બાળકીની પણ તેને આખાય રસ્તામાં સંભાળ લેવાની છે. ડિસેમ્બરમાં જ ગોવા મજૂરી કરી ગુજરાન ચલાવવા આવેલો વસ્તારામ લોકડાઉન લાગુ થયુ ત્યારથી જ બેરોજગાર છે. તે પોતાના વતન જવા ચાલીને નીકળી તો પડ્યો છે, પરંતુ પરિવાર સાથે આટલો લાંબો પ્રવાસ પગપાળા કરીને નીકળેલો આ ગરીબ મજૂર ઘરે પહોંચી શકશે કે કેમ તે તેને પોતાને જ ખબર નથી.

આ લોકડાઉનને કારણે મહારાષ્ટ્રના હજારો શ્રમિકો ગોવામાં ફસાયેલા છે. તેઓ પગપાળા કરીને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. જોકે, બોર્ડર પર પોલીસ તેમને અટકાવીને પાછા મોકલી રહી છે. જેના કારણે ઘણા લોકો તો કાચા રસ્તે પણ ગમે તેમ કરી મહારાષ્ટ્રમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ, પોલીસ પણ આવા શ્રમિકોને કારણે સર્જાયેલી સ્થિતિને મેનેજ કરતાં હવે થાકી ગઇ છે. આકરી ગરમીમાં ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એક પોલીસકર્મીનું કહેવું છે કે હવે તો ગરમીને કારણે તરસ લાગીને ગળામાં લ્હાય બળે તો પણ કોરોનાનો ચેપ લાગી ગયો હશે તેવો ડર લાગે છે.

એક તરફ તેમનો રોજગાર છીનવાઈ ગયો છે તો બીજી બાજુ પેટ ભરવાની સમસ્યાએ તેમની હાલત દયનીય બનાવી દીધી છે. આ માનવીય સંકટને કારણે લાખો પ્રવાસી મજૂર ઘરે પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક અકસ્માતના શિકાર બની રહ્યા છે, તો કેટલાક લોકો ભૂખ અને થાકને કારણે જીવ ગુમાવી રહ્યા છે. પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચવા માટે કેટલાય દિવસોથી પગપાળા ચાલી રહ્યા છે, આ દુ:ખની વાત છે. તેમાંથી કેટલાય મજૂરો રોડ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવી બેઠા છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે બધા રાજ્યોએ માનવીય પગલા ભરવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.