ઉંમર 87 વર્ષ, છતાં દરરોજ સાયકલ ચલાવીને પહોંચે છે ગરીબ આદિવાસીઓના ઘરે અને કરે છે તેમનો ઇલાજ

પોતાનું આખું જીવન અન્યોની સેવા કરવામાં ખપાવી દેવું એ જેવા તેવા વ્યક્તિનું કામ નથી. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી તે જે તે વ્યક્તિની ભલમાનસાઈ દર્શાવે છે. આવું જ એક નામ છે રામચંદ્ર દાંડેકર. મહારાષ્ટ્રના સુશી (ચંદ્રપુર) ખાતે રહેતા રામચંદ્ર દાંડેકર આજકાલથી નહિ પણ છેલ્લા 60 વર્ષોથી રાજ્યના દૂર અને છેવાડાના વિસ્તારોમાં જઈ ગરીબ દર્દીઓની મદદ કરવા છેક તેના ઘર સુધી જાય છે.

image source

રોજે રોજ અટક્યા વિના અને થાક્યા વિના 87 વર્ષના રામચંદ્ર દાંડેકર બીમાર લોકોની મદદ કરવાનું કામ કરી રહ્યા છે. વ્યવસાયે હોમિયોપેથીક એવા રામચંદ્ર મોટાભાગે પોતાની સાયકલ લઈને દૂર આવેલા આદિવાસીઓના ગામોમાં જાય છે જેથી તેઓ એવા.લોકોની બીમારીનો ઈલાજ કરી શકે જેઓ મોટા શહેરોમાં જઈ નથી શકતા અને આધુનિક ચિકિત્સા સુવિધાઓનો લાભ નથી લઈ શકતા.

image source

ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રામચંદ્ર દાંડેકરએ હોમિયોપેથીમાં ડિપ્લોમા કરેલું છે અને એક વર્ષ માટે એક લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. ત્યારબાદ તેના એક પરિચિત વ્યક્તિએ તેઓને શહેરમાં શિક્ષણ કાર્ય કરવા કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરી સેવા આપવાનો આગ્રહ કર્યો. રામચંદ્ર એ વાત માની ગયા અને ત્યારથી ગરીબ આદિવાસીઓની બીમારી સબબ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહયા છે.

image source

રામચંદ્રએ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ” હું 87 વર્ષનો છું છતાં થાક્યો નથી અને આરામ પણ નથી કરવા માંગતો. હું લોકોની સેવા કરવા ઈચ્છું છું અને તેનાથી મને અપાર ઉર્જા મળે છે ” દવાઓ અને ટેસ્ટ કીટ એમ બે થેલીઓ લઈને સવારમાં 6:30 વાગ્યે દાંડેકર પોતાની સાઇકલ લઈને નીકળી પડે અને 12:30 / 1:00 વાગ્યા સુધીમાં પરત ફરે. જો જરૂરી હોય તો સાંજે ફરીથી તેઓ કામ માટે નીકળી જાય. દાંડેકરનું છેલ્લા 60 વર્ષથી આ રૂટિન છે.

image source

દાંડેકરના કહેવા મુજબ ચંદ્રપુર દૂર અને ગીચ જંગલ વિસ્તાર ધરાવે છે. અને અહીં એવા અનેક વિસ્તારો આવેલા છે જ્યાં કોઈ બસ નથી જઈ શકતી. એટલા માટે દૂરના વિસ્તારોમાં ઘરે જવા માટે ફક્ત પગપાળા કે સાઇકલ લઈને જ જઈ શકાય. મહામારીના સમયમાં ઘણા લોકો હોસ્પિટલમાં જવાનું જોખમ નહોતા લઈ શકતા આથી મેં તેમના ઘરે જઈને જ ઈલાજ કરવાનો નિર્ણય કર્યો.

image source

દાંડેકરે હજારો ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસીઓનો ઈલાજ કર્યો. સૌથી ખાસ વાત તો એ કે દાંડેકરની આ સેવા માટે તેઓ કોઈ પાસેથી ફિક્સ ચાર્જ પણ નથી લેતા, જેવી જેની શક્તિ અને સ્થિતિ હોય તે મુજબની ફી સ્વીકારી લે છે.