ઢાબા સ્ટાઇલ વટાણા અને બટાકાનું રસાવાળું મસાલેદાર શાક…
જય શ્રીકૃષ્ણ, કેમ છો મિત્રો? આશા છે તમે અને તમારો પરિવાર સેફ હશો. આજે હું એક બહુ કોમન ગુજરાતી શાક લાવી છું જે લગભગ દરેક ઘરમાં બનતું જ હશે એ શાકનું નામ છે વટાણા બટેકાનું રસાવાળું શાક.
આ શાક પાછળ પણ એક સ્ટોરી છે. પહેલા હું પણ એકદમ સાદું વટાણા બટેકાનું શાક બનાવતી હતી જેમાં રસો એટલે કે પાણી એકતરફ જાય અને બટેકાના ફોડવા પણ અલગ થાય એટલે સમજો ને કે એ શાક ખાવામાં બહુ મજા આવતી નહીં, જ્યારે પણ એ શાક બનાવું ત્યારે ઘરમાં પણ બધાને બહુ પસંદ નહીં આવતું એટલે પછી આ શાકને એક નવીન રીતે બનાવવાનું નક્કી કર્યું. તો ચાલો આજે તમને પણ શીખવાડું એ નવીન યુનિક શાક.
આ શાક અમે એકવાર બહારગામ ફરવા ગયા હતા ત્યારે હાઇવેની એક હોટલમાં ખાધું હતું ત્યાંથી આ શાક બનાવવા માટેનો આઇડિયા આવ્યો હતો. તો મારા મિત્રો એવું કશું નથી જે હોટલ કે ઢાબાવાળા બનાવી શકે અને આપણે ના બનાવી શકીએ. તો ચાલો ફટાફટ તમને જણાવું આ સરળ રેસીપી.
સામગ્રી :
- તેલ – ચાર ચમચી
- બટાકા – 250 ગ્રામ
- વટાણા – 100 ગ્રામ
- ડુંગળી – 2 નંગ
- ટામેટાં – 2 નંગ
- રાઈ – અડધી ચમચી
- મીઠો લીંબડો – 4 થી 5 પત્તા
- હિંગ – એક ચપટી
- લાલ મરચું – દોઢ ચમચી (વધુ સ્પાઈસી પસંદ હોય તો વધારે ઉમેરી શકો)
- મીઠું – સ્વાદ અનુસાર
- હળદર – અડધી ચમચી
- ગરમ મસાલો – અડધી ચમચી
- ધાણાજીરું – અડધી ચમચી
- કસૂરી મેથી – અડધી ચમચી
શાક બનાવવાની સરળ રીત :
1. સૌથી પહેલા બટેકાને સમારી લઈશું અને તેમાં વટાણા ઉમેરીને બંનેને બરોબર ધોઈ લઈશું
2. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું
3. તેલમાં રાઈ અને મીઠો લીમડો ઉમેરવો
4. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ ઉમેરવી
5. ત્યારબાદ આ વઘારમાં જીણા સમારેલ ડુંગળી અને ટામેટાં ઉમેરવા
6. ડુંગળી અને ટામેટાં થોડા ચઢીને ગળી જાય તેવા કરવા
7. હવે આમાં બધા મસાલા ઉમેરીશું જેમાં હળદર, મરચું, ગરમમસાલો, ધાણજીરું ઉમેરો
8. બધુ બરાબર મિક્સ કરો અને તેને અડધી મિનિટ શેકાવા દો
9. હવે તેમાં ધોયેલાં બટાકા અને વટાણા ઉમેરવા અને બધુ બરોબર મિક્સ કરવું
10. હવે આમાં મીઠું ઉમેરવું
11. મીઠું બરોબર મિક્સ થઈ જાય પછી આ શાકમાં કસૂરી મેથી ઉમેરવી (કસૂરી મેથી હાથેથી થોડી મસળીને ઉમેરવી)
12. હવે તમારે શાકમાં જેટલો રસો કરવો હોય એ પ્રમાણે પાણી ઉમેરો
13. હવે કુકર બંધ કરીને 3 થી 4 સીટી થવા દેવી
14. બસ હવે તૈયાર છે વટાણા બટેકાનું ટેસ્ટી અને મસાલેદાર શાક. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.
નોંધ : જો આદું પસંદ હોય તો તમે એક નાનો ટુકડો આદું છીણીને ઉમેરી શકો.
ફરી મળીશું આવી જ કોઈ ટેસ્ટી અને બધાને પસંદ આવે એવી વાનગી લઈને.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.