વાંચો આ શિક્ષકની અનોખી સેવા વિશે, જે બાળકોને ઘરે-ઘરે જઇને શિખવાડવાનુું કરે છે કામ

કોઈ પણ સર્જક પ્રતિભાશાળી હોવાની સાથે સાથે સમાજને પ્રતિબદ્ધ હોય ત્યારે (ગમે તેટલું મોંઘુ હોય તો પણ) સોનામાં સુગંધ ભળે… સર્જકની સમાજ માટેની નિસબતથી સમાજમાં ખૂટતી-વખૂટતી સંવેદનાનો ઉમેરો થઈ જતો હોય છે.

આજે વિશ્વ ફોટોગ્રાફી ડે ના અવસરે આપની સાથે ગુજરાતના ખ્યાતનામ તસવીરકાર અને સેંકડો તસવીરકારોના આદરણીય અને માનીતા શિક્ષક કેતન મોદીની વાત કરું.

******************

મહુવા પાસે આવેલા ઊના નામના ગામમાં થોડાક શિક્ષકો બી નચિકેતા નામનો અ-સરકારી કાર્યક્રમ ચલાવે છે. હૃદયમાંથી પ્રેમ અને ગજવામાંથી ગાંઠના પૈસા કાઢીને તેઓ ગામના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રવૃત્તિઓ કરે છે. બાળકોને વાર્તા લખતા કરે અને તેનાં પુસ્તકો પણ પ્રકાશિત કરે. મેં તેના વિશે પોઝિટિવ સ્ટોરી લખી ને બીજા દિવસે કેતન મોદીનો ફોન આવ્યો. મારે આ બાળકોને તસવીરકલા શીખવવા જવું છે.

મેં તરત સંપર્ક નંબર આપ્યો. કેતનભાઈ પોતાની કાર લઈને બે-બે વાર ત્યાં જઈ આવ્યા અને બાળકોને તસવીર-કલા શીખવી આવ્યા છે. કારણ.. ? સામાજિક નિસબત. ગામના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કેમેરા હાથમાં લીધો હશે, પણ જે તસવીરો લીધી એ સુંદર અને નયનરમ્ય. ફોટો પાડવા માટે માત્ર એકલો મોબાઈલ ફોન પૂરતો નથી હોતો, દૃષ્ટિ પણ જોઈએ.

*******

ગાંધીનગરના પાદરમાં આવેલા સાદરાની બાજુમાં રાજપુર નામનું એક નાનકડુંગામ છે. બિંદુબહેન નામનાં લોકનિષ્ઠ શિક્ષિકાએ 15 વર્ષમાં આ ગામની કાયાપલટ કરી છે. અનેક બદીઓથી ખદબદતું આ ગામ આજે અનેક વિશેષતાઓની સુગંધ ફેલાવી રહ્યું છે. કેતન મોદી નિયમિત આ ગામની મુલાકાત લે. અનેકવિધ પ્રવૃતિઓની સાથે સાથે તેમણે ત્યાંના વિદ્યાર્થીઓને પણ તસવીરકલા શીખવી છે.

***

લ્યો, પાછો બગસરાનાં બાળકોને ફોટોગ્રાફી શીખવવાનો સાદ પડ્યો. જુઓ, કેતનભાઈ પોતાના 10-12 એસએસઆર કેમેરા બેગમાં ભરીને દોડ્યા. બસ, લગની લાગી છે લોકોને ફોટોગ્રાફી શીખવવાની. અનેક વખત અનેક શાળાઓમાં તેઓ તસવીરકલા શીખવવા જાય છે. વાર્તાલાપો યોજે છે. સ્લાઈડ શો કરે છે. તેમના કાન એવા છે કે જો અંતરિયાળ ગામમાંથી સાદ પડે તો તેમને પહેલો અને સ્પષ્ટ સંભળાય છે. બીજે જવા તૈયાર હોય, ત્યાં જવા તત્પર હોય.

****

કેતન મોદી ફોટોગ્રાફીના એક સમર્પિત શિક્ષક છે. નવગુજરાત કોલેજના ફોટોગ્રાફી તાલીમ વિભાગના તેઓ ડિરેકટર છે. 1998થી તેઓ આ સંસ્થા સાથે જોડાયા છે. બે-સવા બે દાયકામાં ત્રણેક હજાર યુવાનોને તેમણે ફોટોગ્રાફી શીખવી છે. એ ઉપરાંત વિવિધ પત્રકારત્વ વિભાગો, ચારૃસેટ યુનિવર્સિટી એમ જુદી જુદી સંસ્થાઓમાં તેઓ ફોટોગ્રાફીની તાલીમ આપે છે. તેઓ ઉત્તમ અને નીવડેલા શિક્ષક છે. તેઓ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક છે. તેમના હાથ નીચે અને હૃદય સાથે ભણવું એ લહાવો છે.

****

ફોટોગ્રાફીની કલાની સજ્જતા વિકસે અને લોકોમાં તસવીરકલા અંગે જાગૃતિ આવે તે માટે તેમણે પોતાનાં માતા શ્રીમતી વિનોદાબહેન મોદીની સ્મૃતિમાં વી.એમ.મોદી ચેરિટેબલ ટ્રસ્ટ પણ કર્યું છે. માનવ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ તેઓ દર વર્ષે ચોક્કસ વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા રાખે છે. 20 હજાર રૂપિયાનાં ઈનામો પણ આપે છે. વિજેતા અને નોંધપાત્ર તસવીરોનાં પ્રદર્શનો પણ યોજે છે. અત્યાર સુધી 14 પ્રદર્શનો થઈ ચૂક્યાં છે.

કેતનભાઈએ પોતાના પિતાની સ્મૃતિમાં તસવીરકારો માટે શિષ્યવૃત્તિનો પ્રારંભ કર્યો છે. ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિના કોઈ અંગ કે વિભાગની તસવીરો લઈને તેનું દસ્તાવેજીકરણ કરનારાને વર્ષે 25 હજાર રૃપિયા અપાશે. કોઈ કળા કે તહેવારની આખું વર્ષ તસવીરો લઈને તેનું દસ્તાવેજીકરણ કરવાનું હોય છે.

માતા અને પિતાના નામે અનેકવિધ પ્રવૃતિઓ કરતા કેતનભાઈ પોતાની કમાણીના 10 ટકા આવી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચીને રાજી રાજી થાય છે.

****

કલાકાર માત્ર સંવેદનશીલ હોવો જોઈએ. માત્ર પ્રોફેશનલ બનીને કલાકારી થાય તે અધુરી વાત છે. જ્યારે કોઈ પણ કલામાં સામાજિક નિસબત ભળે ત્યારે રંગીન વાત સંગીન બની જાય છે. કેતનભાઈ એક તસવીરકાર તરીકે અને તસવીરકારના શિક્ષક તરીકે સજ્જ છે તેટલા જ નિસબતી છે. પ્રતિભા અને પ્રતિબદ્ધતાનો તેમનામાં સુંદર સુયોગ થયો છે. જ્યારે જ્યારે તેમને વિદ્યાર્થીઓ સાથે કામ કરતા જોઉં છું ત્યારે થાય કે આવા જ હોવા જોઈએ શિક્ષક.

કેતનભાઈનું તસવીરકલાના પ્રસારમાં માતબર પ્રદાન છે. ગુજરાત સરકારે તેમને ગાૈરવ પુરસ્કાર આપીને તેમનું બહુમાન કર્યું છે, જોકે તેમના સેંકડો વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓના હૃદયમાં તેમના માટે જે પ્રેમ અને આદર છે તેનાથી ચડિયાતું સન્માન તો કદાચ બીજું કોઈ નથી.

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસે હું તેમને અભિનંદન આપું છું. તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે આનંદ વ્યક્ત કરીને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને નિરામય દીર્ઘાયુ આપે જેથી તેઓ થાક્યા વિના ક્લિક..ક્લિક કરતા રહે અને શીખવતા રહે.

(કોઈ પોતાના ગામમાં વિદ્યાર્થીઓ કે બાળકો માટે ફોટોગ્રાફીનો માનદ વર્કશોપ રાખવા ઈચ્છતા હોય તો.. કેતન મોદીનો સંપર્ક નંબર 9825347813 છે.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.