ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ગમખ્વાર અકસ્માત, શ્રમિકો ભરેલી ટ્રક સાથે અન્ય ટ્રકની ટક્કર, 24ના દર્દનાક મોત

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં શનિવારે વહેલી સવારે 3.30 કલાકે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 24 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત અંગે જાણવા મળી રહ્યું છે કે એક ટ્રકમાં સવાર કેટલાક મજૂરો વતન પરત જઈ રહ્યા હતા તે સમયે ચૂનાથી ભરેલી અન્ય ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી.

image source

અકસ્માત વહેલી સવારે થયો હોવાથી પોલીસની ટીમને રેસ્ક્યુ કરવામાં પણ થોડી સમસ્યા થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ સ્ટાફ એકત્ર થયો હતો અને ચુનાની ગુણીઓ ખસેડી ખસેડી મૃતદેહને બહાર કાઢ્યા અને જે ઘાયલો હતા તેમને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ અકસ્માત અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 24 શ્રમિકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 20 જેટલા ઘાયલ થયા છે. આ શ્રમિકોમાંથી મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતની હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા એક શ્રમિકનું જણાવવું છે કે આ ટ્રકમાં કુલ 40 લોકો સવાર હતા.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વતન પરત ફરતાં અનેક શ્રમિકો સાથે અકસ્માતો સર્જાવાની ઘટના સતત વધી રહી છે. આ અકસ્માત અગાઉ બુધવારે મધ્ય પ્રેદશના ગુનામાં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 8 શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશના જ મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે 6 શ્રમિકોને કચડી નાખ્યા હતા. આ સિવાય બિહારમાં પણ એક અકસ્માત થયો હતો જેમાં બસ અને ટ્રકની ટક્કર થતાં 2 લોકોના મોત નીપજ્યા હતા.

image source

લોકડાઉનના એક પછી એક ત્રણ તબક્કા શરુ થતાં પરપ્રાંતિય શ્રમિકો માટે દિવસો કાઢવા મુશ્કેલ થઈ જતાં તેમની ધીરજ પણ જવાબ દઈ ચુકી હતી. તેવામાં અનેક રાજ્યોમાંથી શ્રમિકો પગપાળા જ વતન જવા નીકળી પડ્યા હતા. આ રીતે જ પગપાળા વતન જવા નીકળેલા 16 જેટલા શ્રમિકોને 8 મેના રોજ એક માલગાડીએ કચડી નાખ્યા હતા. આ શ્રમિકો રેલ્વે ટ્રેકની સાથે સાથે ચાલતા હતા અને થાકીને થોડીવાર આરામ કરવા અટક્યા તે સમયે ઊંઘમાં હોય તેવા શ્રમિકો માલગાડીની ટક્કરથી મોતને ભેટ્યા હતા.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.